ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 700 પોઇન્ટ સુધીનું ગાબડું, મૂડીમાં 4 લાખ કરોડનું ધોવાણ
Stock Market Today: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની 25 ટકા ડ્યુટી આવતીકાલથી લાગુ થવાની છે. જેના પગલે આજે ફાર્મા, ઓટો, બૅન્ક, મેટલ શેર્સમાં વેચવાલી નોંધાતા સેન્સેક્સ 695.24 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે. જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ. 4 લાખ કરોડનું ગાબડું થયું હતું.
માર્કેટ બ્રેડ્થ નેગેટીવ
બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 3913 પૈકી 1183 શેરમાં સુધારો જ્યારે 2546 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. આજે 131 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 70 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીજી તરફ 74 શેર વર્ષની ટોચે અને 148 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જે માર્કેટ બ્રેડ્થ એકંદરે નેગેટિવ હોવાનો સંકેત આપે છે. 11.10 વાગ્યે 565.35 પોઇન્ટ ઘટી 81070.61 પર અને નિફ્ટી 170.35 પોઇન્ટ તૂટી 24795.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બૅન્કિંગ, ફાર્મા શેર્સ કડડભૂસ
અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફના પગલે સૌથી વધુ નિકાસ કરતાં ફાર્મા સેક્ટરમાં ભીતિ વધી છે. ઉલ્લેખનીય છે, ફાર્મા સેક્ટરને આ ટેરિફમાંથી મુક્તિ મળી હોવા છતાં આગામી સમયમાં તેના પર ટેરિફ લાદવાની ભીતિ સાથે ફાર્મા શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાતાં હેલ્થકેર ઇન્ડેક્સમાં 600 પોઇન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો છે. ખાનગી બૅન્કોમાં 3 ટકા સુધી કડાકો નોંધાતા બૅન્કેક્સ પણ 500થી વધુ પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી શેરબજારમાં મોટુ કરેક્શન નોંધાવાની સંભાવનાઓ ઓછી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.