Get The App

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ

- પ્રોફિટ બુકિંગે શેરબજારમાં પ્રારંભિક ઉછાળો ટકી ન શકયો : FIIની કેશમાં રૂ. ૨૨૨૨.૩૨ કરોડની વેચવાલી

- નિફટી ૩૨ પોઈન્ટ સુધરી ૨૪૭૭૩ બંધ રહ્યો : સેન્સેકસ ૭૬ પોઈન્ટ સુધરી ૮૦૭૮૭

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ 1 - image


મુંબઈ : અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા અને મોદી દ્વારા  ટ્રમ્પના આભાર બાદ  બન્ને દેશો વચ્ચે વેપાર તાણ ઘટવાના ગયા સપ્તાહના સંકેત તથા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) મુદ્દે હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જતા દેશમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ સપ્તાહના પ્રથમ દિવસે પોઝિટિવ રહ્યું હતું. ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહે મળનારી બેઠકમાં વ્યાજ દરમાં કપાત આવવાની ધારણાંએ પણ બજારને ટેકો આપ્યો હતો. લાર્જ કેપ શેરોની સરખામણીએ મિડકેપ શેરોમાં વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. જો કે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં પ્રારંભિક ઉછાળો ટકી શકયો નહતો અને સેન્સેકસ તથા નિફટી૫૦ બન્ને ઈન્ડેકસ સાધારણ સુધારા સાથે બંધ રહ્યા હતા. છેલ્લા એક કલાકમાં આવેલા પ્રોફિટ બુકિંગને પરિણામે પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૧૧૭૧.૩૮ પોઈન્ટ અને નીચામાં ૮૦૭૩૩.૦૭ થઈ છેવટે ૭૬.૫૪ પોઈન્ટના સુધારા સાથે ૮૦૭૮૭.૩૦ પોઈન્ટ બંધ રહ્યો હતો. પ્રોફિટ બુકિંગને પગલે સેન્સેકસ૮૧૦૦૦ની ઉપર ટકવામાં સફળ રહ્યો નહતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૪૭૫૧.૫૫ અને ઉપરમાં ૨૪૮૮૫.૫૦ થઈ અંતેૈ ૩૨.૧૫ સુધરી ૨૪૭૭૩.૧૫ બંધ રહેવા પામ્યો હતો. નિફટી મિડકેપ ઈન્ડેકસ ૨૮૫  પોઈન્ટ વધી ૫૭૩૬૧ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ ૨૧૯૯ શેરોના ભાવ વધીને બંધ રહ્યા હતા જ્યારે ૨૦૪૮ શેરના ભાવ ઘટયા હતા. ૧૭૦ શેરોના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. 

નિફટી ઓટો ઈન્ડેકસમાં  નોંાૃધાયેલો ૮૬૮ પોઈન્ટનો ઉછાળો

૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના દરમાં ઘટાડાને કારણે આગામી દશેરા - દિવાળીના તહેવારોમાં ઓટો વેચાણ વધવાની આશા અને ઓગસ્ટના ઓટો વેચાણ આંક પ્રમાણમાં સંતોષકારક રહેતા ઓટો શેરોમાં આકર્ષણ જળવાયું હતું. ભાવમાં છ ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો. ભારત ફોર્જ રૂપિયા ૬૬.૧૦ વધી રૂપિયા ૧૨૦૨.૮૦, અશોક લેલેન્ડ રૂપિયા ૬.૫૨ વધી રૂપિયા ૧૩૭.૨૯, મધરસન રૂપિયા ૩.૯૭ વધી રૂપિયા ૯૮.૫૭, ટાટા મોટર્સ રૂપિયા ૨૭.૮૦ વધી રૂપિયા ૭૧૯.૫૦ બંધ રહ્યા હતા. આ ઉપરાંત બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એકસાઈડ ઈન્ડ.માં પણ લેવાલી  રહી હતી. 

 ભાવ વાૃધવાની અપેક્ષા પાછળ મેટલ શેરો ઝડપાૃથી ઊંચકાયા

ઘરઆંગણે સ્ટીલના ભાવ વધવાની અપેક્ષા, ટેકારૂપ વૈશ્વિક પરિબળો તથા જીએસટી દરમાં તાજેતરના ઘટાડાથી ઓટો ક્ષેત્ર તરફથી માગ વધવાની અપેક્ષાએ સ્ટીલ શેરો ચાર ટકા જેટલા વધ્યા હતા. એનએસઈ પર ટાટા સ્ટીલ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો.ભાવ ઊંચામાં ૧૭૨.૫૦ સાથે બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ ૧૬૮.૮૨ બંધ રહ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ રૂપિયા ૨૮.૩૦ વધી રૂપિયા ૧૧૦૧.૪૦, સેઈલ રૂપિયા ૨.૧૯ વધી રૂપિયા ૧૩૧.૪૫ લોયડસ મેટલ્સ રૂપિયા ૯.૫૦ વધી રૂપિયા ૧૩૦૨.૯૦, જિંદાલ સ્ટીલ રૂપિયા ૬.૭૦ વધી રૂપિયા ૧૦૪૧.૫૫ બંધ રહ્યો હતો. જો કે વેદાંતા રૂપિયા ૧૧.૧૦ ઘટી રૂપિયા ૪૩૪.૪૦, હિન્દ ઝીંક રૂપિયા ૪.૫૦ વધી રૂપિયા ૪૩૫.૬૦  બંધ રહ્યો હતો. 

ભારે વેચવાલીએ નિફટી આઈટી ઈન્ડેકસ ૩૨૫ પોઈન્ટ ઘટયો

ભારતની આઈટી ક્ષેત્રની કંપનીઓ મોટેભાગે અમેરિકાની બજાર પર નિર્ભર કરતી હોવાથી આઈટી શેરો ખાસ કરીને આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓના સ્ટોકસ ટેરિફની જાહેરાત બાદ સતત દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. ટેક મહિન્દ્રા રૂપિયા ૧૭.૨૦ ઘટી રૂપિયા ૧૪૬૦.૭૦, ટીસીએસ રૂપિયા ૨૯.૩૦ ઘટી રૂપિયા ૩૦૧૯, એચસીએલ ટેક રૂપિયા ૧૬ ઘટી રૂપિયા ૧૪૦૩ બંધ રહ્યા હતા. ઈન્ફોસિસ રૂપિયા ૧૧.૭૦ ઘટી રૂપિયા ૧૪૩૨.૯૦ બંધ રહ્યા હતા જ્યારે ઓરેકલ રૂપિયા ૨૦.૫૦ વધી રૂપિયા ૮૩૦૦.૫૦ બંધ રહ્યો હતો. કોફોર્જ લિ. રૂપિયા ૪.૧૦ વધી રૂપિયા ૧૬૬૨.૪૦ બંધ રહ્યો હતો. અમેરિકાના ઊંચા ટેરિફને પરિણામે આઈટી કંપનીઓના કામકાજ પર અસર પડી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે. 

એફએમસીજી શેરોમાં સપ્તાહના પ્રથમ દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું 

જીએસટીમાં ઘટાડાની જાહેરાત બાદ ઊંચકાયેલા એફએમસીજી શેરોમાં સપ્તાહના પ્રથમ દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વરુણ બિવરેજિસ ૪.૪૦ વધી રૂપિયા ૪૭૪.૦૫, પંતજલિ ફૂડસ રૂપિયા ૮.૮૦ વધી રૂપિયા ૧૭૯૮ ટાટા કન્ઝયૂમર પ્રોડકટસ   તથા આઈટીસી સાધારણ સુધારા સાથે બંધ રહ્યા હતા. નેસ્લે રૂપિયા ૨૦.૮૦ ઘટી રૂપિયા ૧૧૮૭.૭૦, કોલગેટ રૂપિયા ૩૪.૫૦ ઘટી રૂપિયા ૨૩૮૮.૮૦, યુનાઈટેડ સ્પિરિટસ રૂપિયા ૧૬.૧૦ ઘટી રૂપિયા ૧૨૯૬, ઈમામી રૂપિયા ૫.૨૫ ઘટી  રૂપિયા ૫૯૯.૭૦ બંધ રહ્યો હતો. 

DIIની કેશમાં રૂ.  ૨૮૮૭.૨૨ કરોડની જોવા મળેલી ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે  સોમવારે  શેરોમાં કેશમાં રૂ.૨૨૨૨.૩૨  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ. ૭૮૫૭.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦૦૭૯.૭૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ. ૨૮૮૭.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૦૭૬૯.૮૫કરોડની ખરીદી સામે કુલ રૂ. ૭૮૮૨.૬૩ કરોડની વેચવાલી કરી હતી.


Tags :