મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવાણ
Stock Market Today: મધ્ય-પૂર્વમાં યુદ્ધનું જોખમ વધતાં શેરબજાર આજે બીજા દિવસે કડડભૂસ થયા છે. સેન્સેક્સ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ 1337.39 પોઈન્ટ તૂટી 80354.59 થયો હતો. જે બાદમાં 11.33 વાગ્યે 710.02 પોઈન્ટના ઘટાડે 80981.96 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ, ક્રૂડના ભાવમાં વધારો ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર મંદ રહેવાના અહેવાલો વચ્ચે વિદેશી રોકાણકારોએ સળંગ બીજા દિવસે વેચવાલી નોંધાવી છે. ગઈકાલે રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કેન્દ્રો અને સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવતાં હુમલા કર્યા હતાં. ઈરાન હવે તેનો વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલોથી યુદ્ધની સ્થિતિ વણસી શકે છે. આ વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. નિફ્ટી આજે 24500નું લેવલ તોડ્યું હતું. જો કે, બાદમાં 11.30 વાગ્યે 208.90 પોઈન્ટના ઘટાડે 24681.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યાં
શેરબજારમાં મોટા કડાકાના પગલે બે દિવસમાં રોકાણકારોએ વધુ રૂ. 9.30 લાખ કરોડ ગુમાવ્યા છે. ગઈકાલે રૂ. 5.99 લાખ કરોડના ગાબડાં બાદ આજે વધુ 3.31 લાખ કરોડનું ધોવાણ બીએસઈ માર્કેટ કેપમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ પણ ગઈકાલે 800થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. બેન્કિંગ શેર્સમાં આજે વોલ્યૂમ સંકડાયા છે. એસબીઆઈ 1.84 ટકા, એચડીએફસી બેન્ક 1.17 ટકા, યસ બેન્ક 1.08 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.05 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઈઝરાયલના હુમલાથી ક્રૂડ મોંઘુ થયુ
ઈઝરાયલ દ્વારા ઈરાન પર ફરી હુમલાની શરૂઆત થતાં જ વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે આગામી સમયમાં ક્રૂડના સપ્લાય પર અસર થવાની ભીતિના કારણે ભાવ વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડ આજે 5.67 ટકા ઉછળી 70.56 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.
195 શેરમાં લોઅર સર્કિટ
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3900 પૈકી માત્ર 1291 શેર સુધારા તરફી જ્યારે 2434 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 57 શેર વર્ષની ટોચે જ્યારે 146 શેરમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 197 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 50 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે.