Get The App

ડોલર સામે રૂપિયામાં સતત દસ સપ્તાહથી એકધારું ધોવાણ

- રૂપિયો ઇન્ટ્રાડે તૂટીને ૮૬ નજીક ૮૫.૯૮ પટકાયા બાદ કામકાજના અંતે ૮૫.૯૬ બંધ રહ્યો

- ક્રૂડતેલમાં ત્રણ ટકાની ઓચિંતી તેજી આવતાં રૂપિયા પર દબાણ વધ્યું

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ડોલર સામે રૂપિયામાં સતત દસ સપ્તાહથી એકધારું ધોવાણ 1 - image


બોન્ડ તથા સ્ટોક માર્કેટમાંથી ત્રણ અબજ ડોલર વિથ-ડ્રો થયા

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા તળિયે પટકાયો હતો. રૂપિયા સામે ડોલર ઉછળી ચાલુ બજારે આજે એક તબક્કે રૂ.૮૬ની નજીક પહોંચી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. શેરબજારમાં પીછેહટ તથા ડોલરમાં આઉટફલો વધતાં રૂપિયા પર આજે દબાણ ચાલુ રહ્યું હતું. ડોલરના ભાવ રૂ.૮૫.૮૭ વાળા આજે સવારે રૂ.૮૫.૮૮  ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૮૫ થયા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૫.૯૮ સુધી પહોંચી છેલ્લે ૯ પૈસા ઘટીને રૂ.૮૫.૯૬ બંધ રહ્યો હતો. રૂપિયો આજે ઓલ ટાઈમ-લો લેવલે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ વધી ઉંચામાં ૮ મહિનાની ટોચે પહોંચતા ડોલર પર તેની પોઝીટીવ અસર જ્યારે રૂપિયા પર તેજી નેગેટીવઅસર જોવા મળી હતી. મુંબઈ બજારમાં ડોલર સામે રૂપિયાના ભાવ વિકલી ધોરણે છેલ્લા સતત ૧૦ સપ્તાહથી ઘટતા જોવા મળ્યા હતા.

અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટયા પછી જોબગ્રોથના આંકડાઓ પર ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૯.૦૮ તથા ઉંચામાં ૧૦૯.૩૮ થઈ ૧૦૯.૧૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. આજે જો કે ડોલરમાં ઉંચા મથાળે અમિક સરકારી બેન્કો ડોલર વેંચવા નિકળી હતી અને તેના પગલે રૂપિયો રૂ.૮૬ના તળિયા નજીક ઉતરી ગયા પછી ધીમા સુધારા પર રહ્યો હતો. 

આ મહિનામાં ફોરેન ઈન્વેસ્ટરોએ સ્ટોક તથા બોન્ડ બજારમાંથી આશરે ૩ અબજ ડોલર વિથ ડ્રો કર્યાની ચર્ચા હતી. દરમિયાન, અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવા ૨ લાખ ૧૧ હજારથી ઘટી ૨ લાખ ૧ હજાર આવ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આંચકા પચાવી ૩૧ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૦૫.૮૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૫.૭૭ રહ્યા હતા.  યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૬ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૮.૬૨ થઈ છેલ્લેબંધ ભાવ રૂ.૮૮.૫૬ રહ્યા હતા. રૂપિયા સામે આજે જાપાનની કરન્સી ૦.૨૬ ટકા વધી હતી. ચીનની કરન્સી ૦.૧૧ ટકા પ્લસમાં ટ્રેડ થતી જોવા મળી હતી.  

અમેરિકામાં નવા પ્રમુખની સોગંદવિધી ૨૦મી જાન્યુઆરીએ થવાની છે અને નવા પ્રમુખ ટ્રમ્પની નીતિ જોતાં ત્યાં ફુગાવાનો દર ઉંચો રહેવાની શક્યતા છે તથા તેના પગલે ત્યાં ફુગાવાનો દર ઉંચો રહેવાની શક્યતા છે તથા તેના પગલે ત્યાં હવે પછી વ્યાજના દરમાં ઘટાડો ધીમો પડશે તથા ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધુ વધી ઉંચામાં ૧૧૦ની ઉપર જતો રહેશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

આવા સંજોગોમાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો વધુ ગબડી રૂ.૮૬.૨૫થી ૮૬.૫૦ સુધી ઉતરી જવાની ભીતિ બજારમાં બતાવાઈ રહી હતી. જો કે આવા સંજોગોમાં હવે રિઝર્વ બેન્કના નવા ગવર્નરની ભઊમિકા પર બજારની નજર રહી હતી.

 વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ૩ ટકા ઉછળતાં તથા ભાવ ઉંચામાં બેરલના ૮૦ ડોલર નજીક પહોંચતાં તેની અસર પણ રૂપિયા પર ેનેગેટીવ જોવા મળી હતી. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

રૂપિયાની નબળાઈ વચ્ચે ફોરેકસ રિઝર્વ વધુ ઘટીને ૬૩૪.૫૮ અબજ ડોલર રહ્યું 

૩ જાન્યુઆરીના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૫.૬૯ અબજ ડોલર ઘટી ૬૩૪.૫૮ અબજ ડોલર રહ્યું હતું. તે અગાઉના સપ્તાહમાં રિઝર્વમાં ૪.૧૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીને પરિણામે ફોરેકસ રિઝર્વમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયામાં વોલેટિલિટીને ટાળવા રિઝર્વ બેન્ક દ્વારા કરન્સી માર્કેટમાં સતત દરમિયાનગીરી પણ ફોરેકસ રિઝર્વમાં ઘટાડાનું એક કારણ રહ્યું છે. ડોલર સામે રૂપિયો નબળો પડી હાલમાં ૮૬ની આસપાસ પહોંચી ગયો છે.  બીજી બાજુ ગોલ્ડ રિઝર્વનો આંક ૮૨.૪૦ કરોડ ડોલર વધી ૬૭.૦૯ અબજ ડોલર રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરના અંતે  એકંદર ફોરેકસ રિઝર્વ ૭૦૪.૮૮ અબજ ડોલર સાથે ઓલટાઈમ જોવાયું હતું. 

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૫.૯૬

પાઉન્ડ

રૃ ૧૦૫.૭૭

યુરો

રૃ ૮૮.૫૬

યેન

રૃ ૦.૫૪

dollar-up

Google NewsGoogle News