ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ : ફોરેક્સ રિઝર્વમાં 40 કરોડ ડોલરનો ઘટાડો
- રૂપિયા સામે પાઉન્ડ તથા યુરોના ભાવ તૂટયા
- ડોલર સામે જાપાનની કરન્સી બે મહિનાના તળિયે
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે અથડાઈ કામકાજના અંતે ડોલરના ભાવ ધીમી વૃદ્ધી વબતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૬૮ વાળા આજે સવારે રૂ.૮૮.૬૯ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૮.૬૭ તથા ઉંચામાં ભાવ રૂ.૮૮.૭૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૭૧ રહ્યા હતા. શેરબજારમાં ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચના પગલે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો એકંદરે દબાણ હેઠળ જોવા મલ્યો હતો.
જોકે રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે અમુક સરકારી બેન્કો ડોલરમાં વેચવાલ રહેતાં રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ સપ્તાહમાં જો કે રૂપિયામાં નોંધાયેલો ઘટાડો પાછલા ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩૯૬ મિલીયન ડોલર ઘટી ૭૦૨.૫૭ બિલીયન ડોલર થયાના સમાચાર આજે મળ્યા હતા.
અમેરિકામાં દીજીપીના આંકડા સારા આવ્યા છે તથા જોબલેસ કલેઈમ્સ પણ ઘટતાં જોબમાર્કેટમાં મજબુતાઈ દેખાઈ છે. આવા સંજોગોમાં હવને અમેરિકામાં આગળ ઉપર હવે વ્યાજના દરમાં ઘટાડો કરાશે કે નહિં તેના પર ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનની કરન્સી ગબડી બે મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. અમેરિકા દ્વારા જાપાન પર ટેરીફના પગલે જાપાનની કરન્સી પર અસર દેખાઈ હતી.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે જો કે ૦.૧૭ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૩ તથા નીચામાં ૯૮.૩૧ થઇ ૯૮.૩૮ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, રશિયાનું ક્રૂડતેલ નહિં ખરીદવા અમેરિકાના પ્રમુખે ભારત પર દબાણ ફરી વધાર્યાના વાવડ મળ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૪ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૧૮.૩૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૮.૫૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૫૫ પૈસા ગબડી નીચામાં ભાવ ૧૦૩.૫૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૩.૫૯ રહ્યા હતા. પાઉન્ડના ભાવ મોડી સાંજે રૂ.૧૧૮.૪૫ બોલાતા હતા. દરમિયાન, જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૬૦ ટકા તૂટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૫ ટકાની ધીમી વૃદ્ધી બતાવી રહી હતી.