મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Market Updates : મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ઈરાન અને ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તેની નહીંવત્ અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો છે. જોકે બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવમાં એકઝાટકે મોટો ઉછાળો આવ્યો છે જે ચિંતાનો વિષય છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?
સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સમાં 501 પોઇન્ટનો ઉછાળો આવી ચૂક્યો છે. ગઇકાલે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,918.76 પર થયું હતું. જે આજે 73,988.27 પર ખુલ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં તેજી યથાવત્ રહી હતી અને પછી તે 74,419.35ની સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 138 પોઇન્ટનો ઉછાળો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે. નિફ્ટી ગઈકાલે 23,242.10 પર ક્લૉઝ થઇ હતી જે આજે 23,233.95 પર ખુલી હતી અને પછી સીધી 23,380.65ની સપાટીએ પહોંચી ગઈ હતી.
ક્રૂડ ઓઇલમાં ભડકો તો રૂપિયો ડૉલર સામે મજબૂત
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. એક સમયે 90 ડૉલરની સપાટી ગુમાવીને 89 ડૉલર સુધી પહોંચી ગયેલું ક્રૂડ ઓઇલ આજે ફરી એકવાર 92 ડૉલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. જે ઓઇલ માર્કેટ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો મજબૂત થયો છે. રૂપિયાએ હાલ તો 95ની સપાટી જાળવી રાખી છે પરંતુ આજે રૂપિયો ડૉલર સામે લગભગ 26 પૈસા જેટલો મજબૂત થયો હતો.









