સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 141 સેશન બાદ 25000, 5 લાખ કરોડની કમાણી
Stock Market Closing Bell: શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી વચ્ચે ઓટો, મેટલ, આઈટી અને રિયાલ્ટી શેરોમાં ખરીદી વધતાં બુલનું જોર વધ્યું હતું. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1955.98 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 1200 પોઈન્ટ ઉછાળે બંધ રહ્યુ હતું. નિફ્ટી પણ 141 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછો 25000ના લેવલે બંધ રહ્યો છે. અગાઉ 30 સપ્ટેમ્બર, 2024માં 25810.85 પર બંધ રહ્યો હતો. આજે 395.20 પોઈન્ટ ઉછળી 25062.10 પર બંધ રહ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટાપાયે વોલ્યૂમ વધતાં રોકાણકારોની મૂડીમાં 5.02 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
સેન્સેક્સમાં 1955.98 પોઈન્ટની વોલેટિલિટી
શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ ઘટ્યા હતાં. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 1955.98 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બપોરે એક વાગ્યા બાદ માર્કેટ તેજીમાં આવ્યું હતું. સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 1200.18 પોઈન્ટ ઉછાળે 82530.74 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 25000ના લેવલે બંધ આપવામાં સફળ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો તેમજ સ્થાનિક સ્તરે પણ આર્થિક ગ્રોથ વેગવાન હોવાના અંદાજ સાથે શેરબજાર ફરી તેજીમય બન્યું છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથે ટ્રેડ ડીલ મુદ્દે નિવેદને શેરબજારમાં પ્રાણ ફૂંક્યા હતાં. ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, ભારતે અમેરિકા સમક્ષ ઝીરો ટેરિફ ડીલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી સીરિયામાં ખુશીની લહેર, લોકો બોલ્યા- નવો જન્મ મળ્યો
શેરબજારમાં ઉછાળા પાછળના કારણો
1. ભારત-અમેરિકા વેપાર કરારની અપેક્ષા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી હતી કે, ભારતે અમેરિકા સાથે "નો ટેરિફ" વેપાર કરાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારબાદ રોકાણકારોમાં જુસ્સો વધ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, "ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે, અને તેઓ અમને એક એવી ડીલ ઓફર કરી રહ્યા છે જ્યાં મૂળભૂત રીતે તેઓ શાબ્દિક રીતે અમારી પાસેથી કોઈ પણ ટેરિફ વસૂલવા માગતા નથી.
2. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેથી ફુગાવા અંગે ચિંતા ઓછી થઈ છે અને કોર્પોરેટ માર્જિન માટે આઉટલુક વધ્યો છે. નબળી વૈશ્વિક માંગ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 3% ઘટી 63.86 ડોલર પ્રતિ બેરલ બોલાઈ રહ્યું હતું.
3. રેટ કટની અપેક્ષાઃ ફુગાવામાં નોંધનીય ઘટાડો નોંધાતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો જાહેર કરી શકે છે. જેના લીધે રિયાલ્ટી અને મેટલ શેર્સમાં ખરીદી વધી હતી. ર
4. FII પ્રવાહ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ફરી પાછા લેવાલ બન્યા છે. ગઈકાલે રૂ. 931.80 કરોડની ખરીદી નોંધાવી હતી. સામે ડીઆઈઆઈ પણ શેરબજારમાંથી નીચા મથાળે ખરીદી કરી રહ્યું છે.