ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે બેંકિંગ, આઈટી, ફાર્મા, મેટલ-માઈનીંગ શેરોમાં તેજીએ સેન્સેક્સ 175 પોઈન્ટ વધીને 40850
- નિફટી સ્પોટ ૪૩ પોઈન્ટ વધીને ૧૨૦૩૭ : કેપિટલ ગુડઝ શેરોમાં સતત વેચવાલી
- સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.૭૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૯૦૪ કરોડની ચોખ્ખી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
આર્થિક મોરચે ભારતીય અર્થતંત્ર પડકારરૂપ સમયમાંથી પસાર થઈ રહ્યું હોઈ એક પછી એક આર્થિક આંકડા નબળા આવતાં સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે ૦.૨૫ ટકાનો વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા અને અન્ય પ્રોત્સાહનો જાહેર થવાની સંભાવના સાથે વૈશ્વિક મોરચે ફરી અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ માટે પોઝિટીવ સંકેત મળતાં બજારે આજે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફરી રિકવરી બતાવી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૨ પૈસા નબળો પડીને રૂ.૭૧.૫૪ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટયામથાળેથી પાછા ફરી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૦૨ ડોલર વધીને ૬૧.૮૪ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૮૩ સેન્ટ વધીને ૫૬.૯૩ ડોલર રહ્યા હતા. આર્થિક મંદ પડેલા વિકાસને વેગ આપવા સરકાર દ્વારા વધુ ઉદારીકરણના પગલાં લેવાશે એવા નાણા પ્રધાનના સંકેત તેમ જ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦થી ફરી આર્થિક રિકવરી જોવા મળશે એવા સમીક્ષકોના અંદાજો વચ્ચે આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ આરંભિક ધોવાણ બાદ ઝડપી રિકવરીમાં બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડો લેવાલ બનતાં સેન્સેક્સ ઘટાડો પચાવી અંતે ૧૭૪.૮૪ પોઈન્ટ વધીને ૪૦૮૫૦.૨૯ અને નિફટી સ્પોટ ૪૩.૧૦ પોઈન્ટ વધીને ૧૨૦૩૭.૩૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક આંચકામાં ૨૦૦ પોઈન્ટ ઘટીને ૪૦૪૭૫ સુધી આવી પાછો ફરી અંતે ૧૭૫ પોઈન્ટ વધીને ૪૦૮૫૦
ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીમાં નરમાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૭૫.૪૫ સામે ૪૦૬૦૬.૦૧ મથાળે ખુલીને આરંભમાં જ કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો પાછળ મોટું ઓફલોડિંગ થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં એક સમયે સેન્સેક્સ ૧૯૯.૬૨ પોઈન્ટ ઘટીને નીચામાં ૪૦૪૭૫.૮૩ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના ફરી પોઝિટીવ સંકેત મળતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આવતીકાલે-ગુરૂવારે રેપો રેટમાં ઘટાડો થવાની અને અન્ય પ્રોત્સાહનો-રાહતોના પગલાં જાહેર થવાની શકયતાએ ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં તેજી થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ સાથે ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરોમાં શોર્ટ કવરિંગે અને ટાટા મોટર્સ, સન ફાર્મામાં લેવાલીએ ઘટાડો પચાવી સેન્સેક્સ ઉપરમાં ૪૦૮૮૬.૮૭ સુધી પહોંચી અંતે ૧૭૪.૮૪ પોઈન્ટ વધીને ૪૦૮૫૦.૨૯ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ અફડાતફડીમાં નીચામાં ૧૧૯૩૫ સુધી આવી પાછો ફરી ૪૩ પોઈન્ટ વધીને ૧૨૦૩૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૯૪.૨૦ સામે ૧૧૯૬૯.૯૫ મથાળે ખુલીને આરંભમાં નરમાઈમાં લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતી સુઝુકી, બજાજ ફિનસર્વ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, આઈઓસી, કોલ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૯૩૫.૩૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક, યશ બેંક, એક્સીસ બેંક સહિતમાં લેવાલી સાથે મેટલ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલમાં આકર્ષણે અને ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રામાં લેવાલીએ અને સન ફાર્મા, ઓએનજીસી, ટાટા મોટર્સ, ટાીટન, અદાણી પોર્ટસ, બીપીસીએલ, સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન યુનિલિવરમાં લેવાલીએ ઘટાડો પચાવી ઉપરમાં ૧૨૦૫૪.૭૦ સુધી પહોંચી અંતે ૪૩.૧૦ પોઈન્ટ વધીને ૧૨૦૩૭.૩૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૦૦૦નો કોલ ૫૦.૨૫ થી ઘટી ૧૬.૬૦ થઈ વધીને ૬૨.૧૦ : નિફટી ૧૨,૦૦૦નો પુટ ૪૧.૫૦ થી ઘટીને ૧૧
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે બે-તરફી અફડાતફડી કરાવી ફંડોએ ખેલંદાઓને ટ્રેપમાં લેવા પ્રયાસ કર્યા હતા. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૮,૧૩,૬૨૦ કોન્ટ્રેકટસમાં રૂ.૭૩,૪૫૧.૮૨ કરોડના કામકાજે ૫૦.૨૫ સામે ૪૮ મથાળે ખુલીને નીચામાં ૧૬.૬૦ થઈ વધીને ૬૭.૮૫ સુધી પહોંચી અંતે ૬૨.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૬,૮૦,૧૫૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૧,૪૨૧.૫૩ કરોડના કામકાજે ૪૧.૫૦ સામે ૫૧.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૬.૯૦ થઈ ઘટીને ૧૦.૨૫ સુધી આવી અંતે ૧૧ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૬,૪૦,૫૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૫૭,૨૧૯.૪૪ કરોડના કામકાજે ૧૧.૪૦ સામે ૧૨.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૧.૭૦ થઈ ઘટીને ૧.૯૫ સુધી આવી અંતે ૨ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૬,૧૦,૧૫૦ કોન્ટ્રેકટસમાં રૂ.૫૫,૪૨૧.૭૭ કરોડના કામકાજે ૧૬.૬૫ સામે ૫.૫૫ મથાળે ખુલીને નીચામાં ૩.૩૫ થઈ વધીને ૨૦.૮૦ સુધી પહોંચી અંતે ૧૪ રહ્યો હતો.
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૧,૭૧૧ થી વદીને ૩૨,૦૯૮ : નિફટી ફયુચર ૧૨,૦૪૬ થી વધીને ૧૨,૦૯૨
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૨,૦૫,૧૬૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૦૫૪.૩૩ કરોડના કામકાજે ૩૧,૭૧૧.૨૦ સામે ૩૧,૬૨૪.૯૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૫૧૧.૨૫ થઈ વધીને ૩૨,૧૨૫ સુધી જઈ અંતે ૩૨,૦૯૮.૩૫ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૩૪,૯૧૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૧૭૫.૪૫ કરોડના કામકાજે ૧૨,૦૪૬.૪૫ સામે ૧૨,૦૦૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૯૭૭.૨૦ થઈ વધીને ૧૨,૦૯૮ સુધી પહોંચી અંતે ૧૨,૦૯૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૩.૧૦ સામે ૨.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૪.૪૫ થઈ ઘટીને ૦.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૧.૪૦ સામે ૧ મથાળે ખુલીને ઉપરમાં ૧.૯૫ થઈ ઘટીને ૦.૪૫ થઈ અંતે ૦.૫૫ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કવરિંગ : આઈસીઆઈસીઆઈ, યશ બેંક, ફેડરલ બેંક, આરબીએલ બેંક, સ્ટેટ બેંક, એક્સીસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું શોર્ટ કવરિંગ કર્યું હતું. બેંકોની હાલત વધુ કફોડી થઈ રહી હોઈ અને પીએનબી કૌભાંડ-નિરવ મોદી કાંડ વાસ્તવમાં રૂ.૨૫૦૦૦ કરોડથી વધુ હોવાના બેલ્જીયમની ઓડિટ કંપનીના દાવા છતાં પીએનબી બેંક ૮૫ પૈસા વધીને રૂ.૬૩.૭૫ રહ્યો હતો. જ્યારે અન્ય શેરોમાં યશ બેંક રૂ.૩.૫૫ વધીને રૂ.૬૩.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૩૫ વધીને રૂ.૫૨૯.૩૫, ફેડરલ બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૮૭.૮૫, આરબીએલ બેંક રૂ.૬.૭૦ વધીને રૂ.૩૭૨.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૦ વધીને રૂ.૩૪૧.૯૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૨૨૯.૮૦, એક્સીસ બેંક રૂ.૬.૫૦ વધીને રૂ.૭૩૯.૭૫, કોટક બેંક રૂ.૫.૩૦ વધીને રૂ.૧૬૫૧.૭૫, કોર્પોરેશન બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૨૫.૯૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૨.૪૫ વધીને રૂ.૩૦.૭૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૫.૦૫ વધીને રૂ.૮૭.૮૫, ઓરિએન્ટલ બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૫૭.૬૦, ઉજ્જિવન રૂ.૧૩.૬૫ વધીને રૂ.૩૪૯.૨૫, ઈક્વિટાસ રૂ.૩.૨૫ વધીને રૂ.૧૦૫.૬૦, એબી કેપિટલ રૂ.૩.૨૦ વધીને રૂ.૧૦૬.૯૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૫૫ વધીને રૂ.૧૩૦.૭૫, ઈન્ડિયન બેંક રૂ.૨.૫૦ વધીને રૂ.૧૨૫.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૩.૪૭ પોઈન્ટ ઉછળીને ૩૬૪૨૩.૧૪ બંધ રહ્યો હતો.
અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની અપેક્ષાએ મેટલ શેરોમાં તેજી : એનએમડીસી, સેઈલ, વેદાન્તા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા
અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ ડીલ થઈ જવાના મળેલા પોઝિટીવ સંકેતે આજે મેટલ-માઈનીંગ શેરોમાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. એનએમડીસી રૂ.૫.૦૫ વધીને રૂ.૧૧૩.૨૦, સેઈલ રૂ.૧.૩૦ વધીને રૂ.૩૯.૩૫, વેદાન્તા રૂ.૪.૪૦ વધીને રૂ.૧૪૪.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪.૨૫ વધીને રૂ.૧૫૩.૮૦, હિન્દાલ્કો રૂ.૫.૧૦ વધીને રૂ.૨૦૧.૦૫, ટાટા સ્ટીલ રૂ.૯.૬૫ વધીને રૂ.૪૦૯.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨.૮૫ વધીને રૂ.૨૫૯.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૩.૯૪ પોઈન્ટ વધીને ૯૭૦૧.૩૫ બંધ રહ્યો હતો.
અપોલો હોસ્પિટલ રૂ.૬૬ વધ્યો : ઈન્ડોકો, થાઈરોકેર, આરપીજી, સન ફાર્મા, લાલપથ લેબ., ફાઈઝર, નોવાર્ટિસ વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં આજે ફંડોનું ફરી વ્યાપક વેલ્યુબાઈંગ થતું જોવાયું હતું. અપોલો હોસ્પિટલ રૂ.૬૬.૦૫ વધીને રૂ.૧૪૬૯.૬૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૬.૭૦ વધીને રૂ.૧૬૩.૪૦, થાઈરોકેર રૂ.૧૯.૮૫ વધીને રૂ.૫૬૭.૩૫, આરપીજી લાઈફ રૂ.૯.૪૦ વધીને રૂ.૨૮૭.૪૦, લાલપથ લેબ રૂ.૩૮.૪૫ વધીને રૂ.૧૬૭૮.૯૦, સન ફાર્મા રૂ.૯.૭૫ વધીને રૂ.૪૪૩.૭૦, ફાઈઝર રૂ.૮૩.૧૫ વધીને રૂ.૪૪૨૬.૫૦, ન્યુલેન્ડ લેબ રૂ.૭.૫૦ વધીને રૂ.૪૪૪.૨૫, સનોફી રૂ.૧૦૪.૫૫ વધીને રૂ.૭૧૪૭.૩૦, નોવાર્ટિસ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૭૨૯.૪૫ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડિંગ : લાર્સન, સદભાવ એન્જિ., લક્ષ્મી મશીન, થર્મેક્સ, એસકેએફ, કાર્બોરેન્ડમ ઘટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની નફારૂપી વેચવાલી થઈ હતી. ઘણા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકેટો અટવાઈ પડયાના અહેવાલો વચ્ચે ફંડો વેચવાલ બન્યા હતા. સદભાવ એન્જિનિયરીંગ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૨૬.૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૮૦.૭૦ ઘટીને રૂ.૩૩૧૦.૨૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૧૨૮૫.૨૦, થર્મેક્સ રૂ.૧૮.૧૦ ઘટીને રૂ.૯૮૧.૪૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૨૯.૯૦ ઘટીને રૂ.૨૧૧૯.૫૫, કાર્બોરેન્ડમ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૩૨૬.૬૫, એબીબી રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૧૪૪૯.૪૦ રહ્યા હતા.
સીએસબી બેંકનું ધમાકેદાર લિસ્ટિંગ : ૪૧ ટકા પ્રીમિયમે લિસ્ટ થઈ ઈસ્યુ ભાવથી ૫૫ ટકા ઉછળ્યો
સીએસબી બેંક(અગાઉ કેથલિક સિરીયન બેંક તરીકે ઓળખાતી)ના શેરનું આજે શેર બજારો પર ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. શેર ઈસ્યુ ભાવ રૂ.૧૯૫ સામે આજે બીએસઈ પર ૪૧ ટકા પ્રીમિયમે રૂ.૨૭૫ ભાવે લિસ્ટ થઈ અંતે ૫૪ ટકા વધીને રૂ.૩૦૦ રહ્યો હતો. જે ઈન્ટ્રા-ડે ૫૭ ટકા વધીને રૂ.૩૦૭ સુધી ગયો હતો. સીએસબી બેંકનો શેર દીઠ રૂ.૧૯૩ થી ૧૯૫ પ્રાઈસ બેન્ડનો આઈપીઓ ૮૭ ગણો છલકાયો હતો. આ સાથે સીએસબી બેંકના બોર્ડ દ્વારા તેના વર્તમાન એમ.ડી. અને સીઈઓ સીવીઆર રાજેન્દ્રનની ૯,ડિસેમ્બરથી વધુ ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. સીએસબી બેંક દ્વારા કુલ ૧.૧૫ કરોડ શેરોનો ઈસ્યુ લાવવામાં આવ્યો હતો. જેને ૧૦૦ કરોડથી વધુ શેરો માટે બીડ મળી હતી. જેમાં રીટેલ કેટેગરીમાં ૪૪.૨૫ ગણો અને ક્યુઆઈબી-ક્વાલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સમાં ૬૨.૧૮ ગણો અને બિન સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીમાં ૧૬૪.૬૮ ગણો છલકાયો હતો.
ટાટા મોટર્સ દ્વારા વાહનોના ભાવ જાન્યુઆરીથી વધારવાના નિર્ણયે શેર વધ્યો : અપોલો ટાયર, મધરસન, કયુમિન્સ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી ૨૦૨૦થી વાહનોના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કરાતાં શેરમાં લેવાલીએ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૬૯.૪૦ રહ્યો હતો. જ્યારે અપોલો ટાયર રૂ.૪ વધીને રૂ.૧૭૦.૧૦, મધરસન સુમી રૂ.૧.૭૦ વધીને રૂ.૧૩૨.૯૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૪૦ વધીને રૂ.૫૩૭, હીરો મોટોકોર્પ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૨૪૩૯.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨.૯૫ વધીને રૂ.૫૨૫.૮૦, એમઆરએફ રૂ.૧૨૩.૪૫ વધીને રૂ.૬૨.૧૩૩.૩૦, આઈશર મોટર્સ રૂ.૪૨ વધીને રૂ.૨૧,૪૦૧.૬૫ રહ્યા હતા.
આઈટી-સોફટવેર શરોમાં તેજી : માઈન્ડટ્રી, એમ્ફેસીસ, વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૪ પૈસા ઘટીને રૂ.૭૧.૫૨ થઈ જવા છતાં આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થતી જોવાઈ હતી. માઈન્ડટ્રી રૂ.૩૦.૫૦ વધીને રૂ.૭૪૭.૪૫, એમ્ફેસીસ રૂ.૨૦.૪૫ વધીને રૂ.૮૬૮.૪૦, વિપ્રો રૂ.૫.૪૫ વધીને રૂ.૨૪૨.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૧૨.૪૦ વધીને રૂ.૭૫૮.૬૫, ઈન્ફોસીસ રૂ.૯.૮૫ વધીને રૂ.૭૦૮.૨૦, ટીસીએસ રૂ.૨૮.૬૦ વધીને રૂ.૨૦૭૯ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ ફંડોની ખરીદી : ૧૨૪૧ શેરો પોઝિટીવ, ૧૨૨૨ નેગેટીવ બંધ : ૨૩૬ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં આજે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં વધનારની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૪૧ અને ઘટનારની સંખ્યા ૧૨૨૨ રહી હતી. ૨૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૂ.૭૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૯૦૪ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૭૮૧.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૮૨૮.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૦૯.૭૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૦૪.૧૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૩૨૬.૯૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૨૨.૮૦કરોડની વેચવાલી થઈ હતી.