ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત
- એક્સપાયરી દિવસે ઓપ્શન ટ્રેડિંગ વોલેટીલિટીમાં વધારો કરે છે અને અંધાધૂંધ ટ્રેડિંગ તરફ દોરી જઈ ભાવ રચનામાં વિશ્વાસને નબળો પાડે છે
- ટ્રેડરોને લાગેલી લત્ત અને નુકશાનીનો આંકડા ચિંતાજનક
કોલકતા : એક તરફ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનો-જુગારની લત્તે લાગીને દેશની યુવા પેઢી જંગી નુકશાની કરીને બરબાદ થઈ રહી છે, ત્યારે ભારતીય શેર બજારોમાં ટૂંકાગાળાના એટલે કે ટૂંકી મુદ્દતના ફયુચર્સ એન્ડ ઓપ્શન (એફ એન્ડ ઓ) કોન્ટ્રાક્ટસમાં જંગી વોલ્યુમ મામલે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના પૂર્ણકાલીન સભ્ય અનંત નારાયણે ચિંતા વ્યક્ત કરી છે.
સેબી મેમ્બરે આ ચિંતાને લઈ એફ એન્ડ ઓમાં પ્રોડક્ટસ અને સોલ્યુશન્સની મુદ્દત અને પાકતી તારીખ લંબાવવાનું અને એના થકી એફ એન્ડ ઓ માર્કેટની ગુણવતા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ એવું સૂચવ્યું છે.
કોલકાતા ખાતે સીઆઈઆઈના ૧૧માં કેપિટલ માર્કેટસ કોન્કલેવમાં નારાયણે જણાવ્યું હતું કે, ''ઘણા નિષ્ણાતોએ નિર્દેશ કર્યો છે, તેમ આપણું ભારતીય ડેરિવેટીવ માર્કેટ ઈકોસિસ્ટમ એકદમ અનોખું છે, જેમાં એક્સપાયરી દિવસોમાં, ઈન્ડેક્સ ઓપ્શન્સમાં તુલનાત્મક ટર્નઓવર ઘણીવાર કેશ માર્કેટના ટર્નઓવર કરતાં ૩૫૦ ગણું કે તેથી વધુ હોય છે. આ અસંતુલન સ્પષ્ટપણે બિનઆરોગ્યપ્રદ છે, જેના ઘણા સંભવિત પ્રતિકૂળ પરિણામો આવી શકે છે.''
સંશોધન સૂચવે છે કે, એક્સપાયરી દિવસે ઓપ્શન ટ્રેડિંગ બજારની અસ્થિરતામાં વધારો કરે છે અને આ વોલેટિલિટી વચ્ચે થતાં ટ્રેડિંગના ઘમાસાનમાં સંભવિત રીતે ભાવ રચનામાં વિશ્વાસ નબળો પડી શકે ચે. લાંબાગાળાના ડેરિવેટીવ્ઝથી વિપરીત ઈન્ડેક્સ ઓપ્શન્સમાં એક્સપાયીર દિવસે ટ્રેડિંગ જેવા ટૂંકાગાળાના ડેરિવેટીવવ્ઝ પ્રોડક્ટસ મૂડી રચનામાં ઘટાડો કરી શકે છે, એમ તેમણે વધુ કહ્યું હતું. આ સાથે તેમણે નિયમનકાર દ્વારા કેશ ઈક્વિટી માર્કેટને વધુ ગુઢ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ એવું સૂચવ્યું હતું.