ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું
- ગત નાણાં વર્ષમાં દેશની ક્રુડ તેલની કુલ આયાતમાં ૩૬ ટકા જેટલો હિસ્સો રશિયાનો રહ્યો છે
મુંબઈ : અમેરિકાએ ભારતના માલસામાન પર ટેરિફ વધારી ૫૦ ટકા કર્યા બાદ ભારત માટે રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ થયાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. જુલાઈમાં બ્રેન્ટથી રશિયાનું ઉરલ્સ ક્રુડ જે ૧ ડોલરના તફાવતથી પ્રાપ્ત થતું હતું તે તફાવત હવે વધી ૩થી ૪ ડોલર જોવા મળી રહ્યો છે.
સપ્ટેમ્બર અંત તથા ઓકટોબરમાં ડિલિવરી માટેના ઓઈલના ભાવમાં ઘટાડો કરાયો છે.
ઓગસ્ટમાં રશિયાનું ક્રુડ ઓઈલ ૨.૫૦ ડોલરના ડિસ્કાઉન્ટે પ્રાપ્ત થતુ હતું. બીજી બાજુ અમેરિકાનું ક્રુડ ઓઈલ બ્રેન્ટ કરતા ૩ ડોલરના પ્રીમિયમે ઓફર કરાતું હતું. બ્રેન્ટ ક્રુડ એટલાન્ટિક મહાસાગરમાં નોર્થ સીમાંથી કાઢવામાં આવે છે. યુકે, નોર્વે, જર્મની સહિતના કેટલાક દેશો આ ઓઈલ કાઢે છે. બ્રેન્ટ ક્રુડના ભાવને વૈશ્વિક ઓઈલના બેન્ચમાર્ક ભાવ તરીકે જોવામાં આવે છે.
ભારત વિશ્વમાં ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે અને ૨૦૨૨ બાદ રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત જે એક ટકાથી પણ ઓછી હતી તે વધી ૪૦ ટકા પહોંચી ગઈ છે.
૨૦૨૪-૨૫માં ભારતની દૈનિક સરેરાશ ૫૪ લાખ બેરલ્સની આયાતમાં ૩૬ ટકા આયાત રશિયા ખાતેથી થઈ હતી. જે ઈરાક, યુએઈ, અમેરિકા તથા સાઉદી અરેબિયાના પૂરવઠા કરતા વધુ હતું.
રશિયા પર એવા કોઈ પ્રતિબંધ નથી જે તેનું ક્રુડ તેલ ખરીદવા સામે મનાઈ ફરમાવે છે, એમ ભારત તરફથી દલીલ કરવામાં આવી રહી છે. રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ થતા વર્તમાન મહિનામાં ભારત તેની ખરીદીમાં વધારો કરવા યોજના ધરાવે છે.