દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી

Stock Market Today: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે સેન્સેક્સ ક્લોઝિંગ ટ્રેડિંગ સેશનમાં 1000થી વધુ પોઇન્ટ ઉછળ્યો છે. આ ઉછાળા સાથે નિફ્ટી પણ ચાર માસની ટોચ નજીક પહોંચ્યું છે.
બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 1010.05 પોઇન્ટ ઉછળી 83615.48ની ઇન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 25625.40ની ટોચ નોંધાવ્યા બાદ 284.65ના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બૅન્કિંગ અને ફાયનાન્સિયલ શેર્સમાં તેજીના પગલે નિફ્ટી 660 પોઇન્ટ ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો. કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળી છે.
રોકાણકારોને દિવાળી પહેલાં કમાણી
છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં શુષ્ક માહોલ બાદ ગઈકાલથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ આજની ટોચની તુલનાએ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 1500થી વધુ પોઇન્ટ ઉછળ્યો છે. દિવાળી પહેલાં શેરબજારે રોકાણકારોને કમાણી કરાવી છે. તેમની મૂડી છેલ્લા બે દિવસમાં 7.50 લાખ કરોડ વધી છે.
શેરબજારમાં ઉછાળાના કારણો
ફેડ રેટ કટઃ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે વૈશ્વિક પરિબળો સકારાત્મક બન્યા છે. જેના લીધે ડૉલર નબળો પડ્યો છે.
વિદેશી રોકાણકારોની ખરીદીઃ એફઆઇઆઇએ ફરી પાછી ભારતીય શેરબજારમાં ખરીદી શરુ કરી છે. એફઆઇઆઇએ કેશ સેગમેન્ટમાં રૂ. 68.64 કરોડની ખરીદી નોંધાવી હતી. ગત સપ્તાહે એફઆઇઆઇએ રૂ. 3000 કરોડનું રોકાણ નોંધાવ્યું હતું.
અર્થતંત્રના સકારાત્મક સમાચારઃ ભારતનો ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટ્યો છે. જે ભારતીય અર્થતંત્રને વેગ આપે છે. આઇએમએફએ ભારતનો ગ્રોથ અંદાજ પણ 0.2 ટકા વધાર્યો છે. જીએસટી સુધારા બાદ શહેરી અને ગ્રામીણ માગ વધી છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલઃ ભારત અને અમેરિકાની અટવાયેલી ટ્રેડ ડીલ પર ફરી ચર્ચાઓ શરુ થવાનો અંદાજ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ મુદ્દે વાત કરવા આજે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા જવાના છે.
રૂપિયો મજબૂત બન્યોઃ ગઈકાલે અમેરિકી ડૉલર સામે રૂપિયો 1 ટકાથી વધુ મજબૂત બન્યો હતો. આજે પણ વૈશ્વિક સ્તરે ડૉલર નબળો બનતાં રૂપિયાને ટેકો મળ્યો છે. આજે ડૉલર સામે રૂપિયો 88 પૈસા સુધર્યો છે.