Get The App

સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો 1 - image


- યુદ્ધવિરામ સહિતના પરિબળોની બજાર પર સાનુકૂળ અસર

- સેન્સેક્સ 2,975 પોઇન્ટ ઉછળી 82,430 અને નિફ્ટી 917 પોઇન્ટ ઉછળી 24,925ની ઊંચી સપાટીએ : ડાઉજોન્સમાં 907, નાસ્ડેકમાં 646 પોઇન્ટના ઉછાળો

અમદાવાદ : ભારત- પાકિસ્તાન વચ્ચે સરહદે અથડામણ બાદ યુદ્ધવિરામની જાહેરાત તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ ડીલ થયાના અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ શેરોની જાતેજાતમાં ઉછાળા નોંધાતા સેન્સેક્સમાં ૨૯૭૫ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૯૧૭ પોઇન્ટનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના ઉછાળા પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૬ લાખ કરોડનો જંગી ઉછાળો નોંધાયો હતો.

છેલ્લા ચારેક દિવસથી ભારત- પાકિસ્તાન વચ્ચે સરહદે અથડામણ થયા બાદ યુદ્ધવિરામની જાહેરાત થતા હાલ તુરંત જીઓ પોલિટિકલ તણાવ દૂર થયાના અહેવાલોની આજે ભારતીય શેરબજારો પર સાનુકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત ચીન- અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ થતા તેમજ પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ વિદેશી રોકાણકારો ભારતમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યાના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.  વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૨૪૬ કરોડની ખરીદી કરી હતી.

આ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૩૦૪૧ પોઇન્ટ ઉછળી ૮૨,૪૯૬ પહોંચ્યો હતો બીજી તરફ નિફ્ટી પણ ૯૩૭ પોઇન્ટ ઉછળી ૨૪,૯૪૫ પહોંચ્યો હતો. જો કે, કામકાજના અંતે સેન્સેક્સ ૨૯૭૫.૪૩ પોઇન્ટની છલાંગે ૮૨૪૨૯.૯૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૧૬.૭૦ પોઇન્ટ ઉછળીને ૨૪,૯૨૪.૭૦ની સપાટીએ મજબૂત હતો. આ અગાઉ ગત તા. ૩ જૂન, ૨૦૨૪ના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં એક દિવસીય મોટા ઉછાળા નોંધાયા હતા.

શેરબજારમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં ૧૬.૧૬ લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. ૪૩૨.૫૬ લાખ કરોડ રહી હતી. આજે સ્મોલ- મિડ કેપ શેરોમાં ઉછાળા નોંધાતા માર્કેટ કેપમાં પણ રૂ. ૫.૨૭ લાખ કરોડનો જંગી વધારો થયો હતો.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે એશિયા તેમજ યુરોપના બજારોમાં પણ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ખૂલતા અમેરિકી શેરબજારોમાં અમેરિકા- ચીન વચ્ચે ટેરિફ ડીલ થયાના અહેવાલો પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ૯૦૭ પોઇન્ટ ઉછળીને ૪૨,૧૫૭ પહોંચ્યો હતો જ્યારે નાસ્ડેક ૬૪૬ પોઇન્ટ ઉછળીને ૧૮,૫૭૫ પર કાર્યરત હતો.

પાકિસ્તાનના શેર બજારમાં 9,751 પોઇન્ટનો તીવ્ર ઉછાળો 

મુંબઈ : પહલેગામ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઘટના બાદ ભારતીય સૈન્યએ સિંદૂર ઓપરેશન ચલાવીને પાકિસ્તાનમાં ઘૂંસીને કરેલા જવાબી હુમલાના કારણે પાકિસ્તાનના શેર બજારોમાં એક સપ્તાહ સુધી ધબડકો બોલાઈ ગયા બાદ ઘૂંટણિયે આવી ગયેલા પાકિસ્તાને ભારત સાથે યુદ્વની સ્થિતિમાં વિરામ માટે સંમત થતાં આજે પાકિસ્તાનના શેર બજારમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો હતો. પાકિસ્તાનના કરાચી શેર બજારમાં આજે કેએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૯.૦૭ ટકા એટલે કે ૯૭૫૧.૮૦ પોઈન્ટની છલાંગે ૧,૧૭,૨૯૩.૨૫ બંધ રહ્યો હતો.

કરાચી શેર બજારનો કરાચી ૩૦ ઈન્ડેક્સ ૯.૩૧ ટકા એટલે કે ૩૦૫૦.૭૪ પોઈન્ટ ઉછળીને ૩૫,૮૩૩.૧૩ અને કેએસઈ ઈન્ડેક્સ ૮.૫૬ ટકા એટલે કે ૫૭૦૮.૨૭ પોઈન્ટ ઉછળીને ૭૨૩૭૭.૬૯ બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના શેર બજારમાં ગત અઠવાડિયે નીચલી સર્કિટના ધબડકાના કારણે ટ્રેડીંગ કલાક માટે બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે આજે ૧૦ ટકા જેટલા ઉછાળાના કારણે ૬૦ મીનિટ માટે ટ્રેડીંગ હોલ્ટની ફરજ પડી હતી. ગત અઠવાડિયે પાકિસ્તાનના શેર બજારમાં ૬ ટકાથી વધુ કડાકો બોલાઈ ગયો હતો. ભારત અને પાકિસ્તાન એકબીજા સામે સૈન્ય કાર્યવાહીને અટકાવવા શનિવારે ૧૦, મે ૨૦૨૫ના સંમત થતાં અને ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ) દ્વારા પાકિસ્તાનને ૨.૪ અબજ ડોલરની લોન મંજૂર કરવાના સમાચારોએ આજે પાકિસ્તાનના શેર બજારમાં રિલીફ રેલી આવી હતી.

સેન્સેક્સના મોટા ઉછાળા

તારીખ

ઉછાળો (પોઇન્ટમાં)

૧૨ મે, ૨૦૨૫

૨૯૭૫

૩ જૂન, ૨૦૨૪

૨૫૦૭

૭ એપ્રિલ, ૨૦૨૦

૨૪૭૬

૧ ફેબુ્ર., ૨૦૨૧

૨૩૧૪

૫ જૂન, ૨૦૨૪

૨૩૦૮

૧૭ મે ૨૦૦૯

૨૧૧૧

૨૨ નવે. ૨૦૨૪

૧૯૬૧

૨૦ સપ્ટે. ૨૦૧૯

૧૯૨૧

Tags :