Get The App

સહારામાં તમારા પણ પૈસા ફસાયા છે, તો પાછા મળવાની શક્યતા! સુપ્રીમ કોર્ટનો સંપત્તિ વેચીને ચૂકવવાનો આદેશ

Updated: Sep 4th, 2024

GS TEAM


Google News
Google News
sahara group


Supreme Court Orders Sahara To Refund Money Of Investors: લાખો રોકાણકારોની જેમ તમારી મૂડી પણ સહારા ઈન્ડિયાની સેવિંગ સ્કીમ્સમાં ફસાયેલી છે, તો તમારા માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને ફટકાર લગાવતાં રોકાણકારોના પૈસા પરત કરવામાં વિલંબ ન કરવા અને ગ્રુપની સંપત્તિ વેચી મૂડી પરત કરવા આદેશ કર્યો છે. કોર્ટે સેબી-સહારા રિફંડ ખાતામાં રૂ. 10 હજાર કરોડ જમા કરાવવા આદેશ કર્યો છે.

એકાઉન્ટમાં રૂ. 10 હજાર કરોડ જમા કરાવવા આદેશ

સુપ્રીમ કોર્ટે લોકોના ફસાયેલા રૂપિયા પરત કરવા માટે સહારા ગ્રુપને સેબી-સહારા એકાઉન્ટમાં રૂ. 10 હજાર જમા કરાવવા આદેશ કર્યો છે. જેના માટે તે ગ્રુપની સંપત્તિ વેચી શકે છે, તેના પર કોઈ પ્રતિબંધ લાગુ નથી. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ, 2012ના રોજ આદેશ આપ્યો હતો કે, સહારા ગ્રુપની કંપનીઓ SIRECL અને SHICL વ્યક્તિગત રોકાણકારો તથા રોકાણકારોના ગ્રુપ પાસેથી એકત્રિત કરેલી રકમ વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે સેબીને પરત આપે.

સહારા ગ્રુપને ઠપકો આપ્યો

સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને કોર્ટના નિર્દેશાનુસાર રકમ જમા ન કરાવવા પર નારાજગી વ્યક્ત કરતાં ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, મેમ્બરશીપની રકમ જમા થયાની તારીખથી 3 મહિનાની અંદર રિ-પેમેન્ટની તારીખ સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

ત્રણ જજોની બેન્ચે સહારા ગ્રુપને પોતાની સંપત્તિઓ વેચી રોકાણકારોને મૂડી પરત કરવા નિર્દેશ કર્યો છે. જો કે, જસ્ટિસ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે સ્પષ્ટતા કરી કે, આ સંપત્તિઓના સર્કિલ રેટ કરતાં ઓછી કિંમતે વેચી શકાશે નહીં, અને આવી સ્થિતિમાં કોર્ટની મંજૂરી લેવાની જરૂર છે.

10 વર્ષ થયા, સહારાએ આદેશ માન્યો નહીં

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, 10 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યુ નથી. એવામાં હવે રોકાણકારોને સહારા ઈન્ડિયાની કંપનીઓમાં ફસાયેલા નાણાં પરત મળવાની આશા છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સહારા ગ્રુપના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રકમ પરત કરવામાં વિલંબ અંગે કહ્યું હતું કે, કંપનીને પોતાની સંપત્તિ વેચવાની તક મળી નથી.

ત્રણ કરોડ રોકાણકારોએ મોટી રકમ જમા કરી હતી

સહારા ગ્રુપની ચાર કો-ઓપરેટિવ સોસાયટીમાં આશરે 3 કરોડ રોકાણકારોએ મોટી રકમ જમા કરાવી હતી. જેમાં સૌથી વધુ રોકાણકારો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી છે, પરંતુ રોકાણની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ લોકોને રિટર્ન તો દૂર મૂડી પણ પરત મળી ન હતી. આ ચાર કો-ઓપરેટિવમાં સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પજ સોસાયટી લિમિટેડ, ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટવ સોસાયટી લિમિટેડ, સ્ટાર્સ મલ્ટીપર્પજ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સામેલ છે.

સહારામાં તમારા પણ પૈસા ફસાયા છે, તો પાછા મળવાની શક્યતા! સુપ્રીમ કોર્ટનો સંપત્તિ વેચીને ચૂકવવાનો આદેશ 2 - image

Tags :