સોનામાં 'સેફ હેવન બાઈંગ'ના પગલે તીવ્ર ઉછાળો
- ચાઈનીઝ કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં ફેલાતાં માર્કેટ ડામાડોળ
- વૈશ્વિક શેરબજારો તૂટતાં સોના- ચાંદી વધી ગયા: ક્રુડના ભાવ 61 ડોલરની અંદર: કોપરે 6000 ડોલરની સપાટી ગુમાવી
- ચાંદી પણ ઉંચકાઈ: ક્રુડ તથા કોપર ગબડયા
મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઉછાળો જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઓવરનાઈટ ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. ચીનમાં ઘાતક વાયરસનો ઉપદ્રવ વધતાં તથા આવો કાતિલ વાયરસ અન્ય દેશોમાં પણ ફેલાતાં વૈશ્વિક સ્તરે વિવિધ દેશોના શેરબજારોમાં ગાબડા પડયા છે તથા સામે સોનાના ભાવ ઉછળ્યા છે. સોનામાં ફંડવાળા બાયર રહ્યા હતા. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં સલામત રોકાણ સ્વરૂપની માગ વધ્યાના સમાચાર મળ્યા હતા.અમેરિકાના શેરબજારમાં ઓવરનાઈટ ઘટાડામાં ઓક્ટોબર ૨૦૧૯ પછીનો સૌથી મોટો દૈનિક ઘટાડો જોવા મળ્યો હતો. આની સામે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૫૫૯.૯૦ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતે ૧૫૭૨થી ૧૫૭૩ ડોલર બોલાયાના સમાચાર હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે સોના ચાંદીના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૯૯૯૬ વાળા વધી રૂ.૪૦૩૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૧૫૭ વાળા ઉછળી રૂ.૪૦૪૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૪૬૧૪૫ વાળા ઉછળી રૂ.૪૭૦૦૦ બોલાયા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી આશરે રૂ.૮૦૦ ઉંચા બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૭.૮૨ ડોલરવાળા ઉંચકાઈ ૧૮ ડોલર વટાવી સપ્તાહના અંતે ૧૮.૧૩થી ૧૮.૧૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, પ્લેટીનમના ભાવ વધી ૧૦૦૭થી ૧૦૦૭.૫૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી ૨૪૧૫ ડોલર થઈ છેલ્લે ભાવ ૨૪૨૬થી ૨૪૨૬.૧૦ ડોલર રહ્યા હતા. ચીનમાં વાયરસનો વ્યાપ વધતાં પેલેડીયમમાં ઔદ્યોગિક માગ ઘટવાની શક્યતા વચ્ચે ભાવ દબાણ હેઠળ આવ્યાની ચર્ચા હતી. આવા માહોલમાં વિશ્વબજારમાં ક્રુડતેલ તથા કોપરના ભાવ પણ ગબડતા જોવા મળ્યા હતા.
ક્રુડતેલના ભાવમાં વધુ બેથી અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટક્રુડના ભાવ બેરલના ઘટી ૬૧ ડોલરની અંદર ઉતરી છેલ્લે સપ્તાહના અંતે ૬૦.૭૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઘટી ૫૫ ડોલરની અંદર ઉતરી છેલ્લે ભાવ ૫૪.૩૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી સાથે રૂ.૪૧૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં કોપર પણ ગબડતાં ન્યુયોર્ક કોયર વાયદો છેલ્લે ૧.૫૦થી ૧.૬૦ ટકા માઈનસમાં રહ્યો હતો જ્યારે લંડન એક્સચેન્જમાં કોપરના ભાવ ગબડી ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૦૦૦ ડોલરની અંદર ઉતરી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૯૨૫થી ૫૯૩૦ ડોલર રહ્યા હતા.
કોપર પાછળ અન્ય ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા હતા. ટીનના ભાવ ટનના ઘટી છેલ્લે ૧૭ હજાર ડોલરની અંદર ૧૬૮૫૦ ડોલર રહ્યા હતા. એલ્યુમિનિયમના ભાવ ઘટી છેલ્લે ૧૭૮૦થી ૧૭૮૫ ડોલર રહ્યા હતા જ્યારે જસતના ભાવ ઘટી છેલ્લે ૨૩૪૦થી ૨૩૪૫ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ આ સપ્તાહમાં આશરે છથી સાત ટકા ગબડયા છે. ચીન ક્રુડતેલનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે અને ચીનની નબળાઈના પગલે ક્રુડતેલ ગબડી રહ્યું છે. જોકે અમેરિકામાં ક્રુડતેલનો સ્ટોક ૪ લાખ પાંચ હજાર બેરલ્સ ઘટયાના સમાચાર હતા. ક્રુડના ભાવ પાછલા ત્રણ સપ્તાહથી એકધારા ઘટતા રહ્યા છે.
સેફ હેવન બાઈંગ એટલે શું ?
વૈશ્વિક સ્તરે જ્યારે જ્યારે આર્થિક અનિશ્ચિતતા સર્જાતી હોય છે ત્યારે દરેક વખતે સલામત રોકાણના સ્વરૂપમાં સોનામાં ફંડો દ્વારા કરાતી બાઈંગને વિશ્વ બજારમાં સેફ હેવન બાઈંગ તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલમાં આવે વખતે શેરબજારો સામાન્યપણે ગબડતાં હોય છે અને સોનામાં સેફ હેવન બાઈંગ વધતું જોવા મળે છે. તાજેતરમાં ચાઈનીઝ વાયરસના કારણે વૈશ્વિક માહોલ ખરડાતાં આવી પરિસ્થિતિ જોવા મળી છે.