Get The App

જૂન, 2026 સુધીમાં સેન્સેક્સ 1 લાખને આંબશે : મોર્ગનની ધારણા

- મંદીના કિસ્સામાં સેન્સેક્સ હાલની સપાટીથી ૧૬ ટકા તૂટી ૭૦,૦૦૦ સુધી ઘટી શકે છે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
જૂન, 2026 સુધીમાં સેન્સેક્સ 1 લાખને આંબશે : મોર્ગનની ધારણા 1 - image


અમદાવાદ : ભારતના શેરબજારમાં કરેકશન પૂરું થઈ ગયું છે અને ઊભરતી બજારોની સરખામણીએ ભારતની કામગીરીમાં નબળાઈ લાવતા પરિબળોએ હવે ઊલટી દિશા પકડી છે, એમ મોર્ગન સ્ટેન્લી દ્વારા મત વ્યકત કરવામાં આવ્યો છે.

એકદમ તેજીના કિસ્સામાં સેન્સેકસ જૂન, ૨૦૨૬ સુધીમાં ૧,૦૦,૦૦૦ના સ્તરને આંબી શકે છે. જોકે આની શકયતા ૩૦ ટકા જણાઈ રહી છે. આમછતાં  હાલના સંજોગોને જોતા સેન્સેકસ વર્તમાન સ્તરેથી ૬.૬૦ ટકા વધી ૮૯૦૦૦ના સ્તરે જોવા મળી શકે છે જેની શકયતા ૫૦ ટકા જણાઈ રહી છે. 

મંદીની સ્થિતિમાં સેન્સેકસ હાલના સ્તરેથી ૧૬ ટકા ઘટી ૭૦,૦૦૦ના સ્તરે ગબડી શકે છે, જેની શકયતા ૨૦ ટકા જેટલી જ છે એમ સ્ટેન્લીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે. 

ભારતીય શેરબજાર એવા શેરબજાર તરફ વળી રહ્યું છે જે બૃહદ્ પરિબળો દ્વારા દોરાય છે. ભારતનું વિકાસનું ચક્ર ઝડપ પકડવા સજ્જ થયું છે. 

રેપો રેટમાં કાપ, કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો, બેન્કો પર અંકૂશમુક્તિ, લિક્વિડિટીના ઠાલવણી તથા જીએસટીમાં ઘટાડા  જેવા    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તથા સરકારના પ્રયાસોને કારણે વિકાસમાં ગતિ જોવા મળી રહી છે. 

ભારત-અમેરિકા વેપાર કરારને કારણે પણ માનસમાં સુધારો જોવા મળશે. 

જો કે વૈશ્વિક વિકાસમાં નબળાઈ તથા ભૌગોલિકરાજકીય સ્થિતિ કથળવાની સ્થિતિમાં પોતાની ધારણાંઓ સામે ઘટાડા તરફી જોખમો રહેલા હોવાની પણ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. 

Tags :