નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 નીચે બંધ થતાં 79666 જોવાય
- નિફટી ૨૪૫૫૫ નીચે બંધ થતાં ૨૪૨૨૨ જોવાય
- સેન્સેક્સ ૮૨૨૨૨ની પ્રતિકારક સપાટી, નિફટીમાં ૨૫૧૧૧ પ્રતિકારક લેવલ
મુંબઈ : વિશ્વમાં હવે ટ્રમ્પનું ટેરિફ યુદ્વ પૂરું થવાની તૈયારીમાં છે. વિશ્વને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેરિફ યુદ્વના નામે બાનમાં રાખનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના અને એમાં હવે ૧લી ઓગસ્ટની મુદ્દત નજીક આવી રહી હોઈ ટ્રમ્પ ૨૦૦ વધુ ટેરિફ લેટર જારી કરવાની અને યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારી હોવાના અહેવાલોએ આગામી દિવસોમાં ટેરિફ વાવાઝોડું શાંત થવાની શકયતા અત્યારે તો દેખાઈ રહી છે. સોમવાર અને મંગળવાર વૈશ્વિક બજારો માટે મહત્વના નીવડવાની શકયતા છે. ટ્રમ્પના ટેરિફ લેટરો લેટર ક્યા દેશો માટે ફ્રેન્ડશિપ લેટર બને છે અને ક્યાં દેશો માટે લેટર બોમ્બ બને છે એના પર વિશ્વની નજર મંડાયેલી રહેશે. ટ્રમ્પે જાપાનીઝ ગુડઝ પર ૧૫ ટકા ટેરિફ અને ૫૫૦ અબજ ડોલરની રોકાણ યોજના સાથે ડિલ કરીને હાલ તુરત ડિલ મેકર ટ્રમ્પ કૂણા પડયા હોવાનું દેખાઈ રહ્યું છે.
ટ્રમ્પના તૈયાર ૨૦૦ ટેરિફ લેટર અને ભારત સાથે ટ્રેડ ડિલ પર બજારની નજર : બજાર યુ-ટર્ન બતાવી શકે
હવે ભારત સાથે કેટલાક મહત્વના કૃષિ અને ડેરી ક્ષેત્રો મામલે અટવાયેલી ડિલ કઈ રીતે સેટલ થાય છે એના પર ભારત સાથે વિશ્વની નજર છે. જો ભારત પર ઓછા ટેરિફ લાગશે તો બજાર શરૂઆતના કંપનો-આંચકા પચાવીને તેજીના પંથે સવાર થઈ શકે છે. જેથી હાલ તુરત સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ઘટાડે રોકાણની તક ઝડપી શકાય. વૈશ્વિક પરિબળોવચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૧૧૧ના પ્રતિકારક લેવલે ૨૪૫૫૫ નીચે બંધ થવાના સંજોગોોમાં ૨૪૨૨૨ અને સેન્સેક્સ ૮૨૨૨૨ની પ્રતિકારક સપાટીએ ૮૦૬૬૬ સપાટી નીચે બંધ થવાના સંજોગોમાં ૭૯૬૬૬ સુધી આવી શકે છે.
અર્જુનની આંખે : ASTRAL LTD.
બીએસઈ (૫૩૨૮૩૦), એનએસઈ (ASTRAL) લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ, છેલ્લા છ વર્ષમાં ત્રણ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પાંચ વર્ષમાં આવકમાં ૧૪.૭૭ ટકા સીએજીઆર હાંસલ કરનાર, રૂ.૬૦૮ કરોડ કેશ, ૧૦૦ ટકા ડેટ-ઋણ મુક્ત, ૩૭૫ ટકા ડિવિડન્ડ ચૂકવતી, એસ્ટ્રલ લિમિટેડ(ASTRAL LIMITED), વર્ષ ૧૯૯૮માં કામગીરી શરૂ કરનાર કંપની વિશ્વભરમાં ૨૬ પ્લાન્ટો અને ૫૨ ડેપો, ૩૬૨૫થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો અને ચાર ઈન્ડસ્ટ્રીઝ પાઈપ્સ-ટેન્ક્સ, એડ્હેસિવ્સ, સેનીટરીવેર અને પેઈન્ટસમાં ૯૦,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપની વાર્ષિક ૫,૪૯,૧૨૬ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેમાં (૧) પાઈપ્સ, વોટર ટેન્ક્સ અને બાથ વેર માટે ૩,૮૧,૯૫૭ મેટ્રિક ટન (૨) એડહેસિવ્સ અને સીલન્ટ્સ (ભારત) માટે ૯૪,૪૮૩ મેટ્રિક ટન (૩) યુ.કે. અને યુ.એસ.એ.માં ૩૬,૬૮૬ મેટ્રિક ટન (૪) પેઈન્ટસની ૩૬,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. કંપની નવ ઉચ્ચ વૃદ્વિ ધરાવતી કેટેગરીઝમાં કાર્યરત છે, જેમાં (૧) પાઈપ્સ અને ફિટિંગ્સ (૨) વોટર ટેન્ક્સ (૩) એડહેસિવ્ઝ અને સિલન્ટ્સ (૪) કન્ટ્રકશન કેમિકલ્સ (૫) બાથવેર (૬) પેઈન્ટસ (૭) સ્પેશ્યલાઈઝ્ડ વાલ્વસ (૮) ઈન્ફ્રાસ્ટ્રકચર (૯) સ્પેશ્યલાઈઝ્ડ ફિટિંગ્સનો સમાવેશ છે.
કંપની કાનપુરમાં પાઈપ્સ અને વોટર ટેન્ક્સ માટે ૬૦,૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતાનું નવું મેન્યુફેકચરીંગ યુનિટ થકી વિસ્તરણ કરી રહી છે, જે સાથે કુલ વાર્ષિક ક્ષમતા વધીને ૬,૦૯,૧૨૬ મેટ્રિક ટનની થશે. કંપની કુલ આવકના ૭૨ ટકા પ્લમ્બિંગમાંથી અને ૨૮ ટકા પેઈન્ટસ અને એડહેસિવ્ઝમાંથી મેળવે છે.
એસ્ટ્રલ લિમિટેડે સ્થાનિક અને ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે પોલીમર પાઈપિંગ સિસ્ટમ્સનું મેન્યુફેકચરીંગ શરૂ કર્યું છે. ભારતમાં પ્રથમ વખત સીપીવીસી પાઈપિંગ દાખલ કરવા માટે જાણીતી એસ્ટ્રલે પાઈપ્સ કેટેગરીમાં વ્યાપક રેન્જના ઉત્પાદનો દાખલ કર્યા છે અને બિલ્ડિંગ મટીરિયલ્સ ઉદ્યોગમાં અન્ય બિઝનેસ કેટેગરીઝમાં સફળતાપૂર્ક વૈવિધ્યિકરણ કર્યું છે. ક્વોલિટી અને ઈન્નોવેશન પર ફોક્સ કરતી કંપનીએ એસ્ટ્રલ વિશ્વાસ હાંસલ કરી વૃદ્વિ મેળવી છે. બિલ્ડિંગ મટીરિયલ્સની કેટેગરીમાં ઘર-ઘરમાં કંપની પ્રચલિત બની છે. શ્રેણીમાં નવીન બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ સુધી નવી ટેકનોલોજી રજૂ કરવાથી લઈને એસ્ટ્રલ ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાં એક છે, જે પાઈપ, એડહેસિવ્સ, સેનિટરીવેર, કન્સ્ટ્રકશન કેમિકલ્સ અને હવે પેઈન્ટ ઓફર કરે છે. એસ્ટ્રલ પાઈપ્સ દેશભરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે વિશાળ ભૌગોલિક ક્ષેત્રોમાં બજારોને સંતોષવામાં મદદ કરે છે.
ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર સંદિપ એન્જિનિયરનું નિવેદન : પીવીસી રેઝિનના ભાવમાં ૧૮ ટકાથી વધુ ઘટાડો અને નેગેટીવ ઉદ્યોગ વૃદ્વિ સહિતના પડકારજનક પરિસ્થિતિઓ છતાં, એસ્ટ્રલે ૩.૪ ટકાની કોન્સોલિડેટેડ આવક અને વોલ્યુમ વૃદ્વિ હાંસલ કરી છે, જે સ્પષ્ટપણે મુશ્કેલ વર્ષ દરમિયાન બજાર હિસ્સામાં કંપનીના લાભને પ્રતિબિંબિત કરે છે. નાણા વર્ષ ૨૦૨૬ માટે પોતે એસ્ટ્રલના તમામ બિઝનેસ લાઈનો માટે આશાવાદી છે. પાઈપ અને પ્લમ્બિંગ સેગ્મેન્ટમાં મજબૂત રિકવરી માટે તૈયાર છે, કેમ કે કાચામાલના ભાવ સ્થિર થયા છે, બીઆઈએસ અમલીકરણમાંથી નિયમનકારી ટેઈલવિન્ડ્સ અમલમાં આવે છે, અને અમારી વિસ્તૃત ઉત્પાદન શ્રેણી-જેમાં એએલ અલ અઝીઝ સ્પેશ્યલાઈઝ્ડ ફિટિંગ્સનો સમાવેશ છે, એની સારી સ્વિકૃતિ મેળવી છે. કંપનીની એડહેસિવ અને પેઈન્ટ વ્યવસાયો ક્ષમતા, ઉત્પાદન નવીનતા અને વિતરણમાં કંપની રોકાણ દ્વારા વધતો બજાર હિસ્સો મેળવવા માટે સારી સ્થિતિમાં છે. આ દરમિયાન બાથવેર સેગ્મેન્ટ વધુ સ્કેલ કરવા માટે તૈયાર છે, કેમ કે કંપની નવા ઉત્પાદનો રજૂ કરવાનું અને બજારમાં પ્રવેશને વધુ ઊંડો બનાવવાનું ચાલુ રાખે છે. કંપની પાસેની રૂ.૬૦૮ કરોડની મજબૂત રોકડ સ્થિતિ સાથે શેરધારકોને વળતર સાથે વૃદ્વિ રોકાણોને સંતુલિત કરવા માટે પ્રતિબદ્વ છે. મને વિશ્વાસ છે કે, આ વર્ષે અમે જે પાયો નાખ્યો છે, તે સાથે અમલીકરણ અને સંચાલન શિસ્ત પરનું અમારૂ ધ્યાન, એસ્ટ્રલને નાણા વર્ષ ૨૦૨૬ અને તે પછીના સમયગાળામાં ટકાઉ, નફાકારક વૃદ્વિ હાંસલ કરવા સક્ષમ બનાવશે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
આવક રૂ.૫૮૩૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૧૮ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૫૦ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૪૭૫ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૧૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૫૬ કરોડ નોધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૪.૪૨ અપેક્ષિત છે.
ઓપરેશન્સમાંથી આવક : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૩૧૭૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૪૩૯૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૫૧૫૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૫૬૫૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૮૩૨ કરોડ અને અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૬૪૭૫ કરોડ
ચોખ્ખોનફો : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૪૦૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૪૯૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૪૫૯ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૫૪૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૧૮ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૬૫૬ કરોડ
શેર દીઠ આવક (બોનસ શેર ઈસ્યુ બાદ) : નાણા વર્ષ ૨૦૨૧ની રૂ.૧૫.૧૦, નાણા વર્ષ ૨૦૨૨ની રૂ.૧૮.૦૧, નાણા વર્ષ ૨૦૨૩ની રૂ.૧૭, નાણા વર્ષ ૨૦૨૪ની રૂ.૨૦.૩૩, નાણા વર્ષ ૨૦૨૫ની રૂ.૧૯.૫૦, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬ની રૂ.૨૪.૪૨
ડિવિડન્ડ પે-આઉટ (નેટ પ્રોફિટ પર રેશીયો) : નાણા વર્ષ ૨૦૨૧માં ૧૧.૯૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૨માં ૪.૬૧ ટકા, નાણા વર્ષ ૨૦૨૩માં ૧૧.૧૬ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૩.૪૬ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૧૮.૨૬ ટકા. સરેરાશ નેટ પ્રોફિટના ૧૧.૯૦ ટકા.
ડિવિડન્ડ : નાણા વર્ષ ૨૦૨૧માં ૨૦૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૨માં ૩૦૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૩માં ૩૫૦ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં ૩૭૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૩૭૫ ટકા
બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૧૯માં ૧:૪ શેર, વર્ષ ૨૦૨૧માં ૧:૩ શેર, વર્ષ ૨૦૨૩માં ૧:૩ શેર બોનસ. આમ કુલ ઈક્વિટીમાં ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૫૪.૧૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો અને ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૧૪.૯૦ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧૯.૮૫ ટકા, એચએનઆઈઝ પાસે ૩.૨૫ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૭.૯૦ ટકા છે.
બુક વેલ્યુ (બોનસ સિવાય) : માર્ચ ૨૦૨૧માં રૂ.૮૧, માર્ચ, ૨૦૨૨માં રૂ.૯૮, વર્ષ માર્ચ, ૨૦૨૩માં રૂ.૯૯, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૧૭, માર્ચ, ૨૦૨૫માં રૂ.૧૩૫ અને અપેક્ષિત માર્ચ ૨૦૨૬માં રૂ.૧૬૦
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)પાંચ વર્ષમાં ૧૪.૭૭ ટકા સીએજીઆર વૃદ્વિ, ૧૦૦ ટકા દેવા મુક્ત, રૂ.૬૦૮ કરોડની રોકડ હાથ પર, છેલ્લા છ વર્ષમાં ત્રણ બોનસ ઈસ્યુ થકી ૭૦.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ૩૭૫ ટકા ડિવિડન્ડ ચૂકવતી, એસ્ટ્રલ લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૪.૪૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૬૦ અને પીવીસી પાઈપ્સ ઉદ્યોગના ૭૫ના પી/ઈ સામે એનએસઈ, બીએસઈ લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ શેર રૂ.૧૪૭૫ ભાવે ૬૦.૪૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.