Get The App

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે

- પશ્ચિમી દેશોની સખતાઈના કારણે રશિયન ક્રુડ તેલ ખરીદવાનું ભારત માટે મુશ્કેલરૂપ બની રહેશે

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે 1 - image


મુંબઈ : ૨૧ નવેમ્બરથી રશિયાની બે મોટી ઓઈલ પૂરવઠેદાર કંપનીઓ પર પ્રતિબંધ લાગુ થતા ડિસેમ્બર અને ત્યારપછીના મહિનાઓમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની ખરીદી સાવ જ ઘટી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે.

ડિસેમ્બરમાં રશિયન ક્રુડ તેલની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નવેમ્બરમાં અનેક મહિનાઓની ઊંચી સપાટીએ રહ્યા બાદ આયાત એકદમ ઘટી ગઈ છે. 

રશિયાની બે મોટી કંપનીઓ પર પશ્ચિમી દેશોનો પ્રતિબંધ લાગુ થઈ જતા દેશના રિફાઈનરો ક્રુડ તેલની આવશ્યકતા માટે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. 

યુક્રેન પરના આક્રમણને કારણે અમેરિકા, બ્રિટન તથા યુરોપ રશિયા સામે સખત બની રહ્યા છે. 

પશ્ચિમી દેશો બેન્કોના વ્યવહાર પર નજર રાખી રહ્યા છે જેને કારણે ભારતના ખરીદદારો સાવચેત બની ગયા છે એમ એક રિફાઈનરી કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

નવેમ્બરમાં અંદાજે ૧૮.૭૦ લાખ બેરલ પ્રતિ દિનની સરખામણીએ રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની ખરીદી ડિસેમ્બરમાં ઘટી પ્રતિ દિન ૬થી ૬.૫૦ લાખ બેરલ પર આવી જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

ભારતની રિફાઈનરોએ રશિયાની બે મોટી કંપનીઓ રોઝનેફટ તથા લુકઓઈલ સાથે નવા કરાર કર્યા નહીં હોવાનું પણ અધિકારીએ ઉમેર્યું હતું. ભારતની મોટી રિફાઈનરીઓમાંથી પાંચ જેટલી રિફાઈનરીઓએ ડિસેમ્બર ડિલિવરી માટે રશિયાની કંપનીઓ સાથે કોઈપણ કોન્ટ્રેકટસ કર્યા નહીં હોવાનું પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું હતું. 

ઓકટોબરમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત પ્રતિ દિન ૧૬.૫૦ લાખ બેરલ રહી હતી. ઓકટોબરમાં ભારતની ક્રુડ તેલની આયાતમાં અમેરિકાના ક્રુડનો હિસ્સો વધી ૨૦૨૪ના જૂન બાદ ઊંચી સપાટીએ રહ્યો હતો. 

ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફને કારણે અમેરિકા પાસેથી ક્રુડ તેલ ખરીદવા ભારત પર દબાણ વધી રહ્યું છે. 

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધો બાદ રશિયાનું ક્રુડ ઓઈલ સસ્તુ મળવા લાગતા રશિયન ક્રુડ તેલનો ભારત સૌથી મોટો ખરીદદાર દેશ બની રહ્યો હતો. 

Tags :