For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા સપ્તાહમાં સેન્સેક્સ 58888 થી 57777 વચ્ચે અથડાશે

- નિફટી ૧૭૩૭૭ થી ૧૬૭૭૭ વચ્ચે અથડાશે

- યુ.એસ. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડની મીટિંગ પર નજર

Updated: Mar 18th, 2023


મુંબઈ : અમેરિકાના બેંકિંગ સંકટે વિશ્વને ફરી સ્તબ્ધ કરી દીધું છે. ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરોમાં કરાયેલો તીવ્ર વધારો વિશ્વની બેંકિંગ, ફાઈનાન્શિયલ વ્યવસ્થાને ફરી અસ્થિરતામાં ધકેલી રહ્યો છે. અમેરિકામાં બેંકોને તાળા લાગવા સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે નવી કટોકટી, મોટી મંદીનું જોખમ ઊભું થયંહ છે. અત્યારે આ વિકસીત વિશ્વની તુલનાએ ભારતીય બજારો અને બેંકિંગ વ્યવસ્થા તુલનાત્મક વધુ સુરક્ષિત હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ અમેરિકા અને યુરોપની આ કટોકટી વધુ વકરવાના સંજોગોમાં ભારતીય સિસ્ટમ અને બજારોમાં પણ આ સંકટમાંથી બાકાત રહી શકશે નહીં, નવો વિદેશી રોકાણ પ્રવાહ વધુ રૂંધાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતીય બજારોમાં કરેકશનનો દોર ટૂંકાગાળા માટે આગળ વધતો જોવાશે. આ સાથે હવે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો અંત નજીક આવી રહ્યો હોઈ હાલ શેરોમાં મોટી ખરીદીથી દૂર રહી કરેકશનમાં ઘટાડામાં ટૂકડે ટૂકડે સારા શેરોમાં રોકાણની તક ઝડપી શકાય. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ વચ્ચે આગામી સપ્તાહમાં હવે ૨૧ અને ૨૨ના અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી) અને બેંક ઓફ ઈંગ્લેન્ડની મળનારી મીટિંગ પર નજર રહેશે. ફુગાવો ઘટતાં અને બેંકોના સંકટ વચ્ચે અમેરિકામાં ફેડરલ વ્યાજ દરમાં આ વખતે અડધા ટકાના બદલે ૦.૨૫ ટકાનો વધારો કરે અથવા વ્યાજ દર મોકૂફ રાખીને સંકટમાં રાહત આપે એવી શકયતા છે. જેથી અનિશ્ચિત ચાલમાં આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૫૮૮૮૮ થી ૫૭૭૭૭ વચ્ચે અને નિફટી સ્પોટ ૧૭૩૭૭ થી ૧૬૭૭૭ વચ્ચે ફંગોળાઈ શકે છે.

અર્જુનની આંખે : VOLTAMP TRANSFORMERS LTD.

બીએસઈ(૫૩૨૭૫૭), એનએસઈ(VOLTAMP) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, સંપૂર્ણ ડેટ-દેવા મુક્ત, રૂ.૯૦૦ કરોડની ઓર્ડર બુક ધરાવતી, વર્ષ ૧૯૬૭માં લલિત પટેલ દ્વારા પ્રમોટ કરાયેલી, ISO 9001:2008,   ISOQAR, ISO/TEC 17025:2005  Certified, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ(VOLTAMP TRANSFORMERS LTD.) કંપની ઈલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગ અને વેચાણ ક્ષેત્રે સક્રિય અગ્રણી કંપનીઓમાં એક છે. કંપની ૧૬૦ એમવીએ, ૨૨૦ કેવી ક્લાસ સુધીના ઓઈલ ફિલ્ડ પાવર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોમર્સ, પાંચ એમવીએ, ૧૧કેવી ક્લાસ( મોરા, જર્મની સાથે ટેકનીકલ કોલોબ્રેશન)માં રેઝિન ઈમ્પ્રિજનેટેડ ડ્રાય ટાઈપના ટ્રાન્સફોર્મર્સ અને ૧૨.૫ એમવીએ, ૩૩ કેવી ક્લાસ (એચટીટી, જર્મનીના ટેકનીકલ કોલોબ્રેશનમાં) કાસ્ટ રેઝિન ડ્રાય ટાઈપના ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગમાં પ્રવૃત છે. આ સિવાય કંપની ઈન્ડકશન ફર્નેશ ટ્રાન્સફોર્મર્સ અને લાઈટીંગ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન પણ કરે છે. આ ઉપરાંત કંપની વેચાણ બાદના સંપૂર્ણ સર્વિસ કોન્ટ્રેકટ્સ લેનારા અમુક સાહસિકો પૈકી એક છે.

કંપની વડોદરા, ગુજરાતમાં બે પ્લાન્ટ ધરાવે છે. જેમાં મકરપુરા પ્લાન્ટ પાવર ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગ અને સાવલી તાલુકાના વડાડલામાં સવલત ધરાવે છે. જેની કુલ સ્થાપિત ક્ષમતા વાર્ષિક ત્રણ શિફ્ટના ધોરણે ૧૪૦૦૦ એમવીએની છે. કંપનીએ તાજેતરમાં ડિબોટલનેકિંગ થકી તેની ક્ષમતામાં ૧૦૦૦ એમવીએનો વધારો કર્યો હતો. કંપની તેનું વૈવિધ્યીકૃત બિઝનેસ મોડલ ધરાવે છે. જેમાં ત્રણ વિવિધ સેગ્મેન્ટસમાં પાવર ટ્રાન્સફોર્મર્સ( કુલ વેચાણના ૩૫ ટકા), ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ( વેચાણના ૪૫ ટકા) અને ડ્રાય ટ્રાન્સફોર્મર્સ(૧૩ ટકા)નો સમાવેશ છે. કંપનીના વેચાણમાં ઓઈલ-ફિલ્ડ ટ્રાન્સફોર્મર્સનો હિસ્સો ૮૧ ટકા અને ડ્રાય ટ્રાન્સફોર્મર્સનો ૧૯ ટકા છે. કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં બિઝનેસમાં વોલ્યુમની રીતે પાંચ ટકાની સીએજીઆર વૃદ્વિ નાણાકીય વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન મેળવી છે. ભારત, નેપાળ, ભૂતાન, ઈન્ડોનેશિયા, શ્રી લંકા, મિડલ ઈસ્ટ એશીયા, સાઉથ ઈસ્ટ અને આફ્રિકન દેશોમાં હજારો કેવીએ ક્ષમતામાં ૫૩,૦૦૦થી વધુ ઈન્સ્ટોલેશન કંપની કરી ચૂકી છે.

પ્રમુખ ગ્રાહકો :  કંપની કોઈ એક ઉદ્યોગ પર નિર્ભર નહીં હોઈ અલગ અલગ ઉદ્યોગોના ગ્રાહકો થકી ઓર્ડર બુક ધરાવે છે જેમાં વિવિધ એન્ડ યુઝર ઉદ્યોગોના ૧૦૦૦થી વધુ ગ્રાહકોની યાદી ધરાવે છે.  ટ્રાન્સફોર્મર્સના ઓર્ડરો કંપની અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત કન્સલ્ટન્ટ જેવા કે એન્જિનિયર્સ ઈન્ડિયા, કાવાર્નર, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, એમએન દસ્તુર, અવાન્તે ગર્ડે, ટોયો એન્જિનિયર્સ, જેકોબ્સ એચજી, યુએચડીઈ, કેમટેક્સ એન્જિ., દલાલ કન્સલ્ટન્ટસ, બેકટેલ, મીકોન, ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટસ સહિત પાસેથી મેળવે છે. મોટાભાગના ટર્નકી કોન્ટ્રેકટરો જેમ કે એબીબી, સિમેન્સ, એલ એન્ડ ટી વગેરે તેમના ઈન્ડસ્ટ્રીયલ અને સ્વિચગીયર પેકેજ પ્રોજેક્ટો માટે ટ્રાન્સફોર્મર્સ નિયમિત ધોરણે વોેલ્ટેમ્પ પાસેથી મેળવે છે. કંપનીના અન્ય પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં ગેટકો, બીપીસીએલ, આઈઓસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટોરન્ટ પાવર, ઈન્ફોસીસ ટેકનોલોજીસ, આઈએસજીઈસી, અતુલ પ્રોજેક્ટસ, માઈક્રોન ઈલેક્ટ્રિકલ્સ, રૂંગ્ટા માઈન્સ, થાઈસીનક્રુપ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા  સહિતનો સમાવેશ છે.

ઓર્ડર બુક : કંપનીની ઓર્ડર બુક પણ ઓલ ટાઈમ સર્વોચ્ચ સપાટીએ છે. ડિસેમ્બર ૨૦૨૨ના  અંતે કંપનીની ઓર્ડર બુક રૂ.૯૦૦ કરોડ જેટલી રહી છે. જેમાંથી ૮૫ ટકા ખાનગી ક્ષેત્રમાંથી અને બાકી રાજય વિદ્યુત નિગમો અને યુટીલિટીઝ પાસેથી છે.દેશમાં મેન્યુફેકચરીંગ બેઝમાં થઈ રહેલા ધરખમ વધારાને જોતાં વૃદ્વિ જળવાઈ રહેવાનું અપેક્ષિત છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી(સીઈએ)ના મતે ભારતની વીજ ઉત્પાદનની ક્ષમતા નાણાકીય વર્ષ ૨૦૨૨ના અંતની ૩૮૨ ગીગાવોટથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ૬૨૩ ગીગાવોટ અને નાણાકીય વર્ષ ૨૦૩૨ સુધીમાં ૮૬૫ ગીગાવોટ થવાની શકયતા છે. રીન્યુએબલ એનજીૅ ઉત્પાદનમાં પણ નોંધની વધારો થવાનો અંદાજ છે. જેનો કુલ વીજ ઉત્પાદનમાં હિસ્સો નાણાાકીય વર્ષ ૨૦૨૨ના ૨૫ ટકાથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ૫૭ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૩૨ સુધીમાં ૬૮ ટકા થવાનો અંદાજ છે. આ સાથે સરકાર પ્રોડકશન લિન્ક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ)ને સ્કિમોને પ્રોત્સાહન આપી રહી હોઈ ખાનગી ક્ષેત્રે મેેન્યુફેકચરીંગ ક્ષમતામાં વધારો અપેક્ષિત છે. સરકારે ૧૩ પ્રમુખ ક્ષેત્રોમાં ઓટો, મોબાઈલ મેન્યુફેકચરીંગ, એડવાન્સ કેમેસ્ટ્રી, સેલ બેટરી, ફાર્માસ્યુટિકલ અને ટેલીકોમમાં પીએલઆઈ સ્કિમો માટે રૂ.બે લાખ કરોડની ફાળવણી કરી રહી છે. જેથી મેન્યુફેકચરીંગ બેઝ વધવાનો અને એના પરિણામે પાવર અને ટ્રાન્સફોર્મર્સની માંગમાં મોટી વૃદ્વિ અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૫૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે કુલ ૨૫.૩૫ ટકા પૈકી યુટીઆઈ-મિડ કેપ ફંડ પાસે ૨.૫૪ ટકા, ડીએસપી સ્મોલ કેપ ફંડ પાસે ૩.૯૬ ટકા, નિપ્પોન લાઈફ ઈન્ડિયા ટ્રસ્ટી પાસે ૮.૪૪ ટકા અને એચડીએફસી સ્મોલ કેપ ફંડ પાસે ૮.૮૪ ટકા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧૩.૯૯ ટકા છે. જ્યારે રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૮.૫૫ ટકા છે.

 બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૯૩૧.૨૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૩ના રૂ.૧૧૦૫.૨૦

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ : કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક ૫૩ ટકા વધીને રૂ.૧૧૭૦  કરોડ મેળવીને ચોખ્ખો નફો ૧૮.૩૮ ટકા વધીને રૂ.૧૩૨.૮૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક(ઈપીએસ) રૂ.૧૩૧.૩૦ હાંસલ કરી છે.

(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ : નવમાસિક ચોખ્ખી આવક ૨૫.૬૭ ટકા વધીને રૂ.૯૭૪ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૬૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૦.૯૭ કરોડની તુલનાએ વધીને રૂ.૧૨૩.૩૭ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૮૦.૦૪ થી વધીને રૂ.૧૨૧.૯૫ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ : અપેક્ષિત ચોખ્ખી આવક પાંચ ટકા વૃદ્વિએ રૂ.૪૧૪ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન ૧૨.૬૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૨.૩૭ કરોડ મેળવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૫૧.૭૬ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૩૮૮ કરોડ મેળવી એનપીએમ ૧૨.૬૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૭૬.૧૧ કરોડ નોંધાવી શેર દી  ઠ આવક રૂ.૧૭૪.૦૭ અપેક્ષિત છે. 

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૭૪.૦૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૧૦૫.૨૦ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૨૭૨૭.૭૫ ભાવે ઉદ્યોગના સરેરાશ ૨૦.૩૦ના પી/ઇ સામે માત્ર ૧૫.૭૧ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Gujarat