નવા સપ્તાહમાં સેન્સેક્સ 41555 થી 40222 અને નિફટી 12222 થી 11888 વચ્ચે અથડાતાં જોવાશે
- નાણા પ્રધાનની આર્થિક સૂઝબુઝ-નીતિઓ બાબતે ઉદ્યોજકો-બજારોમાં વધી રહેલી ટીકા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 14 ડિસેમ્બર, 2019, શનિવાર
અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ પ્રથમ તબક્કાની પાર પડી જતાં અને યુ.કે.માં બોરીસ જહોન્સનની કનર્ઝવેટીવ પક્ષનો વિજય થતાં બ્રેક્ઝિટ પાર પડવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહના અંતિમ દિવસોમાં યુ-ટર્ન જોવાયો છે. અલબત આર્થિક મોરચે ભારતમાં ફુગાવો વધવાની સાથે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)માં ઘટાડો થવાની સાથે બિઝનેસ સેન્ટીમેન્ટ ડહોળાયેલું હોવાના ઉદ્યોજકો-વેપારી વર્ગમાં વધી રહેલા ઉહાપોહને પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર આર્થિક પ્રોત્સાહનો, રાહતોના આશ્વાસન આપતાં રહેવાની ફરજ પડી રહી છે. જેમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામનની આર્થિક સૂઝબુઝ-નીતિઓ બાબતે ઉદ્યોજકો-બજારોમાં ટીકા વધી રહી છે, ત્યારે નાણા પ્રધાન પણ બિઝનેસ સેન્ટીમેન્ટ સુધારવા માટે પગલાં લેવાશે એવા આશ્વાસનો આપતાં રહ્યા છે, આ આશ્વાસનો અને પાછલા દિવસોમાં લેવાયેલા પગલાં જાણે કે અપર્યાપ્ત હોઈ હવે લોકોની અપેક્ષા આગામી દિવસોમાં રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વધવા લાગી છે. નાણા પ્રધાન દ્વારા આ વખતે બજેટમાં પર્સનલ ઈન્કમ ટેક્ષમાં મોટી રાહત આપવામાં આવે એવી અપેક્ષા સાથે ઓટોમોબાઈલ, ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગોને મોટા પ્રોત્સાહનો થકી આર્થિક રિકવરીને વેગ આપવાની અપેક્ષા રહી છે, ત્યારે બીજી તરફ સરકાર જીએસટીના બેઝ રેટમાં વધારો કરીને અનેક આઈટમોને પરના જીએસટીમાં વધારો કરવાની થઈ રહેલી વાતોને લઈ આગામી સપ્તાહમાં મળનારી જીએસટી કાઉન્સિલની મીટિંગ પર બજારની નજર રહેશે. જે મીટિંગમાં કોઈપણ નેગેટીવ ફેરફારના સંજોગોમાં બજાર ફરી કરેકશન ઝોનમાં આવી જશે.
જીએસટી કાઉન્સિલની ૧૮,ડિસે.ના મીટિંગ, ફુગાવાના હોલસેલ આંક, RBIની મીનિટ્સ, ચાઈનાના આઈઆઈપી પર નજર
આગામી સપ્તાહમાં ૧૮,ડિસેમ્બરના મળનારી જીએસટી કાઉન્સિલની ૩૮મી મીટિંગ પર બજારની નજર રહેશે. રેટ વધારવાના સંજોગોમાં બજારોમાં આ નેગેટીવ પરિબળને લઈ આંચકા આવતાં જોવાશે, અન્યથા બજારમાં રિકવરી આગળ વધતી જોવાશે. આગામી સપ્તાહમાં જાહેર થનારા હોલસેલ ફુગાવાના આંક-ડબલ્યુપીઆઈ નવેમ્બર ૨૦૧૯ મહિના માટેનો સોમવારે ૧૬,ડિસેમ્બરના જાહેર થનાર છે એના પર બજારની નજર રહેશે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનની તાજેતરમાં યોજાયેલી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ બાદ હવે ગુરૂવારે ૧૯,ડિસેમ્બર ૨૦૧૯ના આ મીટિંગની જાહેર થનારી મીનિટ્સ પર બજારની નજર રહેશે. આ સાથે હવે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.
ડાર્ક હોર્સ : KEI INDUSTRIES LTD.
એનએસઈ( KEI), બીએસઈ(૫૧૭૫૬૯) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, ૪૫.૫૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, વર્ષ ૧૯૬૮માં પાર્ટનરશીપ કંપની તરીકે શરૂ થયેલી ,ISO 9001 : 2008, OHSAS 18001 : 2007, OHSAS 14001 : 2004, ISO/IEC 17025 : 2005 Certified, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(KEI INDUSTRIES LIMITED) વાયર્સ અને કેબલ્સમાં ભારતની અગ્રણી કંપનીઓમાં એક Brugg Kabel AG, Switzerland સાથે ટેકનીકલ કોલોબ્રેશન ધરાવતી પ્રમુખ ત્રણ ડિવિઝન કેબલ્સ, સ્ટેનલેસ સ્ટીલ વાયર્સ અને ટર્નકી પ્રોજેક્ટ થકી કાર્યરત છે. કંપની ૯૨૬ ડિસ્ટ્રીબ્યુટરોના નેટવર્ક થકી રીટેલ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પાવર, ઓઈલ રીફાઈનરીઝ, રેલવેઝ, ઓટોમોબાઈલ્સ, સિમેન્ટ, સ્ટીલ, ફર્ટીલાઈઝર્સ, ટેકસટાઈલ, રિયલ એસ્ટેટ ક્ષેત્રો-ઉદ્યોગોને પોતાના ઉત્પાદનો ભારતમાં પૂરા પાડતી અને સિંગાપુર, કોરિયા, નાઈજીરિયા, કઝાકિસ્તાન અને દુબઈમાં ઓફિસો થકી અને ઓસ્ટ્રેલિયામાં એજન્ટો થકી ૪૫થી વધુ દેશોમાં નિકાસો કરી રહી છે. નિકાસ બજારો ચાલુ વર્ષે મજબૂત રહી અગાઉના અંદાજો મુજબ રહી કંપનીને ચાલુ વર્ષમાં ૩૦ થી ૩૫ ટકા વૃદ્વિની અપેક્ષા છે.
વાયર્સ અને કેબલ્સ : એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ(ઈએચવી) કેબલ ૨૨૦ કેવી ક્ષમતા સુધી જર્મન ટેકનોલોજી( ૪૦૦ કેવી ક્ષમતા અમલીકરણ હેઠળ છે.), એચટી એક્સએલપીઈ કેબલ્સ ૨૨૦ કેવી ક્ષમતા સુધી, લો ટેન્શન-એલટી પાવર કેબલ્સ પીવીસી અથવા એક્સએલપીઈ ઈન્સ્યુલેશન ગ્રેડ ૩.૩ કેવી ક્ષમતા સુધી, બધા પ્રકારના ઈલેક્ટ્રિક યુટીલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ બજારોમાં ઉપયોગમાં લેવાતાં પાવર અને કંટ્રોલ કેબલ્સ, પ્રોસેસ ઈન્સ્ટ્રુમેન્ટેશન માટે વિસ્તુત રેન્જના કેબલ્સ, પ્રોસેસ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા થર્મોકપલ એક્સ્ટેનશન/કમ્પેનસેટિંગ, રબર કેબલ્સ અને પાવર, કંટ્રોલ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન વાયરીંગ માટે ખાસ વિકસાવેલા ફાયર સર્વાઈવલ કેબલ્સ, ફલેમ રીટાર્ડન્ટ પીવીસી ઈન્સ્યુલેટેડ હાઉસહોલ્ડ એપ્લીકેશન્સ માટેના વાયર્સ, પીવીસી કમ્પાઉન્ડના સ્પેશ્યલ ગ્રેડ સાથે ઈન્સ્યુલેટેડ પીવીસી વાઈન્ડિંગ વાયર્સ, સ્ટેનલેસ સ્ટીલ વાયર્સ જેમાં વેલ્ડિંગ વાયર્સ, હાર્ડ સ્ટેનલેસ સ્ટીલ વાયર, કોલ્ડ હેડીંગ વાયર્સ, ફાઈન સ્ટેનલેસ સ્ટીલ વાયર્સ, મરીન અને ઓફશોર કેબલ્સ, સોલાર કેબલ્સનું મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય અગ્રણી કંપનીઓમાં એક છે. કંપની તેની ૨૨૦ કેવી માટેની ઈએચવી કેબલ્સની ક્ષમતા બમણી કરી રહી છે, તેમ જ ભારતની પ્રથમ કંપની છે જે મોટા શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગમાં ઉપયોગમાં લેવાતા ૪૦૦ કેવી ઈએચવી કેબલ્સના મેન્યુફેકચરીંગમાં છે.
ઈપીસી ડિવિઝન : કંપની વાયર્સ અને કેબલ્સના મેન્યુફેકચરીંગ અને સોલ્યુશન ઉપરાંત એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન-ઈપીસી બિઝનેસ ડિવિઝન હેઠળ ઈન્ટીગ્રેટેડ ડિઝાઈન, એન્જિનિયરીંગ, ફિલ્ડ સર્વિસિઝ, કન્સ્ટ્રકશન અને મટીરિયલ પ્રોકયોરમેન્ટ, પ્રોજેકટ મેનેજમેન્ટ સર્વિસિઝ સહિતની સર્વિસિઝ પૂરી પાડે છે. કંપની પૂર્ણ ટર્નકી સોલ્યુશન્સમાં પ્રીફર્ડ પાર્ટનર છે.
ઓર્ડર બુક : રૂ.૪૫૦૦ કરોડની ઓર્ડર બુક ધરાવતી અને આ પૈકી રૂ.૪૩૭૦ કરોડના પેન્ડિંગ ઓર્ડરો ધરાવતી કંપનીએ તેના ગાઈડન્સ મુજબ ઓર્ડર બુકમાં ૧૭ થી ૧૮ ટકાની વૃદ્વિ જાળવી છે. ઈપીસી ડિવિઝનમાં આવક પણ નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૫૮ ટકા વધીને રૂ.૪૯૮ કરોડ હાંસલ કરી હતી. અત્યારે રૂ.૪૪૯૮ કરોડની ઓર્ડર બુક ધરાવતી કંપનીએ પાસે ઈપીસી માટે રૂ.૨૦૩૩ કરોડ, ઈએચવી માટે રૂ.૭૫૬ કરોડ, કેબલ માટે રૂ.૧૧૮૮ કરોડ, નિકાસો માટે રૂ.૫૨૧ કરોડનો ઓર્ડરો છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની તેની ત્રણ મેન્યુફેકચરીંગ સવલતોમાં (૧) ભિવાડી-રાજસ્થાન (૨) સિલ્વાસા-દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ અને (૩) ચોપાન્કી-અલ્વર જિલ્લા, રાજસ્થાનમાં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. કંપની ૭૦૦ કિલોમીટર ઈએચવી કેબલ્સ, ૫૭૦૦ કિલોમીટર એચટી કેબલ્સ, ૭૬,૭૦૦ કિલોમીટર એલટી કેબલ્સ, કંટ્રોલ કેબલ્સ, પાવર કેબલ્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન કેબલ્સ, રબર કેબલ્સ અને ૩,૭૫,૦૦૦ કિલોમીટર વાઈન્ડિંગ, ફલેક્સીબલ્સ અને હાઉસ વાયર્સ, ૪૮૦૦ મેટ્રિક ટન સ્ટેનલેસ સ્ટીલ વાયરની ક્ષમતા ધરાવે છે.
પ્રમુખ ગ્રાહક યાદી : કંપની તેના આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં અનેક પ્રતિષ્ઠિત વૈશ્વિક ગ્રાહકો ધરાવે છે. જે પૈકી પ્રમુખ ગ્રાહકોમાં સ્થાનિકમાં સોલાર પ્રોજેક્ટોમાં આદિત્ય, ક્લિનમેક્સ સોલાર, ઈમામી, ઈન્ફિનિટી, ગામેશા, મહિન્દ્રા સોલાર, રિયલ ગોલ્ડ, સુઝલોન, ટાસ-એજીટી, સોલાર એનજીૅ હીરો, મરીનમાં ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર, ગોવા શિપયાર્ડ લિ, લાવગન ડોકયાર્ડ, મઝગાંવ ડોક, એનટીપીસી, ટાટા પાવર, ટેમ્બા શિપયાર્ડ્સ, વિન્ડફાર્મમાં આઈનોક્સ વિન્ડ, સુઝલોન, વિન્ડ વર્લ્ડ, ઈપીસીમાં એબીબી, આદિત્ય બિરલા ગુ્રપની હિન્દાલ્કો, અલ્સ્ટોમ, અરીવા, એન્જિનિયર્સ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, પુંજ લોઈડ, સિમેન્સ, ટાટા, ટાટા પાવર, ટેકનિમોન્ટ, થાયસીનક્રુપ, ટોયો ઈન્ડિયા, મલ્ટિપ્લેક્સીસમાં આઈનોક્સ, પીવીઆર સિનેમા, બેંકોમાં એબીએન-અમરો, ડોઈશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ટેલીકોમમાં રિલાયન્સ જીઓ અને વોડાફોન, સ્ટીલમાં સેઈલ અને ટાટા સ્ટીલ, પેટ્રોકેમિકલ્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓઈલ-ગેસમાં ઓએનજીસી, ઈપીસીમાં પશ્ચિમાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ, પૂર્વાન્ચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ, મધ્યપ્રદેશ પૂર્વક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપની લિમિટેડ, વેસ્ટ બેંગાલ સ્ટેટ ઈલેકટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ, મેગ્લોર સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિ., દિલ્હી ટ્રાન્સકો લિમિટેડ, ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડ, બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી, પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિ., કેરલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ, બીએસઈએસ રાજધાની પાવર લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ., દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન, દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિ., મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિ.નો સમાવેશ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં નેશનલ વોટર એન્ડ ઈલેક્ટ્રિસિટી કંપની,ગાંબિયા, ઈલેક્ટ્રિસિટી કંપની ઓફ ટોંગો, ટોંગો, નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી, નેપાળ, ઝાંમ્બિયા ઈલેક્ટ્રિસિટી સપ્લાય કંપની, ઝાંમ્બિયાનો સમાવેશ છે.
કંપની મેનેજમેન્ટને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં આવકમાં ૧૮ ટકા વૃદ્વિ હાંસલ થવાની અપેક્ષા છે. આ સાથે કંપનીને આગામી નવા નાણાકીય વર્ષમાં આવકમાં ૧૭ ટકા જેટલી વૃદ્વિ હાંસલ કરી શકવાનો વિશ્વાસ છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૪ના રૂ.૩૬.૪૩, માર્ચ ૨૦૧૫ના રૂ.૩૯.૩૪, માર્ચ ૨૦૧૬ના રૂ.૪૭.૪૭, માર્ચ ૨૦૧૭ રૂ.૫૯.૨૫, માર્ચ ૨૦૧૮ના રૂ.૭૭.૧૫, માર્ચ ૨૦૧૯ના રૂ.૯૮.૬૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૧૩૦.૩૪
શેર હોલ્ડિંગ પેટર્ન :
૪૫.૫૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૫.૯૧ ટકા પૈકી એચડીએફસી ટ્રસ્ટી કંપની પાસે ૫.૦૬ ટકા, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ પાસે ૧.૬૨ ટકા, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ હસ્તક ૬.૧૮ ટકા, એડલવેઈઝ ટ્રસ્ટીશીપ કંપની પાસે ૧.૦૩ ટકા છે. અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડો પાસે ૩.૩૨ ટકા પૈકી વેન્ટેજ ઈક્વિટી ફંડ પાસે ૧.૯૫ ટકા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧૨.૨૯ ટકા પૈકી ગામ મલ્ટિસ્ટોક ઈમર્જિંગ માર્કેટ્સ ઈક્વિટી પાસે ૧.૩૫ ટકા, મેસેચ્યુએટ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પાસે ૧.૪૩ ટકા છે. કોર્પોરેટ બોડીઝ પાસે ૨.૦૪ ટકા, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પૈકી અજય ઉપાધ્યાય પાસે ૧.૨૬ ટકા છે. જ્યારે આમ જનતા રૂ.૨ લાખ સુધી વ્યક્તિગત શેર મૂડી ધરાવતા પાસે ૧૪.૪૧ ટકા હોલ્ડિંગ છે.
નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ : ચોખ્ખી આવક રૂ.૩૪૫૮.૮૦ કરોડ થી ૨૨ ટકા વધીને રૂ.૪૨૨૬.૯૬ કરોડ મેળવીને એનપીએમ ૪.૩૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૪.૫૬ કરોડની તુલનાએ ૨૬ ટકા વધીને રૂ.૧૮૧.૮૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૮.૨ થી વધીને રૂ.૨૨.૯ હાંસલ કરી છે.
(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : ચોખ્ખી આવક રૂ.૯૯૬.૭૯ કરોડની તુલનાએ ૨૩ ટકા વધીને રૂ.૧૨૩૦.૧૭ કરોડ મેળવીને એનપીએમ ૬.૧૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૧.૩૭કરોડ થી ૮૪ટકા વધીને રૂ.૭૬.૧૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૯.૬૫ હાંસલ કરી છે.
(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ : ચોખ્ખી આવક રૂ.૧૮૮૦.૬૯ કરોડની તુલનાએ ૨૩ ટકા વધીને રૂ.૨૩૧૧.૫૨ કરોડ નોંધાવી એનપીએમ ૫.૨૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૩.૫૫ કરોડથી ૬૬ ટકા વધીને રૂ.૧૨૧.૯૮ કરોડ મેળવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૂ.૧૫.૫૦ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૯૯૨.૪૫ કરોડ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૫૧.૬૭ કરોડ નોધાવી શેર દીઠ આવક રૂ.૩૧.૬૫ અપેક્ષિત છે.
(૫) વેલ્યુએશન : ટ્રીપલ BBB : કેબલ-પાવર ઉદ્યોગના સરેરાશ ૨૩ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૨૦નો પી/ઈ આપીએ તો પણ રૂ.૬૩૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB.
આમ (૧)૪૫.૫૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની (૨) ભારતમાં વાયર્સ અને કેબલ્સ ક્ષેત્રે અગ્રણી મેન્યુફેકચરીંગ કંપનીઓમાં એક (૩) ૪૫થી વધુ દેશોમાં નિકાસ કરતી (૩) રૂ.૪૫૦૦ કરોડની ઓર્ડર બુક ધરાવતી (૪) સરકારના પાવર ક્ષેત્રે ટ્રાન્સમિશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારા પર ફોકસ, ભારતભરમાં ૨૪*૭ વીજ પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય અને સબ-ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સને મજબૂત કરવાની પહેલ, ટી એન્ડ ડી નુકશાનીમાં ઘટાડો કરવો તેમ જ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને રીન્યુએબલ એનજીૅ ક્ષેત્રે ઝડપી વિસ્તરણ, ઓઈલ-ગેસ અને શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં અપેક્ષિત વૃદ્વિ થકી કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ માટે અપેક્ષિત બિઝનેસ તકો (૬) જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં ૮૪ ટકા વૃદ્વિ થકી રૂ.૭૬.૧૭ કરોડ અને શેર દીઠ આવક રૂ.૯.૬૫ હાંસલ કરનાર (૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦માં અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૯૯૨.૪૫ કરોડ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૫૧.૬૭ કરોડ નોધાવી શેર દીઠ આવક રૂ.૩૧.૬૫ અપેક્ષિત સામે અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૪૪૫.૫૦ ભાવે ૧૪ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.