Get The App

ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ડોલર સામે રૂપિયો ગબડી રૂ. 92ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ 1 - image

- ક્રૂડતેલમાં ઉછાળો, યુએસમાં વ્યાજ દર જાળવી રખાયા

- વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો: સરકારી બેન્કો ડોલર વેચવા નીકળતાં રૂપિયામાં વધુ ધોવાણ અટક્યું : ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધીને સાડા છ મહિનાની ટોચે

અમદાવાદ/મુંબઈ : હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે પટકાયો હતો ડોલરના ભાવ રૂ.91.79 વાળા આજે સ વારે રૂ.92 ખુલી ત્યારબાદ નીચામાં ભાવ રૂ.91.82 થઈ રૂ.91.95 રહ્યા હતા. ડોલરના ભાવ આજે ઉંચામાં પ્રથમ વખત રૂ.92ને આંબી જતાં બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. આજે એકંદરે રૂપિયા સામે ડોલરના ભાવ 14 પૈસા વધતાં ડોલર સામે રૂપિયો 0.15 ટકા તૂટયો હતો. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેમજ ઘરઆંગણે રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો. જોકે મુંબઈ શેરબજાર ઉંચકાતાં રૂપિયામાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધુ ઘટાડવાના બદલે જાળવી રાખવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ જોકે વધુ 0.17 ટકા ઘટયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં 96.35 તથા નીચામાં 96.02 થઈ 96.28 રહ્યો હતો. 

અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની સ્થિતિ જોતાં વ્યાજના દરમાં આગળ ઉપર પણ વધુ ઘટાડો થવાની શક્યતા ઘટી હોવાનું વિશ્વ બજારના જાણકારો તથા ફેડરલ રિઝર્વના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સ્વીસ કરન્સી સામે ડોલરના ભાવ ઘટી 11 વર્ષના તળિયે ઉતરી ગયા હતા જ્યારે ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા. અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલર વધી 3 વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો. ડોલરનો ઈન્ડેક્સ ચાર વર્ષના તળિયે ઉતર્યો હતો. ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધી સાડા છ મહિનાની ટોચે પહોંચ્યો હતો. ડોલર સામે ચીનની ઓફફ શોર કરન્સી વધી મે-2023 પછીની નવી ટોચે પહોંચી હતી. 

રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધુ 51 પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.127 પાર કરી રૂ.127.36 થઈ રૂ.127.06 રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઉંચામાં રૂ.110.33 થઈ રૂ.110.05 રહ્યા હતા.  જોકે રૂપિયા સામે જાપાનની કરન્સી આજે 0.40 ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે 0.20 ટકા પ્લસમાં રહી હતી

ડોલરમાં આજે ઉંચા મથાળે મુંબઈ બજારમાં રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કોની વેચવાલી શરૂ થતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.92 થયા પછી ઘટાડા પર રહ્યા હતા.  ભારત તથા અમેરિકા વચ્ચે હવે વેપાર કરાર ક્યારે થાય છે તેના પર બજારની નજર રહી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર રૂ. 91.95

પાઉન્ડ રૂ. 126.93

યુરો રૂ.109.94

યેન રૂ. 0.60

ચાંદી ભારતમાં રૂ.4 લાખની વિક્રમી ટોચે, વિશ્વમાં રાતે 6 ટકા તૂટી

અમદાવાદ : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવાના નિર્ણય વચ્ચે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં સેફ હેવન રૂપી લેવાલી ચાલુ રહેતા ભારતીય સોના ચાંદી બજારમાં ગુરુવારે બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી. જોકે, મોડી રાતે નફાકારક વેચવાલીના પગલે વૈશ્વિક બજારમાં સોનું ચાર ટકા જ્યારે ચાંદી છ ટકા તૂટયા હતા. દિલ્હીમાં સોના ચાંદી બજારમાં ગુરુવારે ચાંદી રૂ. 19500 ઉછળીને રૂ. 4 લાખની સપાટી કુદાવી રૂ. 4,04,500ની વિક્રમી સપાટીએ પહોંચી ગઇ હતી. બીજીતરફ અમદાવાદ સોનુ આજે રૂ. 12500 ઉછળીને રૂ. 1,84,000ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. દેશના અન્ય સોના ચાંદી બજારોમાં પણ  બંને કિંમતી ધાતુઓમાં  તોફાની તેજી જોવા મળી હતી.

જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગુરુવારે દિવસના સમયે ચાંદીએ પ્રતિ ઔંસ 120.95 ડોલરની નવી વિક્રમી સપાટી બનાવ્યા પછી મોડી રાતે 6 ટકા ગગડીને પ્રતિ ઔંસ 110 ડોલરના સ્તર પર આવી ગઈ હતી. રોકાણકારોએ નફાકારક વેચવાલી કરતા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ ગુરુવારે રાતે 4 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રી બજારમાં સોનું પ્રતિ ઔંસ 5,600 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી નફાકારક વેચવાલીના પગલે ગગડીને 5,150 ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. સ્પોટ ગોલ્ડ 4.6 ટકા તૂટીને પ્રતિ ઔંસ 5,149.99 ડોલર પર આવી ગયું હતું.