Get The App

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721

- નિફટી ૨૪૩ પોઈન્ટ ઉછળી ૨૪૮૫૩ : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૯૮ લાખ કરોડનો વધારો

- ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફ લાદતાં ફરી ટેરિફ યુદ્વના એંધાણે યુરોપના બજારો તૂટયા

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 1 - image


મુંબઈ : વૈશ્વિક ટ્રેડ વોરના ચાલતાં અને અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની આંટીઘૂંટી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફ લાદતાં અને અમેરિકા સિવાય બનતાં આઈફોનની આયાત પર ૨૫ ટકા ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે ફરી ભારતીય શેર બજારોમાં તેજીના સૂસવાટા અનુભવાયા હતા. એક દિવસ મંદી અને એક દિવસ તેજીનો ખેલ ખેલી રહેલા ફંડો, મહારથીઓની આ નવી ટ્રેન્ડ પેટર્નથી ખેલંદાઓ, ટ્રેડરો મૂંઝવણમાં મૂકાતા જોવાયા હતા. જો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ફરી વેચવાલી સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ફરી ખરીદીના જોરે બજાર ઉંચકાયું હતું. મ્યુચ્યુઅલ ફંડો ફરી મિડ કેપ શેરોમાં સક્રિય મોટાપાયે ખરીદદાર બન્યાના અહેવાલોએ તેજીનો સળવળાટ વધતો જોવાયો હતો. બેંકિંગ, એફએમસીજી, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૭૬૯.૦૯ પોઈન્ટ વધીને ૮૧૭૨૧.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩.૪૫ પોઈન્ટ ઉછળી ૨૪૮૫૩.૧૫ બંધ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફંડોની ખરીદી : બેંકેક્સ ૬૧૪ પોઈન્ટ ઉછળ્યો : એક્સિસ બેંક, કોટક બેંક ઉછળ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ફરી પસંદગીની મોટી ખરીદી કરી હતી.  એક્સિસ બેંક રૂ.૨૨.૨૦ વધીને રૂ.૧૨૧૦.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૧.૯૦ વધીને રૂ.૨૧૦૦.૮૫, ફેડરલ બેંક રૂ.૨.૪૦ વધીને રૂ.૨૦૩.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૫ વધીને રૂ.૭૯૩.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૭૫ વધીને રૂ.૨૪૩.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૩૩.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૪.૧૭ પોઈન્ટ ઉછળી ૬૨૯૬૨.૫૦ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં સિલેક્ટિવ સતત તેજી : કંટ્રોલ પ્રિન્ટ, એક્સપ્લિઓ, ઓનવર્ડ, તાન્લા, સિએન્ટમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, મહારથીઓએ ફરી સિલેક્ટિવ તેજી કરી હતી.  કંટ્રોલ પ્રિન્ટ રૂ.૬૫.૪૦ ઉછળી રૂ.૭૧૮.૨૦, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૮૩.૭૫ વધીને રૂ.૧૦૨૨.૨૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૮.૯૫ વધીને રૂ.૨૯૬.૭૫, સિએન્ટ રૂ.૩૧.૩૦ વધીને રૂ.૧૩૨૯.૭૦, તાન્લા રૂ.૮.૭૦ વધીને રૂ.૫૭૧, પર્સિસ્ટન્ટ રૂ.૮૦.૯૦ વધીને રૂ.૫૬૬૩.૧૫, લેટેન્ટ વ્યુ રૂ.૭.૦૫ વધીને રૂ.૪૧૬.૫૦, ટાટા એલેક્સી રૂ.૮૫.૬૦ વધીને રૂ.૬૨૮૬.૯૫, એફલે રૂ.૩૦.૧૦ વધીને રૂ.૧૭૨૭.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૨.૭૭ પોઈન્ટ વધીને ૩૬૯૩૮.૧૧ બંધ રહ્યો હતો.

સારા ચોમાસાની અપેક્ષાએ ફંડો એફએમસીજી શેરોમાં લેવાલ : હોનાસા, સનડ્રોપ, આઈટીસી, નેસ્લેમાં તેજી

દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારૂ રહેવાના આઈએમડીના અનુમાન વચ્ચે ફંડોએ આજે એફએમસીજી શેરોમાં મજબૂત ખરીદી કરી હતી. વરૂણ બિવરેજીસ રૂ.૧૮.૩૦ વધીને રૂ.૪૮૮.૬૫, આઈટીસી લિમિટેડ રૂ.૧૦.૨૦ વધીને રૂ.૪૩૬.૩૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૫૦.૬૫ વધીને રૂ.૨૪૧૩.૫૦, ઈઆઈડી પેરી રૂ.૧૭.૪૦ વધીને રૂ.૯૯૭.૫૫, ડીસીએમ શ્રીરામ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૮૬.૩૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૦૩.૫૪ પોઈન્ટ વધીને ૨૦૬૫૯.૧૮ બંધ રહ્યો હતો.

ભેલ રૂ.૭ વધી રૂ.૨૫૫ : સુઝલોન, એસકેએફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, એબીબીમાં ફંડો લેવાલ

કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ભેલ રૂ.૭ વધીને રૂ.૨૫૪.૫૫, સુઝલોન રૂ.૧.૨૧ વધીને રૂ.૬૨.૨૧, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૨.૨૦ વધીને રૂ.૪૬૭૩.૦૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૯.૩૦ વધીને રૂ.૩૬૦૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૫ વધીને રૂ.૩૩૧૨.૨૦, એબીબી ઈન્ડિયા રૂ.૫૧.૮૦ વધીને રૂ.૫૯૭૫.૪૦ રહ્યા હતા.

કન્ઝયુમર શેરોમાં આકર્ષણ : સુપ્રિમ ઈન્ડ. રૂ.૮૮ વધીને રૂ.૩૯૧૦ : ક્રોમ્પ્ટન, ટાઈટનમાં આકર્ષણ

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૭.૫૫ વધીને રૂ.૩૯૧૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૮૫ વધીને રૂ.૩૫૧.૭૫, ટાઈટન રૂ.૩૬.૫૦ વધીને રૂ.૩૫૭૮.૭૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૦૫ વધીને રૂ.૧૫૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૫૭.૫૪ પોઈન્ટ વધીને ૫૮૨૭૫.૭૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં એમ્ક્યોર રૂ.૧૧૭ ઉછળી રૂ.૧૨૮૯ : ટારસન્સ, શિલ્પામેડી, થાયરોકેર ઉંચકાયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પસંદગી ખરીદી ચાલુ રાખી હતી. એમ્ક્યોર રૂ.૧૧૭.૧૫ ઉછળી રૂ.૧૨૮૮.૬૫, થાયરોકેર રૂ.૪૫.૬૦ વધીને રૂ.૧૦૧૧.૫૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૦.૫૦ વધીને રૂ.૭૫૪.૪૦, મેદાન્તા રૂ.૩૧.૪૦ વધીને રૂ.૧૨૧૫.૮૦, મેક્સ હેલ્થ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૧૧૭૭, નોવાર્ટિસ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૯૭૩.૧૫ રહ્યા હતા.

ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં તેજી : બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ વધ્યા

ઓપેક દ્વારા ક્રુડમાં સપ્લાય વધારવાના નિવેદન અને અમેરિકામાં સ્ટોક વધી આવતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને સતત બીજા દિવસે ઘટાડા તરફી રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બ્રેન્ટ ક્રુડ ૧.૦૫ ડોલર તૂટીને ૬૩.૩૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૦૬ ડોલર તૂટીને ૬૦.૧૪ ડોલર નજીક રહ્યા હતા. બીપીસીએલ રૂ.૬ વધીને રૂ.૩૧૮.૯૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૫૦ વધીને રૂ.૪૨૬.૦૫, એચપીસીએલ રૂ.૬.૮૦ વધીને રૂ.૪૦૮.૦૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૧૪૨૬.૪૫, ઓએનજીસી રૂ.૨.૫૫ વધીને રૂ.૨૪૪.૧૦ રહ્યા હતા.

મિડ કેપ શેરોમાં મ્યુ. ફંડો ફરી મોટાપાયે ખરીદદાર બન્યાના અહેવાલે ૨૩૨૩ શેરો પોઝિટીવ બંધ

મ્યુચ્યુઅલ ફંડો ફરી મિડ કેપ શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા હોવાના અહેવાલ વચ્ચે આજે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. સ્મોલ, મિડ કેપ આકર્ષણના પગલે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮થી ઘટીને ૧૬૩૯ અને વધનારની સંખ્યા ૧૭૪૧થી વધીને ૨૩૨૩  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૯૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૧.૯૬ લાખ કરોડ પહોંચ્યું

સપ્તાહના અંતે શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદી નીકળતાં  રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૯૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૧.૯૬ લાખ કરોડ પહોંચ્યું હતું.

ટ્રમ્પના યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા, એપલ ફોનની આયાત પર ૨૫ ટકા ટેરિફે યુરોપના બજારો વધુ તૂટયા

અમેરિકામાં સ્ટેગફ્લેશનના જોખમ અને ઈઝરાયેલ-ઈરાન યુદ્વના ભણકારાં બાદ હવે ફરી ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન અને એપલ ઈન્ક.ને અમેરિકામાં આયાત પર વધુ ટેરિફ વસુલવાની ચીમકી આપતાં આજે વૈશ્વિક બજારોમાં  ખાસ યુરોપમાં વધુ ગાબડાં પડયા હતા. યુરોપના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૮૮ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૫૨૫ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૯૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. એશીયા-પેસેફિકમાં જાપાનનો નિક્કી ૧૭૫ પોઈન્ટ સુધારો હોંગકોંગનો હેંગસેંગ ૫૭ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.

Tags :