નવા સપ્તાહમાં સેન્સેક્સ 79777 નીચે બંધ થતાં 79111 જોવાય
- નિફટી ૨૪૩૩૩ નીચે બંધ થતાં ૨૪૧૧૧ જોવાય
- સેન્સેક્સમાં ૮૧૪૪૪ની પ્રતિકારક સપાટી, નિફટીમાં ૨૪૭૭૭ પ્રતિકારક લેવલ
મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફનું શસ્ત્ર ઉગામીને વૈશ્વિક બજારોમાં સુનામી લાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પનું આ ટેરિફ શસ્ત્ર હાલ વિશ્વ મહાસત્તાઓ વચ્ચેનું યુદ્વમાં પરિણમવા લાગ્યું હોઈ એક તરફ રશીયાને અંકુશમાં લેવાના ટ્રમ્પના પ્રયાસમાં ભારત પર વધુ ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅરના નામે રશીયા અને ઈરાન સાથે વેપાર કરનારા પર પેનલ્ટી લાદવાનું જાહેર કરીને ભીંસ વધારવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે ટ્રમ્પની આ નીતિ સામે ભારતે ઝુંકવાના બદલે અમેરિકી ફાઈટર જેટની ખરીદી નહીં કરવાનું નક્કી કર્યાના વહેતા થયેલા અહેવાલોએ ટ્રમ્પને પણ વિચારતા કરી દીધા હશે. વૈશ્વિક બજારોમાં ગત સપ્તાહમાં ટેરિફના ડેવલપમેન્ટે ચિંતા વધતાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ખાસ સપ્તાહના અંતે શુક્રવારે વૈશ્વિક બજારોમાં જે પ્રકારે ધોવાણ થયું છે, એણે ઘણા મોટા રોકાણકારોને પણ ચિંતામાં મૂકી દીધા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં અવિરત વેચવાલી સામે લોકલ ફંડોની શેરોમાં ખરીદીના આંકડા છતાં ડહોળાયેલા આ સેન્ટીમેન્ટથી હાલ તુરત વૈશ્વિક ડેવલપમેન્ટ પર બજારની નજર રહેશે.
ભારત વિના અમેરિકા પ્રોગ્રેસ કરી શકશે નહીં અને અમેરિકા વિના ભારતને પણ નહીં ચાલે : અંતે સૌ સારાવાના થવાની પૂરી શકયતા
વૈશ્વિક વેપાર નીતિમાં ભારતને અત્યારે રશીયાથી અંતર કરી દેવા ટ્રમ્પ મજબૂર કરી રહ્યા છે, પરંતુ ભારત નેશન ફર્સ્ટની મોદી સરકારની દ્રઢ નીતિને વળગી રહીને કૃષિ કે ડેરી જેવા ઉદ્યોગમાં દેશ હિતને નુકશાન પહોંચાડી શકે એવી કોઈ શરણાગતિ કે સમજૂતી કરવા તૈયાર થયું નથી. જેથી ગિન્નાયેલા ટ્રમ્પે ભારત પર ટેરિફ અને પેનલ્ટીના નામે ભીંસ વધારી રહ્યા છે. પરંતુ ટ્રમ્પના આ પગલાં અમેરિકા માટે જ બૂમરેંગ થતાં જોવાઈ રહ્યા છે. અમેરિકામાં ફુગાવો-મોંઘવારી વધવાના વધેલા જોખમ અને હવે રોજગારીના પણ ચિંતાજનક આંકડાએ ટ્રમ્પે તેના વલણમાં પીછેહઠ કર્યા સિવાય છૂટકો નથી. ભારત વિના અમેરિકા પ્રોગ્રેસ કરી શકશે નહીં, એ હકીકત છે, અને અવિશ્વાસું ચાઈનાને લઈ ડ્રેગન સામે ઝિંક ઝિલવા ભારતે પણ અમેરિકાનો પૂર્ણ સાથ છોડી શકે એમ નથી. એટલે કે અમેરિકા વિના ભારતને પણ ચાલશે નહીં. જેથી બન્ને દેશો પોત-પોતાના હિતોને ધ્યાનમાં લઈ આખરે સાત દિવસમાં સમજૂતી પર આવી જાય અને સૌ સારાવાના થાય એવી શકયતા વધુ છે. જેથી વૈશ્વિક બજારોની ઉથલપાથલ સાથે સપ્તાહના અંતે અથવા પખવાડિયામાં વંટોળ શાંત થવાની શકયતા રહેશે. વૈશ્વિક પરિબળોવચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૭૭૭ના પ્રતિકારક લેવલે ૨૪૩૩૩ નીચે બંધ થવાના સંજોગોમાં ૨૪૧૧૧ અને સેન્સેક્સ ૮૧૪૪૪ની પ્રતિકારક સપાટીએ ૭૯૭૭૭ સપાટી નીચે બંધ થવાના સંજોગોમાં ૭૯૧૧૧ સુધી આવી શકે છે.
અર્જુનની આંખે : CEIGALL INDIA LTD.
બીએસઈ (૫૪૪૨૨૩), એનએસઈ (CEIGALL) લિસ્ટેડ રૂ.૫ પેઈડ-અપ, વર્ષ ૨૦૦૨માં સ્થાપીત, સીગલ ઈન્ડિયા લિમિટેડ(CEIGALL INDIA LIMITED), સહેગલ પરિવારના ૮૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની કંપની એલીવેટેડ રોડ્સ, ફ્લાયઓવર્સ, બ્રિજીસ, રેલવે ઓવરપાસિસ, ટનલ્સ, હાઈવેઝ, એક્સપ્રેસવેઝ અને રનવેઝ સહિતના સ્પેશ્યલાઈઝ્ડ સ્ટ્રકચરલ પ્રોજેક્ટ્સમાં નિપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર કન્સ્ટ્રકશન કંપની છે. કંપની આ ક્ષેત્રે ૨૦ વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. જેમાં હાઈવેઝ, એક્સપ્રેસવેઝ, ફ્લાયઓવર્સ, ટનલ્સ, એલીવેટેડ રોડ્સ અને મેટ્રો રેલ સહિતનો સમાવેશ છે. કંપની લીઝ્ડ ઈક્વિપમેન્ટ સાથે મુખ્યત્વે કાર્યરત રહી એસેટ લાઈટ મોડલને અનુસરે છે અને ૧૪ ટકા જ પોતાના ઈક્વિપમેન્ટ ધરાવે છે, બાકી લીઝ પર લઈને કામ કરે છે. કંપની બાયબેક અરેન્જમેન્ટ થકી ખર્ચ અસરકારકતા પર અને ઓછા મૂડી ખર્ચને મહત્વ આપે છે.
કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસિઝમાં (૧) ઈપીસી પ્રોજેક્ટ્સ (મહત્તમ આવક)માં ડિઝાઈન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (૨) એચએએમ પ્રોજેક્ટસ (હાઈબ્રિડ એન્યુઈટી મોડલ) : સરકાર પાસેથી મિશ્ર ઈક્વિટી પ્લસ વાર્ષિક ચૂકવણી. (૩) બીઓટી પ્રોજેક્ટસ (બિલ્ડ-ઓપરેટ ટ્રાન્સફર). (૪) એલિવેટેડ કોરિડોર, ટનલ, રનવે, બસ ટર્મિનલ અને મેટ્રો સ્ટેશનો જેવા વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો માટે ઓ એન્ડ એમ (ઓપરેટિંગ અને જાળવણી) સર્વિસિઝ.
પ્રોજેક્ટ રેકોર્ડ : માર્ચ ૨૦૨૫ સુધીમાં કંપનીએ ૩૫થી વધુ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે અને ૨૩ ચાલુ છે. વર્તમાન પ્રોજેક્ટમાં ૧૪ ઈપીસી પ્રોજેક્ટો, ૮ એચએએમ પ્રોજેક્ટો અને એક બીઓટી પ્રોજેક્ટનો સમાવેશ છે. લેન્ડમાર્ક પ્રોજેક્ટસનો અનુભવ પૈકી (૧) કરતારપુર સાહિબ કોરિડોર (૨) રામબન-બનિહાલ ટનલ (જમ્મુ એન્ડ કાશ્મીર) (૩) કાનપુર મેટ્રો (૪) ભુવનેશ્વર મેટ્રો (ડીએમઆરસી) (૫) દિલ્હી-સહારનપુર એક્સપ્રેસવે (૬) અયોધ્યા બાયપાસ પ્રોજેક્ટસ (ઉત્તર અને દક્ષિણ).
કંપનીની ભૌગોલિક હાજરીમાં કંપની ૧૧ ભારતીય રાજયોમાં કાર્યરત છે, જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઓડિશા, દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં પૂર્ણ થયેલા અને ચાલુ પ્રોજેક્ટો છે.
ગ્રાહકો- ઓર્ડર બુક : નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં કંપની પાસે રૂ.૧૦,૮૦૬ કરોડની સારી વૈવિધ્યસભર ઓર્ડર બુક છે. આ પોર્ટફોલિયોમાં ૨૩ ચાલી રહેલા પ્રોજેક્ટો પૈકી ઈપીસી (રૂ.૫૭૦૦ કરોડ) અને એચએએમ (રૂ.૫૫૦૦ કરોડ) સેગ્મેન્ટ્સ સાથે એક બીઓટી પ્રોજેક્ટનો સમાવેશ છે. ઓર્ડર બુકનો લગભગ ૮૦ ટકા ભાગ એનએચએઆઈ સાથે જોડાયેલો છે, જે સ્થિરતા અને લાંબાગાળાની ચૂકવણી સુનિશ્ચિત કરે છે. ગ્રાહકોની યાદીમાં એનએચએઆઈ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેટ મીનિસ્ટ્રી, મિલિટરી એન્જિનિયર સર્વિસિઝ, ઈરકોન, યુપીએમઆરસી, પીડબલ્યુડી પંજાબ, બિહાર રાજ્ય માર્ગ વિકાસ નિગમ, ડીએમઆરસી અને યુપીએસઆરટીસીનો સમાવેશ છે.
ઝડપી વૃદ્વિ અને ટ્રાન્ઝિશન : નાણાકીય વર્ષ ૨૦૨૧ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન ૫૦.૧૩ ટકાના સીએજીઆર પર વૃદ્વિ કરી છે. છેલ્લા બે દાયકામાં કંપનીએ એક નાની કન્સ્ટ્રકશન કંપનીથી એક સ્થાપિત ઈપીસી સાહસિક તરીકેનો વિકાસ કર્યો છે. જેમાં સ્પેશ્યલાઈઝ્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત વિવિધ રોડ અને હાઈવે પ્રોજેક્ટોની ડિઝાઈન અને નિર્માણમાં અનુભવ દર્શાવ્યો છે.
બિડિંગ ક્ષમતામાં વધારો : કંપની સિંગલ રૂ.૫૭૦૦ કરોડ સુધીના એનએચએઆઈ ઈપીસી પ્રોજેક્ટો અને રૂ.૫૫૦૦ કરોડ સુધીના સિંગલ એનએચએઆઈ એચએએમ પ્રોજેક્ટો માટે બિડ કરવાને પાત્ર છે. આ ઉપરાંત કંપની આગામી ટેન્ડરો માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે પેનલમાં છે.
નવા ડોમેઈન્સમાં વૈવિધ્યીકરણ : કંપની મેટ્રો, રેલવે, ટનલ અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વૈવિધ્યીકરણ કરી રહી છે, જ્યારે ઓ એન્ડ એમ, બીઓટી અને ડીબીએફઓટી મોડેલ્સનું પણ અન્વેષણ કરી રહી છે. કંપનીએ મેટ્રો પ્રોજેક્ટો માટે આરકે ઈન્ફ્રા સાથે ભાગીદારી કરી છે અને આંતરિક અનુભવના અભાવવાળા ક્ષેત્રોમાં વ્યુહાત્મક સુધારોઓ માટે ઓપન છે. કંપનીએ આઈપીઓ દ્વારા રૂ.૧૨૫૨ કરોડ એકત્ર કર્યા, જેમાંથી રૂ.૬૮૪ કરોડ નવા ઈસ્યુ માટે ફાળવવામાં આવ્યા હતા, જે આ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. (૧) સાધનોની ખરીદી (૨) દેવાની ચૂકવણી.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ સેહગલ ફેમિલી પાસે મળી ૮૨.૦૬ ટકા, મ્યુચ્યુઅલ ફંડો, ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૭.૩૩ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧.૮૧ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૭.૨૧ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૧.૫૯ ટકા છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૭
કામકાજ-ઓપરેશનમાંથી આવક : માર્ચ ૨૦૨૪ના રૂ.૩૦૦૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૪૧૮ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૪૧૯૦ કરોડ
ઈબીટા (માર્જિન) : માર્ચ ૨૦૨૪ના ૧૬.૪ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૪.૬ ટકા, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬.૫ ટકા
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૫ના રૂ.૧૭.૦૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૨
ચોખ્ખો નફો : માર્ચ ૨૦૨૪ના રૂ.૩૦૪, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૮૭ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૮૫
નેટ ડેટ ટુ ઈક્વિટી : માર્ચ ૦૨૧ના -૦.૪ ટકા, માર્ચ ૨૦૨૨ના ૦.૩ ટકા, માર્ચ ૨૦૨૩ના ૦.૬ ટકા, માર્ચ ૨૦૨૪ના ૦.૮ ટકા, માર્ચ ૨૦૨૫ના ૦.૪ ટકા
પ્રોજેક્ટ્સ ઓર્ડર બુક : માર્ચ ૨૦૨૫ મુજબ : એચએએમ પ્રોજેક્ટો ૬૦.૫ ટકા, બીઓટી પ્રોજેક્ટો ૧.૩ ટકા, ઈપીસી પ્રોજેક્ટો ૩૮.૧ ટકા.
રાજ્ય પ્રમાણે ઓર્ડર બુક : ઉત્તર પ્રદેશ ૨૭ ટકા, જારખંડ ૨૪.૧ ટકા, પંજાબ ૧૮.૮ ટકા, બિહાર ૧૭.૧ ટકા, જમ્મુ એન્ડ કાશ્મીર ૪.૫ ટકા, હરિયાણા ૦.૨ ટકા, ઓડિસ્સા ૮.૩ ટકા, મહારાષ્ટ્ર ૦.૧ ટકા.
ઓર્ડર બુક-સેક્ટર મુજબ : રોડ્સ, હાઈવેઝ અને ફ્લાયઓવર્સ ૮૨.૯ ટકા, રેલવે અને મેટ્રો ૧૩.૩ ટકા, ટનલ્સ ૨.૫ ટકા, બસ ટર્મિનલ ૧૩.૩ ટકા.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૩૪૯૨ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૨૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૮૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭.૦૪ હાંસલ કરી હતી.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત આવક રૂ.૪૧૯૦ કરોડ થકી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૧૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૮૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૮૨ ટકા સેહગલ ફેમિલીના પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૩) કુલ રૂ.૧૦,૮૦૬ કરોડની ઓર્ડર બુક ધરાવતી (૪) નાણા વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન ૪૫ ટકા સીએજીઆર નોંધાવનાર (૩) માર્ચ ૨૦૨૫ મુજબ રૂ.૫૧૮ કરોડ ઈબીટા (૪) વર્ષ ૨૦૨૫માં ઈક્વિટી પર ૧૬ ટકા વળતર આપનાર (૪) સિગલ ઈન્ડિયા લિમિટેડ અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૨૭ સામે રૂ.૫ પેઈડ-અપ શેર આઈપીઓના એલોટમેન્ટ ભાવ રૂ.૪૦૧ સામે અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૨૬૩ ભાવે ૧૨ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.