સેન્સેક્સ 42273 નવો વિક્રમ, અંતે 416 પોઈન્ટ તૂટીને 41528
- નિફટી સ્પોટ૧૨૪૩૦ નવો ઈતિહાસ રચી અંતે ૧૨૮ પોઈન્ટ ગબડીને ૧૨૨૨૫ : સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : DIIની કેશમાં રૂ.૧૪૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી : FII/FPIsની કેશમાં રૂ.૬ કરોડની ચોખ્ખી ખરીદી
- લીબિયા અને ઈરાકમાં ક્રુડનો પુરવઠો અટકતાં ક્રુડ બ્રેન્ટ ૬૬ ડોલર નજીક
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
વૈશ્વિક મોરચે લીબિયામાં મીલિટ્રીએ ક્રુડનો પુરવઠો પૂરો પાડતી પ્રમુખ પાઈપલાઈનો થકી પુરવઠો અટકાવતાં અને ઈરાકમાં પ્રમુખ ઓઈલ કુવાઓમાં પણ ઉત્પાદન અટકતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધીને બ્રેન્ટ ક્રુડ ૬૬ ડોલર નજીક પહોંચી જતાં આ નેગેટીવ પરિબળે અને સ્થાનિકમાં કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોમાં ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલીકોમ અને રીટેલ સિવાય પેટ્રોકેમિકલ્સ સહિતમાં નબળી કામગીરી તેમ જ આઈટી જાયન્ટ ટીસીએસ દ્વારા પણ નફામાં સ્થિરતા બતાવતાં તેમ જ આજે કોટક મહિન્દ્રા બેંકના નફામાં વૃદ્વિ છતાં એસેટ ગુણવતાં નબળી પડતાં ફંડોએ સાવચેતીમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો. અલબત આજે આરંભિક ટ્રેડીંગમાં સેન્સેક્સ અને નિફટીએ નવા વિક્રમો સર્જયા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવતાં એક તરફ ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ અને બીજી તરફ ટીસીએસના પરિણામ પાછળ આઈટી શેરોમાં વેચવાલી થઈ હતી. જ્યારે કોટક મહિન્દ્રા બેંકના પરિણામ પાછળ તેમ જ ટેલીકોમ કંપનીઓ દ્વારા ચૂકવવાની નીકળતી જંગી રકમને લઈ બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના સતત જોખમે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત વેચવાલી રહી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર બે પૈસા વધીને રૂ.૭૧.૧૦ રહ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમાબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૪૧૬.૪૬ પોઈન્ટ તૂટીને ૪૧,૫૨૮.૯૧ અને નિફટી સ્પોટ૧૨૭.૮૦ પોઈન્ટ ગબડીને ૧૨,૨૨૪.૫૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભમાં ૪૨૦૦૦ની સપાટી કુદાવી ૪૨૨૭૪ નવો ઈતિહાસ રચી પાછો ફરી અંતે ૪૧૬ પોઈન્ટ તૂટીને ૪૧,૫૨૯
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૯૪૫.૩૭ સામે ૪૨,૨૬૩ મથાળે ખુલીને આરંભમાં એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં સતત લેવાલી અને લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા, એશીયન પેઈન્ટસ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૪૨,૨૭૩.૮૭ નવી ઊંચાઈનો વિક્રમ બનાવ્યો હતો. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોના આરંભથી જ ઓફલોડિંગ અને ટીસીએસમાં પરિણામ પાછળ વેચવાલી થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંકના રિઝલ્ટ બાદ ઓફલોડિંગમાં બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં વેચવાલીએ અને એચસીએલ ટેકનોલોજી, એનટીપીસી, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ તૂટીને નીચામાં ૪૧૫૦૩.૩૭ સુધી આવી અંતે ૪૧૬.૪૬ પોઈન્ટ તૂટીને ૪૧,૫૨૮.૯૧ બંધ રહ્યો હતો.
નિફટી પ્રથમ વખત ૧૨,૪૦૦ની સપાટી કુદાવી : ૧૨,૪૩૦ નવો ઈતિહાસ રચી અંતે ૧૨૮ પોઈન્ટ તૂટીને ૧૨,૨૨૫
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૩૫૨.૩૫ સામે ૧૨,૪૩૦.૫૦ મથાળે નવા વિક્રમ સાથે ખુલીને આરંભિક મજબૂતીમાં એફએમસીજી શેરોમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવરમાં લેવાલી અને ઓઈલ-ગેસ શેરોમાં બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા તેમ જ ભારતી એરટેલ, ગ્રાસીમ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, પાવર ગ્રીડ કોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં આકર્ષણ બાદ વધ્યામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસમાં ઓફલોડિંગ સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ સાથે ઓએનજીસી, વેદાન્તા, એચસીએલ ટેકનોલોજી, એનટીપીસી,અદાણી પોર્ટસ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૨,૨૧૬.૯૦ સુધી ખાબકી અંતે ૧૨૭.૮૦ પોઈન્ટ તૂટીને ૧૨,૨૨૪.૫૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૪૦૦નો કોલ ૪૪.૧૫ થી તૂટીને ૧૩.૧૦ : નિફટી ૧૨,૩૦૦નો પુટ ૩૭.૧૦ થી ઉછળીને ૮૭
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફરી ફંડો તેજીનો વેપાર હળવો કરતાં મંદીના ખેલાડીઓ ફરી સક્રિય બનતાં જોવાયા હતા. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૪,૨૩,૫૫૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૯,૪૬૫.૫૫ કરોડના કામકાજે ૪૪.૧૫ સામે ૬૪.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૫.૪૦ થઈ તૂટીને ૧૧.૭૫ સુધી આવી અંતે ૧૩.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૪,૧૭,૯૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૭૧૦.૪૫ કરોડના કામકાજે ૯૯.૫૦ સામે ૧૨૬.૮૫ મથાળે ખુલીને નીચામાં ૩૧.૨૫ સુધી પટકાઈ અંતે ૩૬.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો પુટ ૩,૯૧,૦૬૬ કોન્ટ્રેકટસમાં રૂ.૩૬,૨૫૭.૪૨ કરોડના કામકાજે ૩૭.૧૦ સામે ૨૯.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૨.૭૫ થઈ ઉછળીને ૯૭ સુધી પહોંચી અંતે ૮૭ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૩,૩૮,૯૫૫ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૦૮૦.૭૫ કરોડના કામકાજે ૧૫.૯૫ સામે ૧૪.૯૫ મથાળે ખુલીને નીચામાં ૮.૨૦ થઈ વધીને ૩૯.૯૦ સુધી પહોંચી અંતે ૩૬.૨૦ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૧,૭૨૩ થી તૂટીને ૩૧,૧૮૬ : નિફટી ફયુચર ૧૨,૩૮૪ થી તૂટીને ૧૨,૨૬૬
બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૮૨,૭૭૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૪૭૯.૭૭ કરોડના કામકાજે ૩૧,૭૨૩.૭૫ સામે ૩૧,૯૯૭.૬૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૧૨૬.૧૦ સુધી પટકાઈ અંતે ૩૧,૧૮૬ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૨૬,૭૪૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૬૯૮.૪૨ કરોડના કામકાજે ૧૨,૩૮૪.૬૫ સામે ૧૨,૪૧૩.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૪૧૯.૨૦ થઈ ઘટીને ૧૨,૨૫૨ સુધી આવી અંતે ૧૨,૨૬૬ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૨,૩૮,૯૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૪૧૨.૬૮ કરોડના કામકાજે ૧૫.૦૫ સામે ૧૩.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૬.૭૦ થઈ ઘટીને ૩.૮૦ સુધી આવી અંતે ૪ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૭.૦૫ સામે ૧.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૨૫ થઈ અંતે ૧૨.૯૫ રહ્યો હતો.
રિલાયન્સ ટેલીકોમ, રીટેલ સિવાય નબળી કામગીરીએ રૂ.૪૯ તૂટીને રૂ.૧૫૩૨ : માર્કેટ કેપમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો થયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ગત સપ્તાહના અંતે કંપનીએ જાહેર કરેલા ત્રીજા ત્રિમાસિકના પરિણામમાં રિલાયન્સ જીઓ અને રીટેલ બિઝનેસની સારી કામગીરી થકી કંપનીએ રૂ.૧૧,૬૪૦ કરોડનો રેકોર્ડ ચોખ્ખો નફો જાહેર કર્યા છતાં પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં કંપનીની આવક રૂ.૪૫,૬૧૯ કરોડની તુલનાએ ૧૯.૧ ટકા ઘટીને રૂ.૩૬,૯૦૯ કરોડ થતાં નબળી કામગીરીના કારણે ફંડોએ સાવચેતીમાં આજે પ્રોફિટ બુકિંગ કરતાં શેર રૂ.૪૮.૬૫ તૂટીને રૂ.૧૫૩૨ રહ્યો હતો. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પાંચ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
ટીસીએસના સ્થિર નફાનેગેટીવ લેખી ફંડોનું ઓફલોડિંગ : રૂ.૪૮ ઘટીને રૂ.૨૧૭૦ : એચસીએલ ટેકનો પણ ઘટયો
આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ટીસીએસ દ્વારા ગત સપ્તાહના અંતે જાહેર કરાયેલા ત્રીજા ત્રિમાસિકના પરિણામમાં કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૮૧૦૫ કરોડની તુલનાએ સ્થિર ૦.૨૦ ટકા વધીને રૂ.૮૧૧૮ કરોડ થતાં આ પરિણામને ફંડોએ નેગેટીવ લેખીને સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ કરતાં શેર રૂ.૪૭.૮૦ ઘટીને રૂ.૨૧૭૦.૨૫ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજીના પરિણામ પણ એકંદર સાધારણ રહેતાં શેર રૂ.૯.૬૦ ઘટીને રૂ.૫૮૯.૨૦ રહ્યો હતો.
કોટક મહિન્દ્રા બેંકનો નફો ૨૩.૬ ટકા વધીને રૂ.૧૫૯૬ કરોડ છતાં એસેટ ગુણવતા નબળી પડતાં શેર રૂ.૮૦ ઘટીને રૂ.૧૬૧૮
ખાનગી બેંકિંગ જાયન્ટ કોટક મહિન્દ્રા બેંક દ્વારા આજે જાહેર થયેલા ત્રીજા ત્રિમાસિકના પરિણામમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૨૩.૬ ટકા વધીને રૂ.૧૫૯૫.૯૦ કરોડ થતાં અને ચોખ્ખી વ્યાજ આવક ૧૭.૨ ટકા વધીને રૂ.૩૪૨૯.૫૩ કરોડ થયા છતાં બેંકની એસેટ ગુણવતા નબળી પડીને કુલ એનપીએ ૩૧.૧ ટકા વધીને રૂ.૫૪૧૩.૨૦ કરોડ થતાં અને ટકાવારીમાં કુલ એનપીએ ૨.૩૨ ટકાથી વધીને ૨.૪૬ ટકા થતાં અને બેંક દ્વારા જોગવાઈઓ અને કન્ટીજન્સીઝ ૮.૫ ટકા વધીને રૂ.૪૪૪ કરોડ કરવામાં આવતાં શેરમાં ફંડોની વેચવાલીએ રૂ.૭૯.૭૫ ઘટીને રૂ.૧૬૧૮.૦૫ રહ્યો હતો.
બેંકેક્સ ૫૯૫ પોઈન્ટ તૂટયો : બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એક્સીસ, પાવર ફાઈ., એલ એન્ડ ટી ફાઈ. ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની મોટાપાયે વેચવાલી થઈ હતી. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૯૫.૨૩ પોઈન્ટ તૂટીને ૩૫૪૪૦.૭૧ બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ રૂ.૭૯.૭૦ ઘટીને રૂ.૪૧૫૦.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૨.૯૫ ઘટીને રૂ.૧૨૫૪.૯૦, એક્સીસ બેંક રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૭૨૬.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૦૫ ઘટીને રૂ.૩૧૩.૯૫, એચડીએફસી લિમિટેડ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૨૪૫૧.૬૦, આરબીએલ બેંક રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૨૮.૦૫, સિટી યુનિયન બેંક રૂ.૫.૨૫ ઘટીને રૂ.૨૩૮.૮૫, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૯.૬૫ તૂટીને રૂ.૧૧૨.૩૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૧૧૮.૧૫, રેલીગેર રૂ.૧.૮૫ ઘટીને રૂ.૪૬.૫૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૨૯૪.૪૦, બિરલા મની રૂ.૧.૦૫ ઘટીને રૂ.૩૫.૯૫,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૩૫૦.૮૦, ઉજ્જિવન ફાઈનાન્સ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૩૩૦.૫૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૮૬૧.૨૦, ઓરિએન્ટલ બેંક રૂ.૧.૨૦ ઘટીને રૂ.૫૪.૧૦ રહ્યા હતા.
ક્રુડ બ્રેન્ટ ૬૫.૩૫ ડોલર : ઓટો શેરોમાં અપોલો ટાયર, બોશ, ટીવીએસ મોટર, મધરસન, હીરો, એમઆરએફ, મારૂતી ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ લીબીયા અને ઈરાકમાં ક્રુડનો પુરવઠો અટકતાં બ્રેન્ટના ભાવ બેરલ દીઠ વધીને ૬૬ ડોલર નજીક પહોંચી આજે સાંજે ૬૫.૩૫ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૩૨ સેન્ટ વધીને ૫૮.૮૬ ડોલર નજીક રહ્યા હતા. ક્રુડના ભાવ વધતાં ફરી પેટ્રોલ, ડિઝલ મોંઘા બનવાની શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. અપોલો ટાયર રૂ.૬ ઘટીને રૂ.૧૭૩.૯૫, બોશ રૂ.૪૨૪.૬૦ ઘટીને રૂ.૧૪,૯૬૩.૬૫, ટીવીએસ મોટર રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૪૭૧.૮૫, મધરસન સુમી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૩૭.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૩૫.૬૦ ઘટીને રૂ.૨૪૧૬.૭૦, એમઆરએફ રૂ.૮૮૩.૧૫ ઘટીને રૂ.૬૮.૪૯૭.૩૫, ટાટા મોટર્સ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૯૫.૦૫, મારૂતી સુઝુકી રૂ.૭૮.૧૦ ઘટીને રૂ.૭૪૪૬.૪૫, બજાજ ઓટો રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૩૧૦૪.૪૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પસંદગીની તેજી : ટેસ્ટીબાઈટ, ટાટા કોફી, આઈટીસી, ટાટા ગ્લોબલ, ગોદરેજ, હિન્દુસ્તાન યુનલિવર વધ્યા
એફએમસીજી શેરોમાં આજે સતત પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ટેસ્ટી બાઈટ રૂ.૩૪૧.૪૦ વધીને રૂ.૮૯૪૪.૭૦, ટાટા કોફી રૂ.૧.૨૫ વધીને રૂ.૧૦૦.૬૦, આઈટીસી રૂ.૨.૦૫ વધીને રૂ.૨૪૧.૯૦, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૨.૬૦ વધીને રૂ.૩૮૨.૯૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૪.૩૦ વધીને રૂ.૭૪૮.૦૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩.૪૫ વધીને રૂ.૨૦૬૨.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલી : ૧૩૧૭ શેરો નેગેટીવ બંધ : ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ
સેન્સેક્સ-નિફટીમાં નરમાઈ સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં પણ સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૧૪ અને ઘટનારની સંખ્યા ૯૩૧ રહી હતી. ૧૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
DIIની કેશમાં રૂ.૧૪૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી : FPIs/FIIનીરૂ.૬ કરોડની કેશમાં ચોખ્ખી ખરીદી એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં રૂ.૫.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦૫૦.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૦૪૪.૩૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૪૧૯.૮૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૩૩૨.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૭૫૨.૧૩ કરોડની વેચવાલી થઈ હતી.