Get The App

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700  પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી 1 - image


Indian Stock market News :  અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી ભારતીય શેરબજારમાં જોવા મળી છે. બજાર ખુલતા જ પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં લગભગ 2700 પોઈન્ટ તો નિફ્ટીમાં પણ 450 પોઇન્ટથી વધુ તૂટી ગઈ હતી. જોકે પછીથી તેમાં ઝડપી રિકવરી પણ દેખાઈ હતી. 

સેન્સેક્સની શું છે સ્થિતિ? 

આજે શેરબજાર મોટા ગેપ અપ સાથે ખુલ્યું હતું. પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સે શુક્રવારના ક્લૉઝિંગ 81287થી આજે સીધું 78543ની સપાટીને સ્પર્શી ગયું હતું. જે 2700થી વધુ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. ત્યારબાદ તેમાં ઝડપી રિકવરી દેખાઈ હતી અને સેન્સેક્સ ફરી 80400ની સપાટીએ પહોંચવામાં સફળ રહ્યું હતું. જોકે બજારના મોટાભાગના સ્ટોક્સમાં તેની અસર દેખાઈ હતી. 

નિફ્ટી પણ ધરાશાયી 

જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ 25141 નું ક્લૉઝિંગ બતાવ્યું હતું. જોકે આજે શેરબજાર ખુલતાં જ નિફ્ટી પણ તૂટી હતી અને સીધી 24645ની સપાટીને સ્પર્શી ગઈ હતી. જોકે નિફ્ટીમાં પણ રિકવરી દેખાતા ફરી એકવાર 24800 ઉપર ટ્રેડ થવા લાગી હતી. 

રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા! 

શેરબજારમાં મહાકડાકાની સ્થિતિને કારણે રોકાણકારોને આજે મોટું નુકસાન થયું છે. બીએસઇની માર્કેટ કેપની વાત કરીએ તો શુક્રવારે તે 463.50 લાખ કરોડ રૂપિયા પર હતી જે સોમવારે એકઝાટકે ઘટીને 457.50 લાખ કરોડે આવી પહોંચી હતી. જે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. 

160થી વધુ શેર્સમાં લોઅર સર્કિટ 

ઈરાન પર હુમલાને કારણે આજે ભારતીય શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ છે. આ દરમિયાન બીએસઈ પર એક્ટિવ 3660 શેરમાંથી 510 શેરમાં ઉછાળો આવ્યો હતો. જોકે 2985 શેરમાં ઘટાડો નોંધાયો હતો અને 165 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો.  43 શેર વીકના હાઈ પર ક્લૉઝ થયા અને 663 શેર 52 વીકના લૉ સ્તરે પહોંચ્યા હતા જ્યારે 162 શેર્સમાં આજે લૉઅર સર્કિટ જોવા મળી હતી.