સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર
- સેન્સેકસ ૮૦૭૧૦ જ્યારે નિફટી ઈન્ડેકસ ૨૪૭૪૧ની સપાટીએ બંધ
- બીએસઈ માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી
મુંબઈ : સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં સત્ર દરમિયાન વોલેટિલિટી રહ્યા બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ લગભગ સ્થિર બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ સહેજ ઉપર બંધ આવ્યો હતો. સેન્સેકસ ૭.૨૫ પોઈન્ટ ઘટી ૮૦૭૧૦.૭૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ઈન્ડેકસ ૬.૭૦ પોઈન્ટ વધી ૨૪૭૪૧ બંધ રહ્યો હતો. સેન્સેકસ નીચામાં ૮૦૩૨૧.૧૯ સુધી ગયા બાદ નીચા મથાળે શેરોમાં લેવાલી નીકળતા નોંધપાત્ર રિકવરી સાથે બંધ રહ્યો હતો. ઉપરમાં સેન્સેકસ ૮૧૦૦૦ને પાર કરી ૮૧૦૩૬.૫૬ જોવા મળ્યો હતો. નિફટી ઈન્ડેકસ નીચામાં ૨૪૬૨૧.૬૦ અને ઉપરમાં ૨૪૮૩૨.૩૫ જોવા મળ્યો હતો. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ના માળખામાં ફેરબદલથી અમેરિકાના ટેરિફની અસર હળવી થશે તેવી અપેક્ષાએ શેરબજાર કન્સોલિડેશનના તબક્કામાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૧૩૪ શેર વધ્યા હતા અને ૧૯૫૭માં ઘટાડો થયો હતો જ્યારે ૧૮૧ શેરોના ભાવ બદલાયા વગરના રહ્યા હતા.
ઓટો શેરો સુધારાના પંથે
ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણ વોલ્યુમમાં વર્તમાન નાણાં વર્ષમાં વધારો જોવા મળશે તેવી એક રેટિંગ એજન્સીની ધારણાં બાદ ઓટો શેરોમાં સુધારાએ જોર પકડયું હતું. અશોક લેલેન્ડ રૂપિયા ૨.૭૬ વધી રૂપિયા ૧૩૦.૭૭, ટાટા મોટર્સ રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૬૯૧.૭૦, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૪૧૨.૭૫ બંધ રહ્યા હતા. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર, ભારત ફોર્જ સહિતના મોટાભાગના ઓટો શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.
મોટાભાગના આઈટી હેવીવેઈટસ પટકાયા
દેશનું આઈટી ક્ષેત્ર અમેરિકાની બજાર પર વધુ નિર્ભરતા રાખે છે. અમેરિકામાં લેબર માર્કેટ નબળી પડતા માગ પર અસર પડવાની ચિંતાએ આઈટી શેરો પર દબાણ આવ્યું હતું. વિપ્રો રૂપિયા ૧.૩૦ ઘટી રૂપિયા ૨૪૩.૬૭, ઈન્ફોસિસ રૂપિયા ૧૮.૪૦ ઘટી રૂપિયા ૧૪૪૪.૬૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૨૨.૫૦ ઘટી રૂપિયા ૧૪૭૭.૯૦, ટીસીએસ રૂપિયા ૪૭.૪૦ ઘટી રૂપિયા ૩૦૪૮.૩૦ એચસીએલ ટેક રૂપિયા ૨૪.૩૦ ઘટી રૂપિયા ૧૪૧૯ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઓરેકલ ફાઈનાન્સિઅલ સર્વિસીસ, પરસિસ્ટન્ટ, એમફેસિસ પણ ઘટાડા તરફી રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ
જીએસટીમાં ઘટાડાની જાહેરાત બાદ એફએમસીજી શેરોમાં આવેલો સુધારો શુક્રવારે ધોવાઈ ગયો હતો. નિફટી એફએમસીજી ઈન્ડેકસમાંના ૧૫માંથી ૧૪ શેરોના ભાવ ઘટયા હતા. વરુણ બિવરેજિસ રૂપિયા ૧૯.૮૫ ઘટી રૂપિયા ૪૬૯.૬૫, આઈટીસી રૂપિયા ૮.૫૫ ઘટી રૂપિયા ૪૦૭.૩૫, ઈમામી રૂપિયા ૧૦.૫૫ ઘટી રૂપિયા ૬૦૪.૯૫ બંધ રહ્યા હતા. આ ઉપરાંત બ્રિટાનિઆ, નેસ્લે, મારિકો સહિતના એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. ટાટા કન્ઝયૂમર સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો.
સેન્સેકસ સ્ટોકસમાં મિશ્ર પ્રવાહ
સેન્સેકસમાં પસંદગીના સ્ટોકસમાં લેવાલીના ટેકા સાથે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે ટેરિફની પ્રતિકૂળ અસર સાથેના શેરો દબાણ હેઠળ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડ. રૂપિયા ૧૫.૧૦ વધી રૂપિયા ૧૩૭૪.૩૦, ભારતી એરટેલ રૂપિયા ૧૫.૮૦ વધી રૂપિયા ૧૮૯૬.૧૦, સન ફાર્મા રૂપિયા ૧૨.૩૫ વધી રૂપિયા ૧૫૯૪.૭૦ તથા ટાટા સ્ટીલ સાધારણ સુધરી રૂપિયા ૧૬૭.૬૫ બંધ રહ્યો હતો. આ ઉપરાંત મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટસમાં પણ રોકાણકારોનું આકર્ષણ જળવાયું હતું. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૨.૯૫ ઘટી રૂપિયા ૧૪૦૨.૭૦ બંધ રહ્યો હતો.
FPIsની રૂ.૧૩૨૭કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૩૨૭.૨૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ. ૭૮૪૬.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૭૩.૫૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ. ૧૭૭૩.૫૯કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૦૦૩૦.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ. ૮૨૫૭.૩૨ કરોડની વેચવાલી કરી હતી.