Get The App

ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો : તહેવારો ટાણે ફુગાવો વધશે

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો : તહેવારો ટાણે ફુગાવો વધશે 1 - image


- ડોલરમાં ઈન્ફલો ઘટવાની તથા આઉટફલો વધવાની ભીતિ

- શેરબજારમાં પીછેહટ તથા વૈશ્વિક ક્રૂડમાં આગેકૂચ ઉપરાંત એચ-વન વિઝાની આકરી ફી વચ્ચે રૂપિયા પર દબાણ વધ્યું

અમદાવાદ, મુંબઇ : વિદેશી હૂંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરમાં રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં રૂપિયો તૂટી નવા તળિયે  પટકાયો હતો. આજે ડોલર સામે રૂપિયો ઇન્ટ્રાડે તૂટીને ૮૮.૮૧ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતિમ તબક્કામાં બાઉન્સ બેક થયો હતો. રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હવે તહેવારો ટાંણે મોંઘવારી વધુ વધવાની ભીતિ બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. 

ડોલરના ભાવ રૂ.૮૮.૩૨ વાળા આજે સવારે રૂ.૮૮.૪૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૮.૮૧ની નવી ટોચ બતાવી છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૬૮ રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ૩૬ પૈસા ઉછળતાં ડોલર સામે રૂપિયો આજે વધુ ૦.૪૧ ટકા તૂટી ગયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

શેરબજારમાં પીછેહટ તથા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમમાં આગેકૂચના પહલે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકાએ એચ-વન વિઝા પર આકરી ફી લાદતાં દેશમાં ડોલરનો ઈન્ફલો ઘટવાની શક્યતા વધતાં તેના કારણે પણ રૂપિયો ઝડપથી ગબડતો જોવા મળ્યો હતો.

શેરબજારમાં પીછેહટ વચ્ચે દેશમાંથી ડોલરનો આઉટફલો વધવાની શક્યતા પણ કરન્સી બજારમાં ચર્ચાઈ રહી હતી.  સોમવારે શેરબજારમાંથી ઈન્વેસ્ટરોએ રૂ.૨૯૧૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. દરમિયાન, ઘરઆંગણે આજે ડોલર વધી રહ્યો હતો ત્યારે વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટાડા પર રહ્યાના સમાચાર મળ્યા હતા.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૪૬ તથા નીચામાં ૯૭.૨૦ થઈ ૯૭.૨૯ રહ્યાના નિર્દેશો હતા. 

આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૦.૦૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૯.૮૪ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં ચર્ચાતી વાતો મુજબ આજે અમુક સરકારી બેન્કોએ બજારમાં ડોલર વેંચ્યાના વાવડ પણ મળ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૭૫ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૧૦૪.૭૮ થઈ છેલ્લે રૂ.૧૦૪.૭૪ રહ્યા હતા. રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૫૭ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૫૨ ટકા ઉંચી ટ્રેડ થતી જોવા મળી હતી.  અમેરિકામાં તાજેતરમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ચર્ચાતી રહેતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો હતો.

ફોરેક્સના ભાવ

ડોલર

રૂ. ૮૮.૬૮

પાઉન્ડ

રૂ. ૧૧૯.૮૪

યુરો

રૂ.૧૦૪.૭૪

યેન

રૂ. ૦.૬૦

Tags :