આઈટી, બેંકિંગ, ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ 1282 પોઈન્ટ તૂટીને 81148
- નિફટી સ્પોટ ૩૪૬ પોઈન્ટ ગબડીને ૨૪૫૭૮ : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ
- રોકાણકારોની સંપતિમાં રૂ.૧.૪૬ લાખ કરોડનો ઘટાડો
મુંબઈ : ભારતીય સૈન્યના પાકિસ્તાનના હોશ ઉડાવી દેતાં પ્રહારની એક તરફ દેશ-દુનિયામાં વાહવાહ થઈ રહી હોઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈન્યની કાર્યવાહીને બિરદાવી અને પાકિસ્તાનને ન્યુક્લિયર બ્લેકમેઈલ નહીં ચલાવી લઈએ એવો સ્પષ્ટ સંદેશ આપ્યા સાથે ગઈકાલે અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ ડિલની પોઝિટીવ અસર બાદ આજે ભારતીય શેર બજારોમાં ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ નીકળ્યું હતું. સોમવારે વિક્રમી તેજી બતાવી રોકાણકારોની સંપતિમાં રૂ.૧૬.૧૬ લાખ કરોડનો જંગી વધારો થયા બાદ હવે ભારતે ચાઈનાથી થતી આયાત પર એન્ટિ-ડમ્પિંગ ડયુટીનું શસ્ત્ર ઉગામતા અને અમેરિકાની ભારતથી થતી સ્ટીલ અને એલ્યુમીનિયમની આયાત પર આકરી ટેરિફ સામે વળતાં ટેરિફ વધારવાની હલચલ વચ્ચે આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ, મેટલ, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી સામે અન્ય સેક્ટલ શેરોમાં વેચવાલી નીકળતાં સેન્સેક્સ એક તબક્કે નીચામાં ૮૧૦૪૩.૬૯ સુધી ગબડીને અંતે ૧૨૮૧.૬૮ પોઈન્ટ ગબડીને ૮૧૧૪૮.૨૨ અને નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે નીચામાં ૨૪૫૪૭.૫૦ સુધી ગબડી અંતે ૩૪૬.૩૫ પોઈન્ટ તૂટીને ૨૪૫૭૮.૩૫ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૮૨૯ પોઈન્ટ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઈન્ફોસીસ રૂ.૫૭.૬૦ તૂટીને રૂ.૧૫૬૯.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૯.૨૦ ઘટીને રૂ.૧૬૨૦.૪૫, ટીસીએસ રૂ.૧૦૪.૩૫ ઘટીને રૂ.૩૫૧૫.૯૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૩૮.૬૫ ઘટીને રૂ.૮૪૭૬.૪૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૬ ઘટીને રૂ.૫૯૩.૪૦, વિપ્રો રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૫૧.૬૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૨૦.૮૫ ઘટીને રૂ.૫૭૬૧.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૮.૫૮ પોઈન્ટ ગબડીને ૩૭૦૨૮.૬૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો
ટાટા મોટર્સના નબળા પરિણામ સાથે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. ટાટા મોટર્સ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૭૦૭.૯૦, ટીવીએસ મોટર રૂ.૪૮.૧૫ ઘટીને રૂ.૨૭૧૨, અપોલો ટાયર રૂ.૮.૨૦ ઘટીને રૂ.૪૭૨.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૦.૬૦ ઘટીને રૂ.૩૦૫૩.૯૦, મારૂતી સુઝુકી રૂ.૧૩૧.૨૫ ઘટીને રૂ.૧૨,૪૮૪.૧૫, એક્સાઈડ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૩૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૯.૩૯ પોઈન્ટ ઘટીને ૫૨૧૭૧.૧૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૯૩ પોઈન્ટ ઉછળ્યો
ડિફેન્સ પરિબળે આજે કેપિટલ ગુડઝ, ડિફેન્સ સાથે સંકળાયેલા શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૯.૩૫ વધીને રૂ.૪૬૦૯.૦૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૫૯૩.૧૫ વધીને રૂ.૧૭,૫૦૦, કલ્પતરૂ પાવર રૂ.૨૮.૪૦ વધીને રૂ.૧૦૦૭.૧૫, ભેલ રૂ.૫.૯૦ વધીને રૂ.૨૩૮.૮૫, એનબીસીસી રૂ.૧.૯૭ વધીને રૂ.૧૦૧.૭૬, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૨.૦૫ વધીને રૂ.૪૨૦૫.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૯૨.૭૮ પોઈન્ટ ઉછળીને ૬૬૧૬૭.૨૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં દવાઓના ભાવોમાં ઘટાડો કરવાની વહેતી મૂકેલી યોજનાને લઈ ગઈકાલે હેલ્થકેર-ફાર્મા શેરોમાં વેચવાલી બાદ આજે ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. અજન્તા ફાર્મા રૂ.૧૦૫.૯૫ વધીને રૂ.૨૫૮૬.૨૫, યુનિકેમ લેબ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૫૮૪.૫૦ રહ્યા હતા. ક્રિશ્ના રૂ.૫૩.૭૫ તૂટીને રૂ.૬૮૫.૪૫, પોલીમેડ રૂ.૫૯.૬૦ તૂટીને રૂ.૨૪૨૫.૨૫, ઈન્નોવા કેપ રૂ.૨૨.૪૦ તૂટીને રૂ.૯૧૧.૪૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૭.૦૫ તૂટીને રૂ.૨૮૯.૪૦, આરતી ફાર્મા રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૭૮૦, ફોર્ટિસ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૬૬૬.૨૫, લાલપથ લેબ રૂ.૩૨.૬૫ ઘટીને રૂ.૨૭૮૦.૯૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ફંડો હળવા થયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ઉછાળે તેજીનો વેપાર આંશિક હળવો કર્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૭૭૦.૩૫, એચડીએફસી બેંક રૂ.૩૪.૪૫ ઘટીને રૂ.૧૯૨૩.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૦.૨૦ ઘટીને રૂ.૨૧૧૫.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૧૪૩૧.૧૦, એક્સિસ બેંક રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૧૧૯૩.૯૫ રહ્યા હતા. એમસીએક્સ રૂ.૧૨૯.૧૦ ઘટીને રૂ.૫૯૩૫.૨૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૬૩૩.૬૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૩૯.૮૫ ઘટીને રૂ.૨૨૧૮.૪૫ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૫૧.૯૦ પોઈન્ટ ગબડીને ૬૨૫૮૧.૪૫ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ છતાં પ્રોફિટ બુકિંગ
સેન્સેક્સ, નિફટી બેઝડ પ્રોફિટ બુકિંગ સામે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયેલું રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૫૯ અને ઘટનારની સંખ્યા ૧૪૦૨ રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૪૬ લાખ કરોડ ઘટી
સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો થતાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં વેચવાલી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૪૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૧.૧૦ લાખ કરોડ રહ્યું હતું.