મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માગ વધતા ભાવને ટેકો
- અમેરિકામાં સ્ટોક ઘટીને આવતા ક્રુડ તેલના ભાવમાં ઘટાડો અટકયો
મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ૯૦ કરતા વધુ દેશોના માલસામાન પર ૭ ઓગસ્ટથી ટેરિફ લાગુ કરાતા વિશ્વ વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે વૈશ્વિક રોકાણકારોની સોનામાં સેફ હેવન માગ નીકળતા સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં પણ ઈન્વેસ્ટમેન્ટ માગને પગલે ભાવ ઊંચકાયા હતા.
અમેરિકાના નબળા આર્થિક નિર્દેશાંકો અને ટેરિફને લઈને નવેસરના જોેેખમો એ પણ કિંમતી ધાતુમાં રોકાણકારોનું આકર્ષણ વધાર્યુ છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. અમેરિકામાં સ્ટોક ઘટીને આવતા ક્રુડ તેલમાં ઘટાડો અટકી સ્થિરતા જોવા મળી હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ સુધરી રૂપિયા ૧૦૦૭૦૩ મુકાતા હતા. ૯૯.૫૦ના જીએસટી વગરના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૩૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૫૨૫૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી રૂપિયા ૧૭૬૫ વધી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧૦૩૫૦૦ મુકાતા હતા જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૩૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ૩૩૮૩ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૨૫ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ૧૩૪૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૫૮ ડોલર મુકાતું હતું. ફન્ડ હાઉસોની સેફ હેવન માગ નીકળતા અને ડોલર ઈન્ડેકસ નબળો પડતા સોનામાં આકર્ષણ રહ્યું હતું.
અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા. અમેરિકાના ક્રુડ તેલની આયાત ઘટી હતી અને નિકાસમાં વધારો થયો હતો. ૧લી ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં ક્રુડ તેલનો સ્ટોક ૩૦ લાખ બેરલ ઘટી ૪૨.૩૭ કરોડ બેરલ આવ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ બોલાતુ હતુ જ્યારે આઈસીઈ બ્રેન્ટ પ્રતિ બેરલ મુકાતુ હતું.