રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96

- શેરબજાર ગબડતાં તથા ફોરેન ઈન્ફલો ઘટતાં હવે રૂ.90 પર નજર: મોંઘવારી વધશે
- ભારત તથા અમેરિકા વચ્ચે વેપારમાં વિલંબ વચ્ચે ડોલરમાં ઈમ્પોર્ટરોની વધેલી લેવાલી: હવે રિઝર્વ બેન્કની નીતિ પર ખેલાડીઓની મીટ મંડાઈ
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ.૮૯.૫૬ વાળા આજે સવારે રૂ.૮૯.૭૦ ખુલ્યા પછી વધુ ઉછળી ઉંચામાં ભાવ રૂ.૮૯.૯૬ની નવી ટોચે પહોંચી ગયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૮૮ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વધુ ૩૨ પૈસા ઉછળતાં રૂપિયો વધુ ૦.૩૫ ટકા તૂટી ગયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
મુંબઈ શેરબજારમાં ઝડપી પીછેહટ તથા દેશમાં ફોરેન ઈન્ફલોમાં ઘટાડા સામે આઉટફલો વધતાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં એકધારા ઉછળતાં જોવા મળ્યા છે. દેશની વેપાર ખાધ વધતાં તથા ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેમ જ ડોલરમાં ઈમ્પોર્ટરોની ખરીદી વધતાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબની અસર પણ રૂપિયા પર નેગેટીવ દેખાઈ હતી.
રૂપિયો ઝડપી તૂટતાં ડોલરમાં મંદીવાળાના વેચાણો પણ કપાઈ રહ્યા હતા. રિઝર્વ બેન્કની પોલીસી તથા વ્યાજના દરમાં થનારા ફેરફારો પર હવે કરન્સી બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં મોંઘવારી વધુ ચિંતાપ્રેરક બનવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.
રૂપિયો તૂટતાં હવે ડોલરમાં ઉંચા મથાળે રિઝર્વ બેન્કની સક્રિયતા વધવાની તથા સરકારી બેન્કો ડોલર વેંચવા નિકળશે એવી ગણતરી પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦ની સપાટી ક્યારે વટાવે છે તેના પર બજારની નજર રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૩૮ તથા ઉંચામાં ૯૯.૪૮ થઈ ૯૯.૪૪ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધુ ૨૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૮.૮૮ થઈ છેલ્લે રૂ.૧૧૮.૮૦ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૪.૪૬ થઈ છેલ્લે રૂ.૧૦૪.૩૬ રહ્યા હતા.
જો કે જાપાનની કરન્સી ૦.૩૬ ટકા ગબડી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૪ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી. અમેરિકામાં આ મહિને થનારા વ્યાજ દર ઘટાડા પર પણ બજારની નજર રહી હતી.
ફોરેક્સ ભાવ
ડોલર રૂ. ૮૯.૮૮
પાઉન્ડ રૂ. ૧૧૮.૮૦
યુરો રૂ.૧૦૪.૩૬
યેન રૂ. ૦.૫૮

