નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય
- નિફટી ૨૪૬૬૬ ઉપર બંધ થતાં ૨૪૮૮૮ જોવાય
- સેન્સેક્સ ૭૯૧૧૧ની ટેકાની સપાટી, નિફટી ૨૪૧૧૧ સપોર્ટ લેવલ
મુંબઈ : વિશ્વ અત્યારે હાડોહાડ અનિશ્ચિતતાના ઐતિહાસિક દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેમેય કરીને અમેરિકાનું વિશ્વ પરનું વર્ચસ્વ પુન:સ્થાપીત કરવાની જીદમાં વૈશ્વિક વેપાર ધોરણો પોતાની મનમાનીથી ઘડતા રહી અને છાશવારે તેમાં બદલાવ કરતાં રહીને વિશ્વ વેપાર સાથે વૈશ્વિક અર્થતંત્રને અસ્થિરતામાં ધકેલી દીધું છે. ભલભલા આર્થિક અને નાણાકીય નિષ્ણાતોને ચકરાવે ચડાવી મૂકતા ટ્રમ્પના નિર્ણયોને લઈ અત્યારે ક્યા દેશે અમેરિકા સાથે કેવી રીતે, કઈ શરતે, ક્યા ટેરિફ દરે વેપાર કરવો એની મૂંઝવણમાં મૂકી દીધા છે. અત્યાર સુધી ચાઈનાને ટાર્ગેટ કરનારા હવે ચાઈના, રશીયા, ભારતની ધરી તોડવા ભારતને નિશાન બનાવીને રશીયા અને ચાઈનાને ઝુકાવવાના અંતિમ પ્રયાસો કરી રહ્યા હોય એમ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવી વધુ પ્રતિબંધોની લુખ્ખી ધમકી આપી રહ્યા છે. રશીયા પાસેથી ખુદ ખરીદી કરનારા અમેરિકા અને ચાઈના સામે ભારત પર ટેરિફનો બોજ વધારીને બેવડા ધોરણો અપનાવતા ટ્રમ્પ ખુદ પોતાની બિઝાવેલી જાળમાં ફસાઈ ગયા હોય એમ આ જાળમાંથી છુટવા હવાતિયા મારી રહ્યા હોય જોહુકમી કરી રહ્યા છે.
શુક્રવારે ૧૫, ઓગસ્ટના બજારો બંધ રહેશે : ચાર દિવસના સપ્તાહમાં બજારમાં ઉથલપાથલ જોવાય
અહીં અમેરિકાના હિતોનું જ ટ્રમ્પ નુકશાન કરી રહ્યા હોઈ શક્ય છે કે, આગામી દિવસોમાં વૈશ્વિક બજારોમાં ઉથલો કરાવીને પોતાનો ઈરાદો પાર પડયા બાદ ટ્રમ્પ અલાસ્કા ખાતે પુતિન સાથે ૧૫, ઓગસ્ટના મુલાકાત બાદ શકય છે કે, છેલ્લી ઘડીમાં રશીયા-યુક્રેન યુદ્વનો અંત પોતે લાવ્યાનો ડંકો વગાડીને ભારત સહિતના દેશો સાથે સમાધાન કરી લેશે, અમેરિકાને ભારત વિના ચાલે એમ નથી, અને ભારતને પણ અમેરિકા વિના ચાલી શકે એમ નથી. જેથી આ ટૂંકાથી મધ્યમગાળાનું ટેન્શન આગામી દિવસોમાં દૂર થવાની પૂરી શકયતા છે, છતાં હાલ તુરત પરિસ્થિતિ અનિશ્ચિત બનેલી હોઈ ઉથલપાથલમાં અટવાઈ ન જવાય એ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ અપનાવી સાવચેત રહેવું જરૂરી રહેશે. આગામી સપ્તાહમાં ૧૫, ઓગસ્ટના શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિતે શેર બજારો બંધ રહેશે. જેથી આગામી સપ્તાહ ચાર ટ્રેડિંગ દિવસનું હશે. વૈશ્વિક પરિબળોવચ્ચે આગામી ચાર દિવસના સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૧૧૧ની ટેકાની સપાટીએ ૨૪૬૬૬ ઉપર બંધ થતાં ૨૪૮૮૮ અને સેન્સેક્સ ૭૯૧૧૧ની ટેકાની સપાટીએ ૮૦૬૬૬ ઉપર બંધ થતાં ૮૧૪૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : VST TILLERS TRACTORS LTD.
બીએસઈ (૫૩૧૨૬૬), એનએસઈ (VSTTILLERS) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, ૧૦૦ ટકા ડેટ-ઋણ મુક્ત, નાણાકીય વર્ષ ૨૦૨૦થી આવકમાં ૧૧ ટકા સીએજીઆરનો રેકોર્ડ ધરાવતી, ત્રણ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૫૫.૫૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, વર્ષ ૧૯૬૭માં વીએસટી ગુ્રપ ઓફ કંપનીઝ દ્વારા સ્થાપીત, વીએસટી ટીલર્સ ટ્રેકટર્સ લિમિટેડ(VST TILLERS TRACTORS LIMITED), ૫૬ વર્ષથી વધુ સમયથી ખેતીનના યાંત્રિકીકરણને આગળ ધપાવવામાં અને ભારતના ખેડૂતોને સશક્ત બનાવવામાં અગ્રણી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર મજબૂત ફોક્સ કરતી કંપની પાવર ટીલર્સ, કોમ્પેક્ટ ટ્રેકટર, એન્જિન, ટ્રાન્સમિશન, પાવર રીપર્સ અને પ્રીસિઝન કોમ્પોનન્ટસ સહિતની વિશાળ રેન્જમાં પ્રોડક્ટસ ઓફર કરે છે. વીએસટી ટ્રેકટર્સ માત્ર ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવતી નથી, પણ યુરોપીયન, એશિયન અને આફ્રિકન બજારોમાં પણ નિકાસ કરવામાં આવે છે, જે નવીનતમ ઈયુ ધોરણોને પૂર્ણ કરે છે. વ્યુહાત્મક પહેલ, નવી વ્યવસાયિક સંભાવનાઓ, વૈશ્વિક સાહસો અને બ્રાન્ડ પહેલ દ્વારા સંચાલિત સતત નવીનતા અને વૃદ્વિ પ્રત્યે પ્રતિબદ્વતા સાથે, વીએસટી ટીમ તેના ટ્રેકટર બિઝનેસ સેગ્મેન્ટમાં બેગણી વૃદ્વિ પ્રાપ્ત કરવાનો ઈરાદો ધરાવે છે. વીએસટી ટીલર્સ ટ્રેકટર્સ લિમિટેડ, વીએસટી ગુ્રપનો એક ભાગ છે. જેની સ્થાપના વર્ષ ૧૯૧૧માં શ્રી વી.એસ.થિરૂવેંગદાસસ્વામી મુદ્દલિયાર દ્વારા કરવામાં આવી હતી. મૂળરૂપે પેટ્રોલિયમ અને ઓટોમોબાઈલમાં કામ કરતાં, આ ગુ્રપે વર્ષ ૧૯૬૭માં મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ-જાપાન સાથે સંયુક્ત સાહસ દ્વારા વીએસટી ટીલર્સ ટ્રેકટર્સ લિમિટેડની સ્થાપના કરીને તેના વારસાનો વિસ્તાર કર્યો હતો. આ ગુ્રપ સફળતાપૂર્વક વિસ્તરણ કરીને ભારતમાં સૌથી મોટું પાવર ટીલર ઉત્પાદક બન્યું છે અને ૪૦થી વધુ દેશોમાં તેની રેન્જ કોમ્પેક્ટ ટ્રેકટર અને નાના ફાર્મા સાધનો સાથે વૈશ્વિક અસ્તિત્વ બનાવ્યું છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં વૈવિધ્યસભર ફાર્મ મિકેનિઝમ ઉત્પાદનો અને સોલ્યુશન્સમાં ૩૦૦૦ કરોડની બ્રાન્ડ બનવાની અપેક્ષા છે. કંપની પાસે ૫૦ ટકા પાણી રિસાયકલ, ૧૧૦૦ કિલોવોટ સ્થાપીત સૌર ક્ષમતા, ૨૨ ટકા રિન્યુએબલ એનજીૅ, ૪૭૦ મેટ્રિક ટન કચરાના રિસાયકલિંગની ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ છે.
દેશોમાં અસ્તિત્વ : કંપની ભારત, આર્જેન્ટિના, બેલ્જિયમ, ભૂતાન, બોલિવિયા, બોત્સ્વાના, બલ્ગેરિયા, ચિલી, ક્રોએશિયા, સાયપ્રસ, ઈક્વાડોર, ઈસ્વાટિની, ફ્રાંસ, જર્મની, ઘાના, ગિની, હૈતી, હંગેરી, ઈન્ડોનેશિયા, જોર્ડન, કેન્યા, કુવૈત, લક્ઝમબર્ગ, મોઝામ્બિક, નામ્બિયા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રવાન્ડા, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, સ્લોવાક્યિા, દક્ષિણ આફ્રિકા, ટયુનિશિયા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગ્ડમ, વિયેતનામ, ઝામ્બિયામાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે નવા ભૌગોલિક દેશોમાં વિસ્તરણમાં સાયપ્રસ, ચેક રિપબ્લિક, રશિયા, અંગોલા, તુર્કી અને માલી છે.
મૈસુર સવલતો : વર્ષ ૧૯૯૬માં સ્થાપના થઈ ત્યારથી, કર્ણાટકમાં વીએસટીની મૈસુર સવલત કૃષિ શ્રેષ્ઠતાનો પાયાનો પથ્થર રહી છે. પાંચ એકર વિસ્તારમાં ધરાવતા, આ અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ વાર્ષિક ક્ષમતા ૧,૦૦,૦૦૦ યુનિટોથી વધુ ધરાવતા ફાર્મ ઈમ્પિલમેન્ટસ અને કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરવામાં સ્પેશ્યલાઈઝડ છે.
હોસુર સવલત : વર્ષ ૨૦૧૪માં સ્થાપીત, તમિલનાડુમાં વીએસટીની હોસુર સુવિધા કૃષિ નવીનતામાં દીવાદાંડી તરીકે ઊભરી છે. આ આધુનિક પ્લાન્ટ ૧૭ એચપી થી ૫૦ એચપી સુધીના ટ્રેકટરનું ઉત્પાદન કરે છે, જેની વાર્ષિક ક્ષમતા ૪૦,૦૦૦ યુનિટ છે. આ સુવિધા ખેડૂતોની વિવિધ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે શક્તિશાળી અને કાર્યક્ષમ ટ્રેકટરનું ઉત્પાદન કરવા માટે અદ્યતન ટેકનોલોજી ધરાવે છે.
માલુર સવલત : વર્ષ ૨૦૧૮માં સ્થાપીત, કર્ણાટકમાં વીએસટીની માલુર સવલત આધુનિક કૃષિ પ્રગતિનું પ્રતિક છે. ૧૦ એકરમાં ફેલાયોલો, આ અદ્યતન પ્લાન્ટ ૬૦,૦૦૦ યુનિટની વાર્ષિક ક્ષમતા સાથે સ્માર્ટ ફાર્મ મશીનોનું ઉત્પાદન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવીનતમ ટેકનોલોજીથી સજ્જ, આ સવલત નવીન અને કાર્યક્ષમ ખેતી ઉકેલોની ખાતરી કરે છે.
પ્રોડક્ટસ બિઝનેસો :
ફાર્મ મશીનો : પાવર ટીલર્સ, પાવર વીડર્સ, પાવર રીપર્સ, બ્રશ કટર. ટ્રેકટર : પાંચ બ્રાન્ડ્સ- ક્લાસિક, ફેન્ટમ, પાવર સિરીઝ, વિરાજ. ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ : સ્પેરપાર્ટસ, લ્યુબ્સ અને કન્ઝયુમેબલ્સ, ઈલેક્ટ્રિક પમ્પ્સ, એન્જિન્સ. એગ્રીગેટ બિઝનેસ : વર્ટિકલ એન્જિન, હાઈડ્રોલિક્સ, ટ્રાન્સમિશન, ફ્રન્ટ એક્ઝેલ્સ. પ્રીસિઝન કોમ્પોનન્ટ્સ : એન્જિન કોમ્પોનન્ટ્સ, લોકોમોટીવ અને બ્રેકિંગ, મેટ્રો કોમ્પોનન્ટસ, લાઈટ એન્જિનિયરીંગ કોમ્પોનન્ટ્સ, રોટરી એસેમ્બલી. પ્રીસિઝન ઈમ્પ્લિમેન્ટ્સ : સ્પ્રેયર એન્ડ રોટરી ટીલર્સ. એસઓઈએલ : શોર્સ ઈલેક્ટ્રિક.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૭૭૨, માર્ચ ૨૦૨૨ના રૂ.૮૬૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૯૫૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૦૬૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૫૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૩૧૮.
ઓપરેશન્સમાંથી આવક : ૨૦૨૧માં રૂ.૭૬૫ કરોડ, માર્ચ ૨૦૨૨માં રૂ.૮૫૪ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૦૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૬૮ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૯૯૪ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૩૦૦ કરોડ
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૦૬, માર્ચ ૨૦૨૨ના રૂ.૧૧૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૪૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૫૯
બોનસ શેર ઈતિહાસ : વર્ષ ૧૯૯૮માં ૧:૨, વર્ષ ૧૯૯૯માં ૧:૨, વર્ષ ૨૦૦૯માં ૧:૨. આમ કુલ ઈક્વિટીમાં ૫૫.૫૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૦૦ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : મિત્સુબિશી-જાપાન પાસે ૨.૯૩ ટકા, ભારતીય પ્રમોટર્સ પાસે ૫૨.૬૮ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૧.૭૨ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૫.૮૦ ટકા અને રિટેલ વ્યક્તિગત રોકાણકારો પાસે ૧૬.૮૭ ટકા છે.
શેર દીઠ રોકાણ-કેશ મૂલ્ય : ૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ કંપની ફાઈનાન્શિયલ રોકાણના રૂ.૫૨૬ કરોડ અને કેશ તેમ જ બેંક બેલેન્સ રૂ.૭૪ કરોડ મળીને કુલ રૂ.૬૦૦ કરોડ ધરાવે છે, જેનું શેર દીઠ મૂલ્ય રૂ.૬૯૪ જેટલું થાય છે.
કોન્સોલોડિટેડ નાણાકીય પરિણામ :
(૧) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ :
ટીલર્સમાં સંખ્યામાં ટ્રેકટર્સના કુલ વેચાણમાં ૫૧ ટકા વૃદ્વિ નોંધાવી ૧૯,૪૨૬ ટ્રેકટરનું વેચાણ કર્યું છે. જે ગત વર્ષના સમાનગાળામાં ૧૨,૯૨૫ ટ્રેકટરનું વેચાણ કર્યું હતું. ટીલર્સનું વેચાણ સંખ્યામાં ૧૧,૧૯૩ની તુલનાએ ૫૯ ટકા વૃદ્વિએ ૧૭,૭૨૭ ટીલર્સનું હાંસલ કર્યું છે. જ્યારે સ્પર્ધક ટ્રેડરોએ વેચાણમાં બે ટકા નેગેટીવ વૃદ્વિ મેળવી છે.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૨.૭૪ ટકા ઘટીને રૂ.૯૯૫ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૩૫ ટકા થકી ચોખ્ખો નફો ૨૩ ટકા ઘટીને રૂ.૯૩ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૭.૪૩ હાંસલ કરી હતી.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૩૦ ટકા વૃદ્વિએ રૂ.૧૩૦૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩૭ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૫૯ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) મિત્સુબિશી જાપાન, વીએસટી ગુ્રપના મળીને ૫૫.૬૧% પ્રમોટર્સ હોલ્ડિંગની, ૫૫.૫૫% બોનસ ઈક્વિટી ધરાવતી, વીએસટી ટીલર્સ ટ્રેકટર્સ લિમિટેડ, માર્ચ ૨૦૨૫ મુજબ ફાઈનાન્શિયલ રોકાણ અને કેશનું શેર દીઠ રૂ.૬૯૪ મૂલ્ય ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૫૯ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૩૧૮ કમ ડિવિડન્ડ ૨૦૦ ટકા, મજબૂત બોનસ ઉમેદવાર, રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૪૪૪૫ ભાવે ૨૮ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.