કાર્વિ સ્ટોક બ્રોકિંગના ધિરાણદારોને કોઈપણ રાહત આપવાનો સેબીનો ઈન્કાર
- ધિરાણદારોએ બરોબર ડયુ ડીલિજન્સ ચકાસણી કરી નહોતી
મુંબઈ, તા. 14 ડિસેમ્બર, 2019, શનિવાર
કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડના ચાર ધિરાણદારો બજાજ ફાઈનાન્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને ઈન્ડસઈન્ડ બેંકને કોઈપણ રાહત આપવાનો મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ ઈન્કાર કર્યો છે. નેશનલ સિક્યુરિટીઝ ડીપોઝિટરી લિમિટેડ(એનએસડીએલ) દ્વારા શેરો ક્લાયન્ટસ એકાઉન્ટોમાં ગીરો શેરો ટ્રાન્સફર કરાતાં ધિરાણદારોએ આ ગીરો શેરો પરનો અંકુશ ગુમાવ્યો હતો.
ટ્રાન્સફર બાદ ટૂંક સમયમાં જ ધિરાણદારોએ ૨,ડિસેમ્બરના આ સંબંધિત શેરોના ટ્રાન્સફરને રિવર્સ કરવા માંગ કરતી અપીલ સિક્યુરિટીઝ અપેલેટ ટ્રીબ્યુનલ(સેટ)માં કરી હતી. સેટ દ્વારા રીવર્સલને અનટેનેબલ બતાવી આ મામલે ધિરાણદારોની અરજ ધ્યાનમાં લેવા સેબીને મેટર સોંપી હતી. સેબીએ શુક્રવારના આદેશમાં જણાવ્યું હતું કે સેબીને જણાયું છેકે તમામ ગીરો શેરો ક્લાયન્ટ એકાઉન્ટોમાંથી આવ્યા હતા અને ધિરાણદારોએ યોગ્ય ડયુ ડીલિજન્સ-ચકાસણી કરી નહોંતી.
જ્યારે શેરો સામે લોન આપવામાં આવી હતી ત્યારે બેંકોએ એ જાણ્યું નહોંતું કે મોટાભાગના ગીરો શેરો પ્રોપરાઈટરી એકાઉન્ટમાંથી નથી આવ્યા, પરંતુ નોન-હાઉસ એકાઉન્ટમાંથી આવ્યા છે. જેમાં સેબીને ધિરાણદારોની લાપરવાહી જણાઈ છે અને કાર્વિ દ્વારા ગીરો મૂકાયેલા શેરો બ્રોકિંગ હાઉસના પોતાના હોવાનું માનીને લોન અપાઈ હતી.
ચાર ધિરાણદારો બજાજ ફાઈનાન્સે રૂ.૩૪૫ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬૪૨ કરોડ, એચડીએફસી બેંકે રૂ.૨૦૮ કરોડ અને ઈન્ડસઈન્ડ બેંકે રૂ.૧૫૯ કરોડની લોન રૂ.૨૮૭૩ કરોડના મૂલ્યના ગીરો શેરો સામે આપી હતી. આ ગીરો શેરોનો આંક નવેમ્બર ૨૦૧૯માં ઘીટને રૂ.૨૩૧૯ કરોડ થયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૨,નવેમ્બરના આદેશથી સેબીએ કાર્વિને નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગ્રાહકો વતી ટ્રેડીંગ કરવા એકટીવ રહેવા મનાઈ ફરમાવી હતી. કાર્વિએ કોઈપણ સત્તા વિના વિવિધ ધિરાણદારોને ક્લાયન્ટોની સિક્યુરિટીઝ ગીરવે મૂકી દુરૂપયોગ કર્યો હતો.
આ સિક્યુરિટીઝ કાર્વિ દ્વારા બેંકો પાસેથી ફંડ ઊભું કરવા કરાયો હતો અને કેટલીક સિક્યુરિટીઝ વેચી દેવાઈ હતી, અને નાણા રિયલ એસ્ટેટ કંપની કાર્વિ રિયાલ્ટી લિમિટેડને ટ્રાન્સફર કરાયા હતા. કાર્વિ સ્ટોક બ્રોકિંગ દ્વારા ૯૫૦૦૦થી વધુ ગ્રાહકોની રૂ.૨૩૦૦ કરોડ જેટલી રકમની સિક્યુરિટીઝ ગેરકાયદે ગીરો મૂકીને પોતાના-ગુ્રપની કંપનીઓના અંગત ઉપયોગ માટે ફંડ ઊભું કર્યાનું એનએસઈના ઈન્ટરીમ રીપોર્ટમાં જણાવાયું હતું.