Get The App

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા

- જીડીપી ડેટા, રિઝર્વ બેન્કની બેઠક તથા અમેરિકા સાથે વેપાર કરાર પર બજારની નજર

- કામકાજના અંતે સેન્સેક્સ ૧૧૦ અને નિફટી ૧૦ પોઇન્ટ વધ્યા

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેકસ 86055  અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા 1 - image


શેરબજારમાં નવો ઈતિહાસઃ બેન્ચમાર્ક ઈન્ડેક્સે  ઈન્ટ્રાડેમાં નવી ટોચ દર્શાવી 

મુંબઈ : શુક્રવારે જાહેર થનારા દેશના જીડીપી ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી તથા આવતા સપ્તાહે મળનારી રિઝર્વ બેન્કની બેઠક પહેલા ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસે આજે નવીં ઊંચી સપાટી દર્શાવી હતી. ઘરઆંગણે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ  દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની પણ આશા રખાઈ રહી છે. સેન્સેકસે ૮૬૦૦૦ની સપાટી પાર કરી હતી જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસે ૨૬૩૧૦ની નવી વિક્રમી સપાટી દર્શાવી હતી. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ વિક્રમી સપાટીએથી યુ ટર્ન લીધો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૬૧૪૧.૯૦ અને ઉપરમાં ૨૬૩૧૦.૪૫ થઈ છેવટે ૧૦.૨૫ વધી ૨૬૨૧૫ બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૬૦૫૫.૮૬ અને નીચામાં ૮૫૪૭૩.૮૫ થઈ છેવટે ૧૧૦.૮૭ પોઈન્ટના સુધારા સાથે ૮૫૭૨૦.૩૮ બંધ રહ્યો હતો. બેન્ક તથા આઈટી શેરોમાં આકર્ષણ ટકી રહ્યું હતું જ્યારે મેટલ, ઓટો તથા રિઅલ્ટમાં નરમાઈ જોવા મળી હતી. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા બાદ સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં વાહનોના વેચાણમાં જોવા મળેલી જોરદાર વૃદ્ધિ બાદ ઓટો શેરોમાં તાજેતરમાં આવેલા ઉછાળા  પછી  પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે. ટીવીએસ મોટર રૂપિયા ૨૦.૬૦ ઘટી રૂપિયા ૩૫૧૮, બજાજ ઓટો રૂપિયા ૧૪૧.૫૦ ઘટી રૂપિયા ૯૦૨૨.૫૦, ટીએમપીવી રૂપિયા ૧.૪૫ ઘટી રૂપિયા ૩૫૭.૮૦એમએન્ડએમ રૂપિયા ૫.૨૦ ઘટી રૂપિયા ૩૬૮૧.૨૦ બંધ રહ્યો હતો. જો કે અશોક લેલેન્ડ લેવાલીના જોરે ૧૬૨ની ઓલટાઈમ હાઈ બતાવી છેવટે રૂપિયા ૧૦ના વધારા સાથે રૂપિયા ૧૫૯.૭૫ બંધ આવ્યો હતો. 

બેન્ક શેરોમાં મિશ્ર પ્રવાહ

આવતા સપ્તાહે મળી રહેલી રિઝર્વ બેન્કની બેઠક પહેલા બેન્ક શેરોમાં મિશ્ર ચાલ રહી હતી.  ફુગાવો ઘટતા રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ રેપો રેટમાં ઘટાડો કરશે તેવી ધારણાંએ પસંદગીના બેન્ક શેરોમાં લેવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૧૭.૨૦ વધી રૂપિયા ૧૩૯૨.૨૦, કેનેરા બેન્ક રૂપિયા ૧.૬૦ વધી રૂપિયા ૧૫૧.૭૬, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૬.૭૫ વધી રૂપિયા ૮૫૭.૪૫ બંધ રહ્યા હતા.  એસબીઆઈ રૂપિયા ૧૧ ઘટી રૂપિયા ૯૭૨.૮૫, ફેડરલ બેન્ક રૂપિયા ૧.૫૦ ઘટી રૂપિયા ૨૫૪.૮૭ બંધ રહ્યો હતો. 

આઈટી શેરોમાં આકર્ષણ

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતા વધી રહી છે ત્યારે ઘરઆંગણેની પસંદગીની આઈટી કંપનીઓમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. ઈન્ફોસિસમાં બાયબેકની મુદત પૂરી થઈ છે. ભાવ રૂપિયા ૮.૫૦ વધી રૂપિયા ૧૫૬૬.૪૦,  બંધ રહ્યો હતો. ટીસીએસ રૂપિયા ૨૬.૩૦ ઘટી રૂપિયા ૩૧૩૬.૮૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૦.૬૦ ઘટી રૂપિયા ૧૫૦૯.૮૦  બંધ રહ્યો હતો. 

હેવીવેઈટ શેરોની મિશ્ર ચાલ

બીએસઈ સેન્સેકસે ગુરુવારે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવ્યા બાદ શેરોમાં સત્રના અંતે મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. એચયુએલ રૂપિયા ૨૫.૫૫ વધી રૂપિયા ૨૪૫૧.૧૦, લારસન રૂપિયા ૨૦.૫૫ વધી રૂપિયા ૪૦૮૧.૬૫, આઈટીસી રૂપિયા ૧.૭૦ વધી રૂપિયા ૪૦૩.૯૫ તથા સન ફાર્મા રૂપિયા ૫.૮૦ વધી રૂપિયા ૧૮૧૦.૬૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ રૂપિયા ૬.૨૦ ઘટી રૂપિયા ૧૫૬૩.૫૫,  ભારત ઈલે. રૂપિયા ૨.૦૦ ઘટી રૂપિયા ૪૧૩.૦૫, ભારતી એરટેલ રૂપિયા ૧૧.૧૫ ઘટી રૂપિયા ૨૧૧૫.૯૫ જ્યારે  ટાટા સ્ટીલ રૂપિયા ૧.૬૫ ઘટી રૂપિયા ૧૬૮.૧૦ બંધ રહ્યો હતો. 

ઓઈલ શેરો દબાણ હેઠળ

ક્રુડ ઓઈલના પૂરવઠામાં વધારો થવા સાથે ભાવ દબાણ હેઠળ આવી જવાના વરતારાએ બીએસઈ પર  ઓઈલ સ્ટોકસ દબાણ હેઠળ આવી ગયા હતા. ઓઈલ ઈન્ડિયા રૂપિયા ૬.૨૦ ઘટી રૂપિયા ૪૧૭.૧૦, ઓએનજીસી રૂપિયા ૩.૬૦ ઘટી રૂપિયા ૨૪૪, આઈઓસી રૂપિયા ૧.૭૫ ઘટી રૂપિયા ૧૬૩.૭૫, બીપીસીએલ રૂપિયા ૨.૬૦ ઘટી રૂપિયા ૩૬૪.૯૫ તથા હિન્દ પેટ્રો રૂપિયા ૨.૭૦ ઘટી રૂપિયા ૪૬૩.૨૫ બંધ રહ્યા હતા. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ ૨૪૦ પોઈન્ટ તૂટયો હતો. 

સેન્સેકસ ઓલટાઈમ હાઈ છતાં રોકાણકારોની સંપતિમાં રૂ. ૦.૫૯ લાખ કરોડનો ઘટાડો

સેન્સેકસે ગુરુવારે ૮૬૦૦૦થી ઉપરની ટોચ બતાવી છતાં બીએસઈ પર રોકાણકારોની સંપતિમાં  ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ રૂપિયા ૪૭૪.૯૨ લાખ કરોડ પરથી રૂપિયા ૦.૫૯ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૪.૩૩ લાખ કરોડ રહી હતી. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૯૩૬ શેરના ભાવ  વધ્યા હતા જ્યારે ૨૨૨૦ના ઘટયા હતા. ૧૮૫ શેરના ભાવ સ્થિર રહ્યા હતા.


Tags :