ભૌગોલિક રાજકીય અશાંતિ ચાલુ રહેતા સોનામાં સેફ હેવન માંગ જળવાઈ રહી
- ઘરઆંગણે કિમતી ધાતુમાં ઊંચા મથાળે સ્થિરતા; વિશ્વ બજારમાં ક્રુડ તેલ નરમ
મુંબઈ : વિશ્વ બજારમાં ફન્ડો દ્વારા ગોલ્ડમાં સેફ હેવન બાઈંગ જળવાઈ રહેતા કિંમતી ધાતુના ભાવ સપ્તાહ અંતે ઊંચા મથાળે ટકી રહેવામાં સફળ રહ્યા છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હજુ સમાપ્ત થવાના સંકેતેનો અભાવે સોનામાં સેફ હેવન માગ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં વધુ કપાતના સંકેત અપાયા છે તેને કારણે પણ ફન્ડો દ્વારા સોનામાં આકર્ષણ જળવાઈ રહ્યું છે.
વ્યાજ દરમાં કપાતથી ડોલરમાં નબળાઈ આવવાની ધારણાં રાખવામાં આવી રહી છે. માગ મંદ રહેવાની ધારણાંએ ક્રુડ તેલ નરમ જોવા મળતું હતું.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૯૭૭૫ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૦૯૩૩૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૨૮૦૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૧૩૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૧૩૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૨૯૫૦૦ મુકાતા હતા. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવ મક્કમ જળવાઈ રહ્યા છે.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૬૫૬ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ઊંચકાઈને ૪૨.૧૨ ડોલર મુકાતી હતી. ઈઝરાયલ-હમાસ તથા રશિયા-યુક્રેન વચ્ચે ભૌગોલિકરાજકીય અશાંતિ ચાલુ રહેતા સોનામાં સેફ હેવન માગ જળવાઈ રહી હતી.અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં સુધારો આગળ ધપ્યો હતો. ભાવ વધી પ્રતિ ઔંસ ૧૩૯૮ ડોલર મુકાતા હતા. પેેલેડિયમના ઔંસ દીઠ ભાવ ૧૧૪૯ ડોલર મુકાતા હતા.
માગ નબળી રહેવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૧૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૭.૦૪ડોલર મુકાતું હતું.