મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના શુભેચ્છક નહીં બનવાના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ રિટેલ બિઝનેસની નબળી કામગીરી સામે ઓટુસી બિઝનેસના સારા પર્ફોર્મન્સે સાધારણ નીવડતાં તેમ જ આઈસીઆઈસીઆઈ બેંકના નફામાં ઘટાડા તેમ જ ટીસીએસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી રહી હોવાના અહેવાલોની અસરે આજે ફંડો આઈટી, રિલાયન્સ, બેંકિંગ શેરોમાં વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ ફંડો ખરીદીના નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. સેન્સેક્સ ૩૨૪.૧૭ પોઈન્ટ ગબડીને ૮૩૨૪૬.૧૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૮૫ પોઈન્ટ તૂટીને ૨૫૫૮૫.૫૦ બંધ રહ્યા હતા. ફંડોની બેંકિંગ, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સામે કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘોર મંદી છવાયેલી રહી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિટેલ બિઝનેસની નબળી ત્રિમાસિક કામગીરીએ રૂ.૪૪ તૂટીને રૂ.૧૪૧૩
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકના ગત શુક્રવારે જાહેર થયેલા પરિણામ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની નબળી કામગીરીના કારણે નફાશક્તિ ભીંસમાં આવતાં, પરંતુ ઓઈલ ટુ કેમિકલ્સ બિઝનેસમાં સારી કામગીરી અને ડિજિટલ બિઝનેસમાં એકંદર મજબૂત કામગીરીના કારણે નફામાં સાધારણ વૃદ્વિ નોંધાતા આજે ફંડોએ શેરમાં મોટી વેચવાલી કરી હતી. શેર રૂ.૪૪.૩૫ તૂટીને રૂ.૧૪૧૩.૨૫ રહ્યો હતો.
હેલ્થકેર શેરોનું સ્વાસ્થય કથળ્યું : એસએમએસ ફાર્મા, જયુબિલન્ટ ફાર્મા, ટારસન્સ, બ્લિસ જીવીએસ તૂટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીના વળતા પાણી થઈ ફંડોએ ફાર્મા કંપની માટે વિશ્વબજારમાં તીવ્ર હરિફાઈના કારણે માર્જિન ભીંસ વધી રહ્યાના અહેવાલોએ આજે મોટા ગાબડાં પડયા હતા. એસએએમએસ ફાર્મા રૂ.૧૯.૫૫ તૂટીને રૂ.૩૧૩.૫૫, હેસ્ટરબાયો રૂ.૪૦.૫૫ ઘટીને રૂ.૧૪૬૩.૮૫, મેનકાઈન્ડ રૂ.૫૮.૩૦ ઘટીને રૂ.૨૧૭.૮૫, મેદાન્તા રૂ.૨૯.૯૦ ઘટીને રૂ.૧૧૧૪.૫૦, મેક્સ હેલ્થ રૂ.૨૫.૫૫ ઘટીને રૂ.૧૦૧૧ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૪૯.૧૮ પોઈન્ટ ઘટીને ૪૨૫૦૮.૪૫ બંધ રહ્યો હતો.
આઈસીઆઈસીઆઈ પાછળ બેંકિંગ શેરોમાં વેચવાલ : શેર રૂ.૩૨ ઘટયો : પીએનબી, યશ બેંક ઘટયા
આઈસીઆઈસીઆઈ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ચાર ટકા ઘટીને આવતાં નબળા પરિણામે આજે બેંકિંગ શેરોમાં સાવચેતીમાં ફંડો વેચવાલ રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૧૩૭૯.૮૦ રહ્યો હતો. પીએનબી રૂ.૪.૩૦ ઘટીને રૂ.૧૨૮.૦૫, યશ બેંક ૭૦ પૈસા ઘટીને રૂ.૨૨.૭૬, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૦૩૮.૨૦, એચડીએફસી બેંકના એકંદર સારા પરિણામ છતાં શેર રૂ.૩.૫૫ ઘટીને રૂ.૯૨૭.૬૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૪૦ પોઈન્ટ ઘટયો : ક્રોમ્પ્ટન, પીજી ઈલેક્ટ્રો., કલ્યાણ જવેલર્સ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. બ્લુ સ્ટાર રૂ.૩૯.૬૫ ઘટીને રૂ.૧૭૬૫, ટાઈટન રૂ.૫૮.૮૫ ઘટીને રૂ.૪૧૩૮.૦૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૩.૬૫ ઘટીને રૂ.૬૦૬૮.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૩૯.૫૧ પોઈન્ટ ઘટીને ૫૯૬૮૨.૬૨ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું નબળા પરિણામે હેમરિંગ : ટીસીએસ, વિપ્રો તૂટયા : ટેક મહિન્દ્રામાં આકર્ષણ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે નબળા પરિણામ અને અમેરિકાના અંકુશોને લઈ ઉદ્યોગમાં ચિંતાએ વેચવાલી નીકળી હતી. ટીસીએસના નબળા પરિણામ સાથે કર્મચારીઓની સંખ્યામાં ત્રિમાસિકમાં ઘટાડાની નેગેટીવ અસરે શેર રૂ.૪૩.૭૦ તૂટીને રૂ.૩૧૬૩ રહ્યો હતો. વિપ્રો પરિણામ બાદ ફંડોએ એક્ઝિટ વિકલ્પ પસંદ કરતાં શેર રૂ.૨૧.૨૫ તૂટીને રૂ.૨૪૬ રહ્યો હતો. અલબત ટેક મહિન્દ્રાના અપેક્ષાથી સારા પરિણામે શેર રૂ.૪૭.૫૫ વધીને રૂ.૧૭૧૮.૧૦ રહ્યો હતો. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૬.૯૯ પોઈન્ટ ઘટીને ૩૭૫૫૭.૦૪ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખાનાખરાબી : ભાવો તળીયાની શોધમાં : ૩૦૭૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં એકધારી અનેક શેરોમાં વેચવાલીના પરિણામે આજે મોટી ખાનાખરાબી થઈ હતી. ઘણા શેરોમાં ઓછા વોલ્યુમે ભાવો તૂટતાં જઈ નવા તળીયાની શોધમાં નીકળ્યા હોય એવો ઘાટ રચાયો હતો. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૭૫ અને વધનારની સંખ્યા ૧૨૨૬ રહી હતી.
DIIની રૂ.૪૨૩૪ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૩૨૬૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૩૨૬૨.૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૨૩૪.૩૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૬૮ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટું ધોવાણ થવા સાથે અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૫.૬૮ લાખ કરોડ રહ્યું હતું.


