જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ : રૂ.4840 કરોડ જપ્ત કરાશે
- જેન સ્ટ્રીટે જાન્યુ. ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ડેરિવેટીવ્ઝ અને કેશ માર્કેટમાં ટ્રેડિંગ કરીને કુલ રૂ.૩૬૫ અબજ એટલે કે ૪.૩ અબજ ડોલર નફો મેળવ્યો હતો
- જેન સ્ટ્રીટના સ્થાનિક ટ્રેડિંગ પાર્ટનર નુવામા વેલ્થ મેનેજમેન્ટનો શેર આજે ૧૧ ટકા તૂટયો
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ એક્શનમાં આવીને ભારતીય બજારોમાંથી ગેરકાયદે મોટી કમાણી કરવાના હથકંડા અપનાવતી વિદેશી કંપનીઓને પણ દંડિત કરી કડક કાર્યવાહી કરી છે.કથિત રીતે ઈન્ડેક્સ મેનીપ્યુલેશન માટે જેન સ્ટ્રીટ ગુ્રપ એલએલસીને સ્થાનિક સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશવાથી મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરી છે, જેના કારણે બે વર્ષથી વધુ સમયમાં ભારતમાં ૪.૩ અબજ ડોલરનો ટ્રેડિંગ નફો કરનારી અમેરિકી કંપનીને મોટો ફટકો પડયો છે.
સેબીએ આ મામલે જણાવ્યું છે કે, જેન સ્ટ્રીટ પાસેથી ૪૮.૪ અબજ(રૂ.૪૮૪૦ કરોડ) રૂપિયા એટલે કે ૫૭ કરોડ અમેરિકી ડોલર જપ્ત કરવામાં આવશે, જેનો દાવો સેબીએ કંપની દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર નફાની કુલ રકમ છે, એમ નિયામક તંત્રના બોર્ડ મેમ્બર અનંત નારાયણ દ્વારા સેબીની વેબસાઈટ પર ૧૦૫ પાનાના વચગાળાના આદેશમાં જણાવાયું છે. જેન સ્ટ્રીટે કહ્યું છે કે, તે આ તારણોનો વિરોધ કરે છે. જેન સ્ટ્રીટ વિશ્વના કોન્ટ્રેક્ટસની રીતે સૌથી મોટા ડેરિવેટીવ્ઝ માર્કેટ ભારતમાં સૌથી સક્રિય વિદેશી ખેલાડીઓમાં એક છે. સેબીનો આદેશ વિદેશી એન્ટિટી સામે આવી કાર્યવાહીનો દુર્લભ દાખલો છે.
પાછલા વર્ષે મિલેનિયમ મેનેજમેન્ટ સાથેની કોર્ટ લડાઈમાં ભારતીય ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં એક અબજ ડોલરના ટ્રેડિંગમાં કમાણી થયાનું બહાર આવ્યા બાદ અમેરિકા સ્થિત માર્કેટ મેકરના ભારતમાં કામકાજ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડે આ વર્ષની શરૂઆતમાં આ પેઢી દ્વારા અનિયમિત ટ્રેડિંગની એક અલગ તપાસ બંધ કર્યા બાદ પણ આ મામલામાં જાહેર કરાયેલી અન્ય વિગતોએ સેબીને તપાસ શરૂ કરવામાં મદદ કરી હતી, જે ચાલુ રહી હતી.
સેબીના આદેશ મુજબ, જેન સ્ટ્રીટે જાન્યુઆરી ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ભારતીય ડેરિવેટીવ્ઝ અને કેશ માર્કેટમાં ટ્રેડિંગ કરીને કુલ ૩૬૫ અબજ રૂપિયા એટલે કે ૪.૩ અબજ ડોલર જેટલો નફો મેળવ્યો હતો. દરમિયાન બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, સેબીએ વૈશ્વિક હાઈ ફ્રિક્વન્સિ ટ્રેડિંગ જાયન્ટોને સંદેશ આપ્યો છે કે, અહીં ટ્રેડિંગ કરવા માટે તમારૂ સ્વાગત છે, પરંતુ જો તમે અન્યાયી નીતિ-રીતિ અપનાવો છો તો અમે પણ પગલાં લેવા અડગ છીએ. આ દરમિયાન જેન સ્ટ્રીટના સ્થાનિક ટ્રેડિંગ પાર્ટનર નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડનો શેર આજે શેર બજારોમાં ૧૧ ટકા જેટલો તૂટયો હતો.
સેબીનો આરોપ છે કે, સાપ્તાહિક ઈન્ડેક્સ ઓપ્શન્સ એક્સપાયરી દિવસોમાં, જેન સ્ટ્રીટે ફયુચર્સ તેમ જ કેશ માર્કેટમાં ભાવની ક્રિયાને પ્રભાવિત કરવા માટે મોટી માત્રામાં ભંડોળનો ઉપયોગ કર્યો હતો, જ્યાં વોલ્યુમ પ્રમાણમાં ઓછું હોય છે. જેના કારણે તે મોટી સંખ્યામાં નાના વ્યક્તિગત ટ્રેડરોને ગેરમાર્ગે દોરીને અને લલચાવીને અત્યંત લિક્વિડ ઈન્ડેક્સ ઓપ્શન્સ માર્કેટમાં નોંધપત્ર રીતે મોટી અને નફાકારક સ્થિતિઓ સ્થાપિત કરી શક્યું.
આ બાબતથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, નિયામક તંત્રએ આ વર્ષે જાન્યુઆરીમાં જ જેન સ્ટ્રીટને આવી ટ્રેડિંગ પ્રથાઓ ટાળવા ચેતવણી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મે મહિનામાં પણ ટ્રેડિંગ વ્યુહરચનાનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. સેબીએ જણાવ્યું છે કે, વિગતવાર તપાસ બાકી હોવાથી, જેન સ્ટ્રીટ ગુ્રપ એન્ટિટીઓને તાત્કાલિક સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે અને તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યુરિટીઝ ખરીદવા, વેચવા અથવા અન્ય વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
વચગાળાના આદેશ મુજબ, બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ખાતરી કરે કે સંસ્થાઓ દ્વારા વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે રાખવામાં આવેલા ખાતાઓના સંદર્ભમાં સેબીની પરવાનગી વિના કોઈ ડેબિટ ન થાય. સેબીએ એમ પણ કહ્યું છે કે, જો જેન સ્ટ્રીટ ભારતમાં કોઈ નિયુક્ત બેંકમાં એસ્ક્રો ખાતામાં ઉપરોક્ત રકમ જમા કરાવે તો પ્રતિબંધ હટાવી શકાય છે. જેન સ્ટ્રીટ સેબીના વચગાળાના આદેશના તારણોનો વિરોધ કરે છે અને આ મામલે નિયમનકાર સાથે વધુ વાતચીત કરશે એવા અહેવાલ છે.
સેબીએ જણાવ્યું છે કે, કંપની આદેશ મળ્યાના ૨૧ દિવસની અંદર નિયમનકારના પ્રાથમિક અવલોકનોનો વિરોધ કરી શકે છે. સેબીએ જેન સ્ટ્રીટ એન્ટિટીઓને ઓર્ડરની તારીખથી ત્રણ મહિનાની અંદર અથવા આવા કોન્ટ્રાક્ટની સમાપ્તિ-એક્સપાયરી પર, જે વહેલું હોય તે, એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટીવ કોન્ટ્રેકટમાં તેમની પાસે રહેલી કોઈપણ ઓપન પોઝિશન સમેટવા અથવા સ્કવેરઓફ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
સેબીના જેન સ્ટ્રીટ સામે પગલાંના મુખ્ય અંશો
(૧) સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જેન સ્ટ્રીટ ગુ્રપ એલએલસી પર સ્થાનિક સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવાથી અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ઈન્ડેક્સમાં છેડછાડ અને કથિત ૪૮.૪ અબજ રૂપિયાનો ગેરકાયદેસર લાભ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
(૨) સેબીના આદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેન સ્ટ્રીટે ફયુચર્સ અને કેશ માર્કેટમાં ભાવ નિર્ધારણને પ્રભાવિત કરવા માટે મોટાપ્રમાણમાં ભંડોળનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તે ઈન્ડેક્સ ઓપ્શન્સ માર્કેટમાં નફાકારક ટ્રેડિંગ કરી શક્યું હતું.
(૩) નિયામક તંત્રની કાર્યવાહીને વૈશ્વિક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડીંગ કંપનીઓ માટે સંદેશ તરીકે જોવામાં આવે છે કે, અન્યાયી પ્રથાઓ ચલાવી દેવામાં આવશે નહીં, અને સ્થાનિક ખેલાડીઓ માટે સમાન રમતનું મેદાન બનાવવાનો હેતુ જ રહેશે.