F&O માં ફરી આકરાં પગલાં ભરવાની સેબીની હિલચાલ
- અગાઉ ઓકટોબર ૨૦૨૪માં સેબીએ પગલાં ભર્યા હતા
મુંબઈ : ડેરિવેટીવ્ઝ-ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં ટ્રેડિંગની લત્તે ચડીને દેશનો બજારમાં પ્રવેશતો નવો યુવા વર્ગ ખુવાર થઈ રહ્યો હોવાનું અને નુકશાની કરીને બરબાદ થઈ રહ્યો હોવાના ચોંકાવનારા આંકડા છતાં હજુ ઘણા લોકોમાં આ કેસોનોની લત્ત હજુ છુટી નહીં હોવાનું જાણવા મળે છે.
હજુ આ સેગ્મેન્ટમાં વ્યક્તિગત રીતે અનેક લોકો ટ્રેડિંગ કરીને પાયમાલ થઈ રહ્યા હોવાનું જાણી મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ફરી એકશનમાં આવ્યું છે.
સેબી આ ટ્રેન્ડને જોઈ ચિંતિત બન્યાનું અને ટ્રેડિંગ પ્રવૃતિની ફરી ચકાસણી કરી રહી હોવાનું સૂત્રો જણાવે છે. ઉલ્લેખનીય છે કે, ઓકટોબર ૨૦૨૪માં સેબીએ ઈક્વિટી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) તરીકે ઓળખાતા ઈક્વિટી ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝમાં ટ્રેડિંગ પ્રવૃતિ સખ્ત બનાવવા છ પગલાં જાહેર કર્યા હતા.
જેમાં ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માટે કોન્ટ્રેક્ટ સાઈઝમાં વધારો, સાપ્તાહિક ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ પ્રોડક્ટસમાં ઘટાડો, ઓપ્શન્સ એક્સપાયરીના દિવસે જોખમ કવરેજમાં વધારો કરવા સહિતનો સમાવેશ હતો.
આ સેગ્મેન્ટમાં ગત વર્ષે નવા માપદંડો, પગલાં જાહેર કર્યા બાદ સેબીએ ડિસેમ્બર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ પ્રવૃતિની સમીક્ષા કરી હતી. સેબીની સમીક્ષા દર્શાવે છે કે, વાર્ષિક ધોરણે, વ્યક્તિગત ઈન્ડેક્સ ઓપ્શન્સ વોલ્યુમમાં પ્રીમિયમની રીતે પાંચ ટકાનો ઘટાડો અને નોશનલની રીતે ૧૬ ટકાનો ઘટાડો થયો છે.
જો કે, બે વર્ષ અગાઉની તુલનાએ ઈન્ડેક્સ ઓપ્શન્સ વોલ્યુમમાં પ્રીમિયમની રીતે ૩૪ ટકા વધારો અને નોશનલની રીતે ૯૯ ટકા વધારો થયો છે. સેબી સતત ટ્રેડિંગ પ્રવૃતિ પર નજર રાખી રહ્યું છે અને એની ફરી સમીક્ષા કરવા જઈ રહ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.