ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા 'સેબી'ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે
SEBI News : ભારતીય શેર બજારોમાં લેભાગુઓ દ્વારા ભોળા, અશિક્ષિત લોકોને ભરમાવવા અને રીતસર તેમની મૂડી લૂંટી લેવા ગોઠવાતા કારસામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ મોટાપાયે થવા લાગ્યો હોઈ હવે આવા લેભાગુઓની કાર્યવાહીને અંકુશમાં લેવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પ્રચલિત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે સીધા જ હાથ મિલાવી સહયોગ સાધવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. આ યોજનાના ભાગરૂપ સેબી ફિનફ્લુએન્સર્સ પર કાર્યવાહી કરવા માટે ટેલિગ્રામ, યુ ટયુબ અને મેટા જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાણ કરવાની તજવીજમાં હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
ફિનફ્લુએન્સર્સ તરીકે ઓળખાતા બિન-નોંધાયેલા એટલે કે નોન-રજીસ્ટર્ડ ફાઈનાન્શિયલ એડવાઈઝર્સ-નાણાકીય સલાહકારો દ્વારા શેર કરવામાં આવતી સામગ્રી-માહિતી શેર કરવાનું બંધ કરવા કહેવામાં આવશે. આ વિશે એક રિપોર્ટ મુજબ આમાં મોટાભાગના પ્લેટફોર્મ્સે સેબીના આદેશોનું પાલન કરવા સંમતિ આપી છે અને તેથી, સામગ્રી નિર્માતાઓની અધિકૃતતા તપાસશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ્સ નિયમનકાર સાથે રજીસ્ટર્ડ ન હોય તેવા લોકો દ્વારા શેર કરવામાં આવતી સામગ્રી-માહિતીને દૂર કરવાના પગલાં પર પણ કામ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, નિયામક તંત્ર નિયમનકારી સંસ્થાઓને કહેશે કે તેઓ એવા પ્લેટફોર્મ સાથે વ્યવસાય ન કરે જે નિયમનકારના આદેશનું પાલન ન કરે. સેબીની નિયમનકારી શક્તિનો ઉપયોગ નિયમનકારી સંસ્થાઓને આ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાણ કરવા અને વ્યવસાય કરવાથી રોકવા માટે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉના સેબીએ ગત વર્ષે સમાન આદેશ પસાર કર્યો હતો, જ્યારે સેબીએ નિયમનકારી સંસ્થાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ વ્યવહારો માટે બિન-રજીસ્ટર્ડ ફિનફ્લુએન્સર્સ સાથે જોડાણ ન કરવા કહ્યું હતું. જેમાં નાણાકીય વ્યવહાર, ક્લાયન્ટનો રેફરલ, આઈટી સિસ્ટમ્સની ક્રિયા પ્રતિક્રિયા અથવા સમાન પ્રકૃતિના કોઈપણ અન્ય સંગઠનનો સમાવેશ થાય છે. જેના કારણે ફિનફ્લુએન્સર્સ દ્વારા રજિસ્ટર્ડ રોકાણ સર્વિસિઝ અથવા પ્રોડક્ટસ અથવા પ્રમોશન બંધ કરવામાં આવ્યું હતું. બિન-રજીસ્ટર્ડ નાણાકીય સલાહકારોની સ્પોન્સરશિપ આવક છીનવાઈ ગઈ હતી.
સેબી ફિનફ્લુએન્સર્સને નિયમકારી દાયરામાં લાવવા માંગે છે, આ પ્લેટફોર્મ વપરારાશકર્તાઓને રોકાણ સંબંધિત જાહેરાતો વિશે ચેતવણી આપે છે. દાખલા તરીકે 26, જૂનના રોજ જાહેર કરાયેલી નવીનતમ સર્વિસિઝની શરતો મુજબ, મેટા- જે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવે છે, એ તેના પ્લેટફોર્મ પર બધી સિક્યુરિટીઝ અને રોકાણ સંબંધિત જાહેરાતો માટે જાહેરાતો પોસ્ટ કરતા પહેલા ચકાસણી કરવા કહ્યું છે. અત્રે એ નોંધવું રહ્યું કે, સેબીમાં ફક્ત બે ટકા ઈન્ફલુએન્સર્સ રજીસ્ટર્ડ છે, જે ખોટી માહિતી અને નિયમનકારી દેખરેખ અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. આ ઉપરાંત લગભગ 8 ટકા રોકાણકારોએ કહ્યું કે તેઓ એક સમયે ગેરમાર્ગે દોરાયા હતા અથવા છેતરપિંડીનો ભોગ બન્યા હતા.