સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626
- નિફટી સ્પોટ ૯૭ પોઈન્ટ ઘટીને ૨૫૩૨૭ ; સાવચેતીમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો
- બેંકિંગ, કન્ઝયુમર, આઈટી શેરોમાં વેચવાલી ; સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કાચીંડાને પણ શરમાવે એ રીતે રંગ બદલતા રહીને સવારે મિત્રતા અને સાંજે ફરી શત્રુનો રંગ ધારણ કરીને ભારત સામે ટેરિફ-પ્રતિબંધોનું શસ્ત્ર ઉગામતા રહી હવે ઈરાનમાં ભારત દ્વારા વિકસાવાયેલા ચબહાર પોર્ટ સંબંધિત આર્થિક પ્રતિબંધોમાં અપાયેલી રાહત પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કરતાં ફંડો, ખેલંદાઓએ આજે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. વૈશ્વિક મોરચે ઈઝરાયેલના હમાસ પર છેલ્લા અત્યંત ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ યુરોપના દેશો દ્વારા રશીયા પર વધુ અંકુશો લગાવવાના પગલાંના અહેવાલ સામે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચાઈનાના પ્રમુખ જિનપિંગ વચ્ચે થનારી વાટાઘાટને લઈ અનિશ્ચિતતા વ્યાપ્ત રહેતાં વૈશ્વિક બજારોમાં બે-તરફી ચાલ જોવાઈ હતી. ઘર આંગણે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. જો કે, ઓઈલ-ગેસ, મેટલ, ફાર્મા શેરોમાં પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. સેન્સેક્સ ૩૮૭.૭૩ પોઈન્ટ ઘટીને ૮૨૬૨૬.૨૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૯૬.૫૫ પોઈન્ટ ઘટીને ૨૫,૩૨૭.૦૫ બંધ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ ; આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે હળવા થવાનું પસંદ કર્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૪૫ ઘટીને રૂ.૧૪૦૨.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૨૦૩૦.૪૦, એચડીએફસી બેંક રૂ.૯.૫૦ ઘટીને રૂ.૯૬૭.૦૫ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્સ શેરોમાં પૈસાલો રૂ.૧.૯૮ ઘટીને રૂ.૩૯.૧૪, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૬.૭૦ ઘટીને રૂ.૧૧૨૧.૮૦, પેટીએમ રૂ.૫૧.૧૫ ઘટીને રૂ.૧૧૭૭.૧૦, મોબીક્વિક રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૯૩.૯૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૭૧.૬૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૬૪.૨૦ ઘટીને રૂ.૭૩૩૬.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૬.૪૪ પોઈન્ટ ઘટીને ૬૨૩૬૭.૨૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં વેચવાલી ; ટાઈટન રૂ.૪૪ ઘટીને રૂ.૩૪૬૭ ; બાટા ઈન્ડિયા, ડિક્સન, ક્રોમ્પ્ટન ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓ આજે સપ્તાહના અંતે હળવા થયા હતા. ટાઈટન કંપની રૂ.૪૪.૨૫ ઘટીને રૂ.૩૪૬૬.૬૫, બાટા ઈન્ડિયા રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૧૨૩૨.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૨૫ ઘટીને રૂ.૩૧૪.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૮.૫૦ ઘટીને રૂ.૧૮,૧૮૮,૫૦, બર્જર પેઈન્ટ રૂ.૩.૯૫ ઘટીને રૂ.૫૩૨ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ૩૨૧.૫૦ પોઈન્ટ ઘટીને ૬૧૧૫૦.૬૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં તેજીને બ્રેક ; રામકો રૂ.૨૭ તૂટી રૂ.૫૨૧ ; યુનિઈકોમ, જેનેસીસ, ઓરેકલમાં વેચવાલી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે તેજીને બ્રેક લાગી હતી. નાસ્દાક શેર બજારમાં ગઈકાલે તેજી છતાં સ્થાનિકમાં ફંડો હળવા થયા હતા. રામકો સિસ્ટમ્સ રૂ.૨૭.૪૦ ઘટીને રૂ.૫૨૧.૪૦, યુનિઈકોમ રૂ.૪.૫૫ ઘટીને રૂ.૧૪૧.૭૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૫૬૦.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૬.૩૦ ઘટીને રૂ.૧૪૬૭.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫૮.૭૫ ઘટીને રૂ.૯૦૧૩.૮૫, માસ્ટેક રૂ.૪૧.૪૦ ઘટીને રૂ.૨૪૨૨.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૯.૧૨ પોઈન્ટ ઘટીને ૩૫૯૬૮.૪૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી ; ઓલિવ્સ રૂ.૧૦૪, ઓર્ચિડ ફાર્મા રૂ.૭૨, ઈપ્કા રૂ.૯૨ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. ઓલિવ્સ રૂ.૧૦૪.૨૫ વધીને રૂ.૧૦૫૧, ઓર્ચિડ ફાર્મા રૂ.૭૧.૬૫ વધીને રૂ.૭૮૮.૫૫, ઈપ્કા લેબ. રૂ.૯૧.૭૫ વધીને રૂ.૧૪૨૯.૭૫, લાલપથ લેબ. રૂ.૧૯૨.૯૦ વધીને રૂ.૩૪૭૮.૩૦, એસ્ટર ડીએમ રૂ.૩૫.૧૦ વધીને રૂ.૬૫૧.૨૫, મેટ્રોપોલિસ રૂ.૮૮.૪૦ વધીને રૂ.૨૧૩૪.૦૫, એફડીસી રૂ.૧૧.૫૫ વધીને રૂ.૪૮૬.૨૫, વિમલા લેબ્સ રૂ.૩૩.૫૫ વધીને રૂ.૮૨૪.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૬.૫૭ પોઈન્ટ વધીને ૪૫૨૫૬.૬૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં હ્યુન્ડાઈ મોટર રૂ.૮૬ વધીને રૂ.૨૮૦૭ ; હીરો, અશોક લેલેન્ડ વધ્યા ; મહિન્દ્રા, એક્સાઈડ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. સિલેક્ટિવ ખરીદી સામે ફંડો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ પર નજર રાખી નવી ખરીદીથી દૂર રહ્યા હતા. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૮૬.૫૦ વધીને રૂ.૨૮૦૭.૩૫, અશોક લેલેન્ડ રૂ.૨.૨૫ વધીને રૂ.૧૪૦.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૫૪૦૯.૪૦, મારૂતી સુઝુકી રૂ.૫૨.૨૫ વધીને રૂ.૧૫,૮૭૦.૯૦ રહ્યા હતા. જ્યારે એક્સાઈડ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૪૧૪.૬૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૬.૪૦ ઘટીને રૂ.૩૩૩૨.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૮.૪૫ ઘટીને રૂ.૩૫૯૨.૬૦, બજાજ ઓટો રૂ.૧૦૭.૧૦ ઘટીને રૂ.૮૯૬૭.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૨.૯૭ પોઈન્ટ ઘટીને ૬૦૯૦૫.૭૩ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં અદાણી ટોટલ ગેસ રૂ.૪૫ વધીને રૂ.૬૫૧ ; ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ મજબૂત
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૬૫૧.૪૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૪.૯૫ વધીને રૂ.૪૦૪.૧૫, બીપીસીએલ રૂ.૩.૮૦ વધીને રૂ.૩૨૯.૩૦, એચપીસીએલ રૂ.૪.૩૫ વધીને રૂ.૪૧૩.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૭૯ પોઈન્ટ વધીને ૨૬૮૨૫.૪૬ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી ; અદાણી એન્ટર. રૂ.૧૨૧ વધ્યો ; જિન્દાલ સ્ટેનલેસ વધ્યો
મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૧.૦૫ વધીને રૂ.૨૫૨૨.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૭.૪૫ વધીને રૂ.૭૭૮.૪૫, સેઈલ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૩૬.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૧૮.૭૨ પોઈન્ટ વધીને ૩૩૧૨૯.૨૫ બંધ રહ્યો હતો.
સપ્તાહના અંતે સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું ; ૨૧૧૧ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી ઈન્ડેક્સ બેઝડ ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૩૭ અને ઘટનારની સંખ્યા ૨૧૧૧ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૬.૩૨ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થવા છતાં પસંદગીના આકર્ષણે રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૬.૩૨ લાખ કરોડ રહ્યું હતું.