ઈરાન-ઇઝરાયલ સીઝફાયર બાદ શેરબજાર 'મજામાં', સવાર-સવારમાં રૂ.4.48 લાખ કરોડનો ફાયદો
Stock Market Today: ઈરાન અને ઇઝરાયલે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી હોય તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 955.83 પોઇન્ટ ઉછળ્યો છે. જે 10.34 વાગ્યે 874.40 પોઇન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ આજે 25000નું લેવલ ક્રોસ કરી 25257.95 થયો હતો. જે 10.36 વાગ્યે 252.35 પોઇન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
પીએસયુ બૅન્કોના શેરમાં આકર્ષક ઉછાળો
સ્થાનિક સ્તરે ચોમાસુ સામાન્ય રહેતાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી અંદાજ વધારવામાં આવ્યો છે. વધુમાં વૈશ્વિક શેરબજારોમાં સુધારાના સથવારે આજે પીએસયુ બૅન્કોમાં આકર્ષક વોલ્યુમ જોવા મળ્યા હતા. કેનેરા બૅન્ક 2.74 ટકા, યુનિયન બૅન્ક 2.62 ટકા, મહારાષ્ટ્ર બૅન્ક 2.56 ટકા, યુકો બૅન્ક 2.50 ટકા, પીએસબી 2.37 ટકા, બૅન્ક ઑફ બરોડા 2.35 ટકા, પીએનબી 2.12 ટકા, IOB 2.03 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા હતાં. આ સિવાય અન્ય સરકારી બૅન્કોમાં પણ 1 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. BSE PSU બૅન્ક ઇન્ડેક્સ 2.25 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સિવાય મેટલ, એનર્જી, આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી હતી.
આ પણ વાંચોઃ સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન
રોકાણકારોની મૂડી 4.48 લાખ કરોડ વધી
બીએસઈ ખાતે એકંદરે સુધારાનો માહોલ નોંધાતા રોકાણકારોની મૂડીમાં 4.48 ટકા ઉછાળો નોંધાયો હતો. 174 શેરમાં અપર સર્કિટ અને 73 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. આજે બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3746 પૈકી 2768 શેરમાં સુધારો અને માત્ર 799 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે.
શેરબજારમાં ઉછાળાના કારણો
- ઈરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની સહમતિનો ટ્રમ્પનો દાવો
- ક્રૂડના ભાવોમાં 7.2 ટકાનો ઘટાડો
- એસએન્ડપી ગ્લોબલે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2025-26 માટે વધારી 6.5 ટકા કર્યો
- એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર
- ફેડ દ્વારા વ્યાજના દરો જુલાઈમાં ઘટવાના અંદાજો