ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો
Silver Demand: વિશ્વભરમાં સોના માટે પ્રખ્યાત સાઉદી અરેબિયાનું કિંમતી ધાતુ પ્રત્યેનું વલણ બદલાયું હોવાનો સંકેત મળ્યો છે. સાઉદી અરેબિયાએ સોનાના બદલે ચાંદીની ખરીદી વધારી છે. આ ખરીદી ચાંદીના ઘરેણાં, સિક્કા સુધી સીમિત રહી નથી. નવા પ્રકારના વેપારનો મહત્ત્વનો ભાગ બની ચૂકી છે. સોલાર પેનલથી માંડી ઈલેક્ટ્રિક ગાડીઓ, મોબાઈલ ફોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મશીનોમાં ચાંદીના વધી રહેલા ઉપયોગના કારણે વિશ્વભરમાં ચાંદીની માગ ઝડપથી વધી રહી છે.
સાઉદી અરેબિયાએ હાલના વર્ષોમાં ચાંદીની ખરીદી વધારી છે. જે મુખ્ય રૂપે આર્થિક વૈવિધ્યતા, ઔદ્યોગિક માગ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસને આભારી છે. નોંધનીય છે, સાઉદી 2030 સુધી ક્રૂડ પર નિર્ભરતા ઘટાડી હવે ન્યૂ એનર્જી અને ટેક્નોલોજી સેક્ટરમાં રોકાણ વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ચાંદી ભવિષ્યની ઉર્જા ક્રાંતિની કરોડરજ્જુ
સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેન્કના આંકડાઓ ચોંકાવનારા છે. એક તરફ દેશ ક્રૂડથી આગળ વધી વિઝન 2030 હેઠળ નવી અર્થવ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે. બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક સોના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. જે ભવિષ્યની અર્થવ્યવસ્થા જે ધાતુઓ પર નિર્ભર રહેશે, તેમાં હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાંદીની વૈશ્વિક માગમાં 50 ટકાથી વધુ હિસ્સો ઔદ્યોગિક ક્ષેત્રે જોવા મળી છે. સોલાર પેનલ, ઈવી, બેટરી, 5જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં ચાંદીનો વપરાશ વધ્યો છે. સાઉદી અરેબિયા પણ NEOM જેવા મેગા પ્રોજેક્ટ્સ અને ગીગા સોલાર ફાર્મ પર કામ કરી રહ્યું છે. ચાંદી ભવિષ્યની ઉર્જા ક્રાંતિની કરોડરજ્જુ બની છે. દાયકાના અંત સુધી ચાંદીનું 30 ટકાથી વધુ ઉત્પાદન ગ્રીન ટેક્નોલોજીમાં થશે. જે પોતાની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરી રહ્યું છે, તેમજ ઔદ્યોગિક ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યું છે.
સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય
ભવિષ્યમાં ચાંદી વિવિધ ઉદ્યોગોમાં મહત્ત્વની સંપત્તિ બનવા જઈ રહી હોવાથી સાઉદી અરેબિયાનું આ વલણ રોકાણકારો સુધી સીમિત રહ્યુ નથી. સેન્ટ્રલ બેન્ક દ્વારા પણ ખરીદી વધારવામાં આવી છે. તદુપરાંત અન્ય દેશોની સંસ્થાઓ અને સેન્ટ્રલ બેન્કોએ પણ ચાંદીમાં રોકાણ વધાર્યું છે. પરિણામે ચાંદીના ભાવ વધવાની વકી છે.
ચાંદીના ભાવ 40 ટકા ઉછળ્યા
ચાંદીના ભાવ ચાલુ કેલેન્ડર વર્ષમાં 40 ટકા સુધી ઉછળ્યા છે. ફુગાવો, નબળો ડોલર તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓના પગલે કિંમતી ધાતુમાં હેજિંગ વધ્યું છે. હેલ્થકેર, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી સહિતના સેક્ટરમાં માગ વધતાં ચાંદીની કિંમતો સતત વધી છે.