Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય

- નિફટી ૨૪૪૮૮ નીચે બંધ થતા ૨૪૨૪૪ જોવાય

- સેન્સેક્સમાં ૮૧૫૧૧ પ્રતિકારક અને નિફટીમાં૨૪૯૮૮ પ્રતિકારક લેવલ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79888 નીચે બંધ થતા 79088 જોવાય 1 - image


મુંબઇ : અમેરિકા-ચાઈના-રશીયા મહાસત્તાઓ વિશ્વ પર પોતાનું આધીપત્ય જમાવવા પોતપોતાની તાકત સિદ્વ કરવા અને એકબીજાને ઝુંકાવવામાં લાગ્યું છે. અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિશ્વ ટેરિફના આતંકથી ત્રસ્ત છે. વિશ્વ પર વેપાર યુદ્વ થોપનારા ટ્રમ્પને ઝુંકાવવા અને અમેરિકાની વિશ્વ પરની દાદાગીરીને નબળી પાડવા ચાઈના અને રશીયા સાથે ભારતના સંબંધો મજબૂત કરવાના પ્રયાસોને લઈ અત્યારે પરિસ્થિતિ કઈ બાજુ વળાંક લેશે એ કહેવું અનિશ્ચિત છે. ટેરિફની અસર ખાળવા અને ભારતીય ઉદ્યોગોને આત્મનિર્ભર અને મેક ઈન ઈન્ડિયા મિશનને ઝડપી આગળ વધારવા કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં કરેલા સરાહનીય ફેરફાર અનેઅનેક ચીજો પરના જીએસટી દરમાં કરેલા ઘટાડા આવકાર્ય છે. દેશના કોર્પોરેટ જગતને આ મોટી ભેટની સાથે દેશની સામાન્ય જનતા માટે આ ખરેખર એક બજેટ હોય એમ રાહત લઈને આવ્યું છે. મોંઘવારી સામે રોજબરોજની ખાદ્ય અને અન્ય ચીજોના ભાવમાં ઘટાડા તરફી આ પગલાંથી ખરીદશક્તિમાં વધારો થવાની અપેક્ષા અને દેશના ઘણા ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાશે. કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ આ સૂચિત નિર્ણયોથી સુધરશે. અમેરિકા સાથે આગામી દિવસોમાં કોઈપણ ટ્રેડ ડિલ પૂર્વે ભારતીય ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ પૂરું પાડીને સરકારે આગામી દિવસોમાં અમેરિકા સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં પામશો. વૈશ્વિક મોરચે ચાઈના, રશીયાના વધતા પ્રભાવ સામે અમેરિકા અને યુરોપના દેશો આગામી દિવસોમાં કેવો વ્યુહ અપનાવીને નવા ક્યા પગલાં લેશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ પરિબળો પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. સ્થાનિક અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૯૮૮ની પ્રતિકારક સપાટીએ ૨૪૪૮૮ નીચે બંધ થતા ૨૪૨૪૪ અને સેન્સેક્સ  ૮૧૫૧૧ પ્રતિકાકર સપાટીએ ૭૯૮૮૮ નીચે  બંધ થતાં ૭૯૦૮૮ જોવાય

અર્જુનની આંખે : ASTRA MICROWAVE PRODUCTS LTD.

બીએસઈ(૫૩૨૪૯૩) અને એનએસઈ (ASTRAMICRO) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, ISO 9001:2008, AS 9100D CERTIFIED, અસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટસ લિમિટેડ (ASTRA MICROWAVE PRODUCTS LIMITED),આરએફ/માઈક્રોવેવ/ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ અને ઉચ્ચ-ટેકનોલોજીના પ્રોજેક્ટોના સંચાલનમાં અનુભવ ધરાવતા પ્રતિષ્ઠિત વૈજ્ઞાાનિકોની ટીમ દ્વારા વર્ષ ૧૯૯૧માં સ્થાપીત કરાયેલી કંપની છે. કંપનીના એ સમયના ત્રણેય પ્રમોટરોને એક મજબૂત,તકનીકી રીતે શક્તિશાળી ખાનગી કંપનીની જરૂરીયાતનો અહેસાસ થયો હતો, જે વ્યુહાત્મક એપ્લિકેશનો માટે ઉચ્ચ-અંતિમ આરએફ અને માઈક્રોવેવ સબસિસ્ટમ અને સિસ્ટમ ડિઝાઈન, ડેવલપમેન્ટ અને મેન્યુફેકચરીંગ કરી શકે.

આ પ્રેરક વ્યક્તિઓ સાથે કંપની અસ્તિત્વમાં આવી અને યુનિટ-૧ તરીકે ઓળખાતા એકમથી કામગીરી શરૂ કરીને, કંપનીએ તેના ૩૦થી વધુ વર્ષોના અસ્તિત્વમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્રતિભા અને કેપ્ટિવ ટેસ્ટ સુવિધાઓ અને વધુમાં સતત રોકાણ સાથે મૂલ્ય શૃંખલાને આગળ ધપાવી છે. અત્યારે કંપની પાસે ત્રણ મેન્યુફેકચરીંગ એકમો અને બે આર એન્ડ ડી સેન્ટરો છે. જેમાં એક વિશિષ્ટ જગ્યા લાયક સુવિધા પણ સામેલ છે. એસ્ટ્રા એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓની શ્રેણી ધરાવે છે, જેમાં પીસીબીએ એસેમ્બલી માટે ત્રણ ઓટોમેટિક એસેમ્બલી લાઈન, સાત ક્લાસ ૧૦કે અને એક ક્લાસ ૧૦૦કે ક્લીન રૂમ, ૩૦ એમએચઝેડથી ૪૦ જીએચઝેડ સુધી વિસ્તરેલું કાર્યાત્મક પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈએમઆઈ/ઈએમસી સુવિધા સહિત ઈન-હાઉસ પર્યાવરણીય પરીક્ષણ સુવિધાઓ અને કોઈપણ ભારતીય ખાનગી ઉદ્યોગ માટે પ્રથમ-નિયર-ફિલ્ડ એન્ટેના ટેસ્ટ રેન્જ (એનએફટીઆર)નો સમાવેશ થાય છે.

આ સિદ્વિઓ સાથે, કંપનીએ મૂલ્ય શૃંખલાને આગળ વધારી છે અને ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલને સમર્થન આપતા અનેક રડાર અને ટેલિમેટ્રી સિસ્ટમ્સ પૂરા પાડયા ચે. ક્ષમતા વધારવા માટે કંપનીએ વર્ષોથી ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને ટેલેન્ટ બન્નેમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ કેમ્પે ગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક બેંગ્લુરૂમાં કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં એસેમ્બલી અને ઈન્ટિગ્રેશન ક્ષેત્ર સાથે એક  આર એન્ડ ડી સુવિધા સ્થાપિત કરી છે. જેનાથી કંપનીના ગ્રાહકોની નજીક હાજરી સાથે ભૌગોલિક રીતે વિસ્તરણ કરવામાં પણ મદદ મળી છે. કંપની હૈદરાબાદમાં ચાર મેન્યુફેકચરીંગ એકમો, એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર અને બેંગ્લુરૂમાં એક આર એન્ડ ડી સેન્ટર દરેક ક્ષેત્ર માટે આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફાઈડ ડેડીકેટેડ આર એન્ડ ડી ટીમો સાથે ધરાવે છે. ઈનહાઉસ પર્યાવરણીય, ઈએમઆઈ/ઈએમસી અને એન્ટેના પરીક્ષણ સુવિધા આર એન્ડ ડી માટે ૫૦૦થી વધુ આરએફ સાધનો અને વિવિધ ભારતીય સરકારી લેબોરેટરીઝ, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને ઘણા વિદેશી ઓઈએમ સાથે કામ કરવાનો ૨૬ વર્ષથી વધુ પરીક્ષણનો અનુભવ ધરાવે છે. કંપની ડિફેન્સ, સ્પેસ, મેટ્રોલોજી, હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ, એન્ટેના, રડાર, જીએનએસએસ સોલ્યુશન, અનનેમ્ડ ગ્રાઉન્ડ વ્હકલ માટે પ્રોડક્ટસ ધરાવે છે.

એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટસ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એસ. જી. રેડ્ડીએ અર્નિંગ કોન્ફરન્સ કોલમાં ૧૪, ઓગસ્ટ ૨૦૨૫ના જણાવેલી બાબતોમાં ''(૧) ભારત સરકારે તાજેતરના વર્ષોમાં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણા પ્રગતિશીલ પગલા લીધા છે, જેમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ લિમિટ ઉદાર બનાવવી, સ્વદેશી ડિઝાઈન અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું, સંરક્ષણ પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્ક્રીન રજૂ કરવી અને સ્થાનિક ખરીદીને પ્રાથમિકતા આપવી સામેલ છે. ભારતના સંરક્ષણ બજેટમાં વધારો સ્પષ્ટપણે રાષ્ટ્રીય ક્ષમતા ઝડપથી નિર્માણ કરવા સરકારના ઈરાદાને દર્શાવે છે. આ નીતિ દિશાએ ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ માટે નવી તકો પણ ખોલી છે. (૨) કંપનીની સ્ટેન્ડએલોન ઓર્ડર બુક હવે રૂ.૧૮૯૧ કરોડ છે, જે કંપનીને આગામી ત્રિમાસિક માટે મજબૂત દ્રશ્યતા આપે છે. આ પૈકી મોટાભાગના ઓર્ડર બિલ્ડ-ટુ-સ્પેક પ્રકારના છે, જેનો અર્થ એ છે કે, બિલ્ડ-ટુ-પ્રિન્ટની તુલનામાં વેલ્યુ એડીશન વધારે છે. કંપની રડાર સિસ્ટમ્સમાં પ્રવેશવા માટે નોંધપાત્ર પગલાં અને રોકાણ કરી રહી છે, ફક્ત સંરક્ષણ માટે જ નહીં, પરંતુ હવામાન એપ્લિકેશન્સમાં પણ છે. બીજા ત્રિમાસિકમાં કંપનીએ ઓગસ્ટ ૨૦૨૫માં સંરક્ષણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તરફથી કુલ મૂલ્ય રૂ.૧૩૫ કરોડનો મહત્વપૂર્ણ ઓર્ડર મળ્યો છે. કંપનીની સ્ટેન્ડએલોન ઓર્ડર બુકમાં સ્પેસ ક્ષેત્રનો હિસ્સો રૂ.૨૩૯ કરોડ જેટલો છે. (૩) કંપનીની સંયુક્ત સાહસ કંપની, એસ્ટ્રા રફાલ કોમસિસ પ્રાઈવેટ લિમિટેડે પણ ત્રિમાસિકમાં સારી કામગીરી કરી છે અને આગામી વર્ષો માટે તેની સંભાવના ઉજ્જવળ દેખાય છે. કંપની પાસે રૂ.૪૦૦ કરોડથી વધુની ઓર્ડર બુક છે અને વર્ષ માટે લગભગ ૧૦ ટકાના પીબીટી સાથે લગભગ રૂ.૩૫૦ કરોડથી વધુ ટોપલાઈન કરવાની અપેક્ષા છે. જેમાં ઓર્ડરને બેક ક્લોઝ કરવાની ક્ષમતા છે. બાકીના વર્ષ દરમિયાન તે લગભગ રૂ.૮૦૦ કરોડથી વધુના ઓર્ડરને બેક કરવાની ક્ષમતા ધરાવે છે.''

એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટસ લિમિટેડના ડિરેકટર, સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ અતીમ કાબરાએ જણાવ્યું હતું કે, ''એસ્ટ્રાના ડિરેકટરોનું વિઝન એક અત્યંત  વૈવિધ્યસભર, મલ્ટિ રેવન્યુ, મલ્ટિ-ટે સંચાલિત, ગૂઢ ટેક કંપની બનાવવાનું રહ્યું છે. કંપની બે દાયકા કરતા વધુ સમય પહેલા એમએમઆઈસી ચિપ્સમાં પ્રવેશી હતી અને આ ટીઆર મોડયુલ્સના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે જે કંપનીના મોટાભાગના મુખ્ય ઉત્પાદનો માટે કરોડરજ્જુ છે. કંપની પાસે ૫૪૦થી વધુ ચિપ્સનો પોર્ટફોલિયો છે અને તેને બનાવવા અને તેમાંથી ઘણાને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આગામી પાંચ વર્ષમાં ફક્ત આ  પોર્ટફોલિયોમાંથી ૫૦૦ લાખ ડોલર કે એથી વધુ ચિપ્સ વૈશ્વિક બજારોમાં વેચવાની સંભાવના છે. હમણાં જ પ્રોજેક્ટ મૌસમ વિશે સંભાળ્યું છે, જેમાં રૂ.૨૦૦૦ કરોડથી વધુ ફાળળણી કરવામાં આવી છે. તેમને લાગે છે કે, ભારતમાં સ્થાપિત ૧૪ ડોપ્લર વેધર રડારમાંથી ૧૩ એસ્ટ્રાના છે. હજુ વધુ બનાવીએ છીએ અને કંપની વિન્ડ પ્રોફિલર્સ બનાવે છે. કંપનીએ ૨૦૦૦થી વધુ ઓટોમેટિક વેધર સ્ટેશનો ઈન્સ્ટોલ કર્યા છે. કંપની ફક્ત હાર્ડવેર જ નહીં, પરંતુ સર્વિસ તરીકે સંપૂર્ણ વેધર, બાકીના વિશ્વને સર્વિસ તરીકે ડેટા, બધાના લાભ માટે પ્રદાન કરવા માગે છે. કંપનીને અપેક્ષા છે કે, આગામી બે વર્ષમાં કંપની પાસે આ સેગ્મેન્ટમાંથી ફક્ત આ સેગ્મેન્ટમાંથી જ રૂ.૪૦૦ કરોડ, રૂ.૫૦૦ કરોડથી વધુ ઓર્ડર બુક મેળવી શકશે. કંપની તેના ડીપીએસયુ, ડીઆરડીઓના પ્રયાસો થકી એવા ઉત્પાદનો લઈને આવી રહી છે, જે વિશ્વ કક્ષાના, અનોખા અને ૧૦૦ ટકા ભારતીય છે. એસ્ટ્રામાં કંપનીને આશરે રૂ.૧૩૦૦ કરોડથી રૂ.૧૪૦૦ કરોડનું ગાઈડન્સ આપ્યું છે. જે વાર્ષિક ધોરણે લગભગ ૧૮ ટકાથી ૨૦ ટકા વૃદ્વિની અપેક્ષા છે અને નફાકારકતા પણ જાળવવા પ્રયાસરત છે. ચાલુ વર્ષ માટે અપાયેલા અંદાજો, કંપની દ્વારા સ્થાનિક બિઝનેસ પર વધુ ફોક્સ અને બીટીપી બિઝનેસમાં ઘટાડાના કારણે નફાનું માર્જિન સંતોષકારક લેવલે જળવાઈ રહેવાની અપેક્ષા છે. જે ૨૦ ટકા કે એથી થોડા વધુ ઈબીટા માર્જિનનો અંદાજ છે.''

આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૭૫૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૮૧૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૦૮ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૫૨ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૫૦ કરોડ

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૬૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૦૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૩૬

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪.૩૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૮.૦૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨.૮૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૬.૧૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૦

બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૦૫માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૦માં ૧:૨ શેર થકી કુલ ઈક્વિટીમાં ૬૮.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૭૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૮૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૧૦ ટકા

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક રૂ.૧૦૬૯ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૪૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫૪  કરોડ નોંધાવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૬.૧૭ હાંસલ કરી હતી.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૧૨૫૦ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૯૦  કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) કુલ ઈક્વિટીમાં ૬૮.૩૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટસ લિમિટેડ, અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૦, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૩૬ સામે રૂ.૨ પેઈડ-અપ શેર  રૂ.૧૦૦૯ ભાવે ઉદ્યોગના ૯૦ના પી/ઈ સામે ૫૦.૪૫ના  પી/ઈએ ઉપલબ્ધ છે.


Tags :