Get The App

સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580

- બેંકિંગ શેરોમાં વેચવાલી : સુગર-એફએમસીજી, કેપિટલ ગુડઝ, મેટલ, આઈટી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ જળવાયું

- બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી : FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી  45 પોઈન્ટ ઘટીને 24580 1 - image


મુંબઈ : અમેરિકાના ટેરિફ આતંક સામે ભારત, ચાઈના, રશીયા એક મંચ પર આવીને વૈશ્વિક વેપારને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યા હોઈ અને પશ્ચિમી દેશો સામે બ્રિક્સ દેશોના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો સામે ટ્રમ્પ અકળાયા હોઈ યુરોપના દેશોને ભારત પર પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા હોવા છતાં ભારતીય શેર બજારોમાં લોકલ ફંડો, મહારથીઓના જોરે શેરોમાં ગઈકાલે જોવાયેલી તેજી આજે આરંભિક કલાકોમાં આગળ વધી હતી. અલબત એનએસઈ ડેરિવેટીવ્ઝમાં નિફટી સહિતની એક્સપાયરી ગુરૂવારને બદલે આજ-મંગળવાર પર અમલી બનતાં આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે નરમાઈ જોવાઈ હતી. જીએસટી, જીડીપી વૃદ્વિના પોઝિટીવ પરિબળ અને ચોમાસું સફળ રહેતાં એફએમસીજી, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પરંતુ વૈશ્વિક મોરચે યુ.એસ. બોન્ડ યીલ્ડ વધીને ૧૯૯૮ બાદની ઊંચી સપાટીએ આવી જતાં ચિંતાના વાદળો ઘેરાતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેર બજારોમાં ઉછાળે તેજીને બ્રેક લાગી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં તેજીનો વેપાર હળવો થયો હતો. સેન્સેક્સ ૮૦૦૦૮થી ૮૦૭૬૨ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૦૬.૬૧ પોઈન્ટ ઘટીને ૮૦૧૫૭.૮૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦  સ્પોટ ૨૪૭૫૭થી ૨૪૫૨૨ વચ્ચે અથડાઈ અંતે ૪૫.૪૫ પોઈન્ટ ઘટીને ૨૪૫૭૯.૬૦ બંધ રહ્યો હતો. જો કે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો લેવાલ રહ્યા હતા.

બેંકેક્સ ૪૦૯ પોઈન્ટ ઘટયો :  એસબીઆઈ કાર્ડ, એસબીએફસી ફાઈ., કોટક બેંક, રાણે હોલ્ડિંગ, ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૧૯૪૨.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૧૩૯૪.૪૫, એચડીએફસી બેંક રૂ.૬.૩૦ ઘટીને રૂ.૯૪૪.૪૦ રહ્યા હતા. આ સાથે એસબીએફસી રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૦૪, રાણે હોલ્ડિંગ રૂ.૪૩.૪૦ ઘટીને રૂ.૧૫૧૫.૧૦, સુમિત સિક્યુરિટીઝ રૂ.૫૬.૩૦ ઘટીને રૂ.૨૨૦૩.૦૫, એસબીઆઈ કાર્ડ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૭૯૩.૪૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૭.૬૫ ઘટીને રૂ.૮૭૮, એમસીએક્સ રૂ.૧૪૫.૭૦ ઘટીને રૂ.૭૬૪૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૮૨.૨૦, કેફિનટેક રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૧૦૫૬.૮૫, એયુ સ્મોલ બેંક રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૭૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૦૯.૦૫ પોઈન્ટ ઘટીને ૬૦૦૨૪.૮૧ બંધ રહ્યો હતો.

ઈથેનોલ ફેકટરે સુગર શેરોમાં ફંડોનું તેજીનું તોફાન : રેણુકા સુગર, દ્વારકેશ સુગર, ધામપુર સુગર વધ્યા

ચોમાસાની સારી પ્રગતિ અને જીએસટી દરોમાં ઘટાડાની તૈયારીએ ફંડોની આજે પસંદગીના એફએમસીજી શેરોમાં ખરીદી રહી હતી. સુગર મિલોને સુગર શિરપ અને મોલાસીસમાંથી ઈથેનોલનું ઉત્પાદન કરવા મંજૂરી આપવામાં આવતાં સુગર શેરોમાં  આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. રેણુકા સુગર રૂ.૩.૬૬ ઉછળીને રૂ.૩૨.૪૪, દ્વારકેશ સુગર રૂ.૫.૦૧ વધીને રૂ.૪૫.૨૩, ધામપુર સુગર રૂ.૧૩.૦૫ વધીને રૂ.૧૩૯.૦૫, અવધ સુગર રૂ.૨૧.૨૫ વધીને રૂ.૪૪૪, ગોદાવરી બાયો રૂ.૧૩.૧૦ વધીને રૂ.૨૭૫.૩૦, બલરામપુર ચીની રૂ.૨૪.૯૫ વધીને રૂ.૫૬૬.૭૦ રહ્યા હતા. આ સિવાય પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૨૪૬.૫૫, એડીએફ ફૂડ્સ રૂ.૯.૦૫ વધીને રૂ.૨૨૦ અવન્તી ફીડ રૂ.૪૮.૩૫ વધીને રૂ.૬૮૧.૦૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૭ વધીને રૂ.૧૨૦૧.૨૦, વાડીલાલઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૬.૭૦ વધીને રૂ.૫૧૬૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૩૦.૯૨ પોઈન્ટ વધીને ૨૦૮૬૩.૦૩ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૨ પોઈન્ટ વધ્યો : એલજી ઈક્વિપમેન્ટ, પ્રાજ, સીજી પાવર, કોચીન શીપ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોનું સિલેક્ટિવ વેલ્યુબાઈંગ જળવાયું હતું. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૧.૯૦ વધીને રૂ.૪૯૫.૪૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૪૧૮.૩૦, કોચીન શીપ રૂ.૬૪.૧૫ વધીને રૂ.૧૭૩૮.૬૫, સીજી પાવર રૂ.૨૨.૧૦ વધીને રૂ.૭૩૯.૩૫, થર્મેક્સ રૂ.૭૩ વધીને રૂ.૩૨૭૬.૫૦, સિમેન્સ રૂ.૫૫.૯૦ વધીને રૂ.૩૧૯૪.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૨.૫૬ પોઈન્ટ વધીને ૬૭૨૦૯.૬૫ બંધ રહ્યો હતો.

ચાઈનાની રિકવરી પાછળ મેટલ શેરોમાં મજબૂતી : એનએમડીસી, નાલ્કો, સેઈલ, ટાટા સ્ટીલ વધ્યા

ચાઈના સાથે ભારતના સંબંધો સુધરવાના પરિબળે અને ચોમાસા બાદ દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટા પ્રોજેક્ટો, ઓર્ડરોની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. એનએમડીસી રૂ.૩.૧૯ વધીને રૂ.૭૨.૮૩, નાલ્કો રૂ.૮.૬૦ વધીને રૂ.૨૦૦.૩૫, સેઈલ રૂ.૧.૯૫ વધીને રૂ.૧૨૩.૦૫, ટાટા સ્ટીલ રૂ.૨.૨૫ વધીને રૂ.૧૫૮.૪૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૯૭૫.૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૭૫ વધીને રૂ.૭૬૪.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૭૮.૪૮ પોઈન્ટ વધીને ૩૧૧૭૭.૧૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજીને બ્રેક : ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૫ ઘટયો : મહિન્દ્રા, ઉનો મિન્ડા, ટાટા મોટર્સ ઘટયા

ચોમાસાની સારી પ્રગતિ છતાં જીએસટી દરોમાં ફેરફારોની તૈયારીએ હાલ તુરત વાહનોની નવી ખરીદી ઓછી થતાં ફંડોની ઓટો શેરોમાં નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૫.૪૦ ઘટીને રૂ.૩૦૫૬, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૧.૨૦ ઘટીને રૂ.૩૨૩૩.૮૦, ઉનો મિન્ડા રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૧૩૦૨.૧૦, ટાટા મોટર્સ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૬૮૪.૩૦, મારૂતી સુઝુકી રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૧૪,૮૫૪.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૨.૩૩ પોઈન્ટ ઘટીને ૫૭૩૨૫.૧૭ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : રિલાયન્સમાં ફંડો ફરી લેવાલ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ગેઈલ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આજે રિલાયન્સની આગેવાનીએ પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની તાજેતની એજીએમમાં જિયોના લિસ્ટિંગ સહિતની યોજનાઓના આકર્ષણે ફંડોનું બાઈંગ નીકળતાં રૂ.૧૨.૪૫ વધીને રૂ.૧૩૬૬.૩૦ રહ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૯૦ વધીને રૂ.૨૧૬.૮૫, ગેઈલ રૂ.૩.૪૫ વધીને રૂ.૧૭૯.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૩.૬૯ પોઈન્ટ વધીને ૨૬૧૦૨.૮૬ બંધ રહ્યો હતો.

જેનેસીસ ઈન્ટર. રૂ.૫૦ ઉછળી રૂ.૬૩૪ : યુનીઈકોમ, એક્સચેન્જિંગ, ક્વિક હિલ, માસ્ટેકમાં આકર્ષણ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૪૯.૬૫ ઉછળીને રૂ.૬૩૪, યુનિઈકોમ રૂ.૯.૩૫ વધીને રૂ.૧૪૯, એક્સચેન્જિંગ રૂ.૩.૬૦ વધીને રૂ.૮૯.૬૧, ક્વિક હિલ રૂ.૯.૧૦ વધીને રૂ.૩૦૦.૫૦, માસ્ટેક રૂ.૭૪.૬૫ વધીને રૂ.૨૬૦૭.૩૦, નેટવેબ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૨૨૬૭.૩૫, ટાટા એલેક્સી રૂ.૬૬.૫૫ વધીને રૂ.૫૪૨૩.૭૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૩૯ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ  તેજીને બ્રેક સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટોરનું આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૯૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૩૯ અને ઘટનારની ૧૭૦૫ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૫૪૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૧૫૯.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૯૩૯.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૦૯૮.૮૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૫૪૯.૫૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૯૦૪.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૫૪.૫૫ કરોડની વેચવાલી કરી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૯.૯૦ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘણા શેરોમાં ખરીદી ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૦૫  લાખ કરોડ વધીને રૂ.૪૪૯.૯૦  લાખ કરોડ રહ્યું હતું.


Tags :