ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર

- વિના રોકટોક ગબડતો રૂપિયો
- પાઉન્ડ ઉછળી રૂ.120 નજીક: યુરોએ રૂ.105ની સપાટી વટાવી: જો કે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં આશ્ચર્ય સર્જાયુ
- રૂપિયામાં ઘેરી મંદી વચ્ચે રેકોર્ડ રૂ.90ની સપાટી દેખાઈ: ડોલર ઉંચામાં રૂ.90.30 સુધી ઉછળ્યો
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયામાં મંદી ઝડપથી આગળ વધતાં રૂપિયો વધુ ગબડી રૂ.૯૦ના નવા નીચા તળિયે ઉતરી જતાં કરન્સી બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર તેજી આગળ વધતાં ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૦ની સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૯૦.૩૦ સુધી પહોંચી જતાં બજારના ખેલાડીઓ આ રેકોર્ડ બ્રેક ચાલથી સ્તબ્ધ બની ગયા હતા. શેરબજારમાં પીછેહટ તથા દેશમાં ફોરેન ઈન્ફલો ઘટયાના વાવડ વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી રહ્યાના સમાચાર આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયામાં રોજેરોજ નવા નીચા ભાવ દેખાતા રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયા સામે ડોલરના ભાવ ૮૯.૮૮ વાળા આજે સવારે રૂ.૮૯.૯૭ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૯.૯૬ રહ્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૯૦ની સપાટી કુદાવી ગયા હતા. ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૦.૩૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૦.૧૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે વધુ ૨૫ પૈસા વધતાં રૂપિયો વધુ ૦.૨૮ ટકા તૂટયો હતો. દેશમાં વેપાર ખાધ વધતાં તથા ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારમાં વિલંબ થતાં તેમ જ ફોરેક્સ રિઝર્વમાં પણ ઘટાડો થતાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયો તૂટતાં વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશમાં મોંઘવારી વધવાની ભીતિ છતાં આવા માહોલમાં ડોલર ઉછળતાં નિકાસકારોને ફાયદો થતાં નિકાસ વધવાની આશા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. ડોલરમાં અમુક આયાતકારોએ લેવાલી પણ જોવા મળી હતી. રિઝર્વ બેન્કની બજારમાં સક્રિયતા ધીમી પડતાં સરકારી બેન્કો દ્વારા ડોલરમાં વેચવાલી પણ ધીમી પડતાં ડોલરની તેજીને મોકળું મેદાન મળી ગયું હોવાનું બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા હતા.
દેશમાંથી નિકાસ વધારવા રિઝર્વ બેન્ક રૂપિયાને પીઠબળ આપવાની નીતિમાં વિલંબ કરી રહ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. ડોલરમાં પ્રથમ વાર રૂ.૯૦નો ભાવ આજે જોવા મળ્યો હતો. હવે રૂ.૧૦૦ના ભાવ પર ખેલાડીઓની નજર મંડાઈ હતી! જોકે વિશ્વ બજારમાં આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૧૯ ટકા ઘટી નીચામાં ૯૯૧.૦ થઈ ૯૯.૧૨૭ રહ્યાના નિર્દેશો હતા! દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૬ પૈસા ઉછળી ઉંચામાં ભાવ રૂ.૧૧૯.૬૨ થઈ ૧૧૯.૫૦ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ વધુ ૫૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૫ પાર કરી રૂ.૧૦૫.૧૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૪.૯૩ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૦ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૩૬ ટકા ઉંચકાતાં વિવિધ પ્રમુખ બધી કરન્સીઓ સામે રૂપિયામાં આજે સાર્વત્રિક કડાકો નોંધાયો હતો. રૂપિયાની વર્તમાન મંદીની ચાલ જોતાં ડોલરના ભાવ નાતાલ પૂર્વે રૂ.૯૧થી ૯૧.૫૦ થઈ જવાની શક્યતા બજારના જાણકારો તથા સટ્ટારૂપી તત્વો બતાવી રહ્યા હતા.
નાગેશ્વરનનો અલગારી મત
ભારતીય ચલણ રૂપિયો અમેરિકન ડોલરની સામે બુધવારે પ્રથમ વખત ૯૦નું લેવલ વટાવીને ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. રૂપિયાના અવમૂલ્યનથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. આયાત મોંઘી થવાની સાથે મોંઘવારી વધવાની પણ આશંકા છે. જોકે દેશના મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે રૂપિયાના ઘટાડાથી કોઈ ખાસ ફરક પડતો નથી.
પોતાનો મનસ્વી મત આપતા દેશના મુખ્ય આપ્ખિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું કે સરકાર રૂપિયાના ઘટાડાથી ચિંતિત નથી. આજે ડોલર સામે સ્થાનિક ચલણ ૯૦ના આંકડાને પાર કરી ગયો છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે રૂપિયાના ઘટાડાથી ફુગાવા કે નિકાસ પર કોઈ અસર થઈ રહી નથી.
વર્તમાન પડકારજનક સમયમાં કોઈ નક્કર સપોર્ટિવ રોડમેપ રજૂ કરવાના સ્થાને તેમણે આગામી વર્ષે રૂપિયામાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. બુધવારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો યુએસ ડોલર સામે ૯૦.૩૦ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
વિદેશી મૂડીના પ્રવાહ અને બેંકો દ્વારા ડોલરની ખરીદી ચાલુ રહેવાને કારણે સ્થાનિક ચલણ દબાણ હેઠળ રહ્યું છે. વધુમાં, સ્થાનિક શેરબજારમાં ઘટાડો અને ભારત-અમેરિકા વેપાર સોદા અંગે અનિશ્ચિતતાએ સ્થાનિક ચલણ પર વધુ દબાણ કર્યું છે. આ સિવાય યેનમાં તેજી અને જાપાનીઝ બોન્ડ યિલ્ડમાં ઉત્તરોતર વધારો રૂપિયા પણ દબાણ સર્જી રહ્યાં છે.
ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ જેમ કે લેપટોપ્સ, સ્માર્ટફોન્સ તથા ટીવી મોં ઘા થવાની બજારના વર્તુળોએ માહિતી આપી હતી. અમેરિકા સાથે વેપાર કરાર મુદ્દે અસ્પષ્ટતાને પરિણામે છેલ્લા કેટલાક સપ્તાહથી રૂપિયાની જંગી વેચવાલી શરૂ થઈ છે. આ ઉપરાંત સોનાચાંદીના ઊંચા વૈશ્વિક ભાવ તથા અમેરિકાના ટેરિફે ભારતની સ્પર્ધાત્મકતા ઘટાડી દીધી છે તેની પણ રૂપિયા પર ગંભીર અસર પડી હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.
ઊંચા ટેરિફને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ઘટાડો થયો છે ત્યારે આવનારા દિવસોમાં ભારતે અમેરિકા સાથે બન્ને દેશોને સાનુકૂળ એવો વચલો માર્ગ કાઢી વેપાર કરાર કરવા રહ્યા એમ એક નિકાસકારે જણાવ્યું હતું.
ફોરેક્સ ભાવ
|
ડોલર |
રૂ. ૯૦.૧૩ |
|
પાઉન્ડ |
રૂ. ૧૧૯.૫૦ |
|
યુરો |
રૂ.૧૦૪.૯૩ |
|
યેન |
રૂ. ૦.૫૮ |
રૂપિયાની ડોલર સામે 10થી 90ની સફર પર એક નજર
|
રૂપિયાનું ડોલર |
સમયગાળો |
|
સામે મૂલ્ય |
- |
|
૩.૩ |
ઓગસ્ટ, ૧૯૪૭ |
|
૫ |
૧૯૬૬ |
|
૧૦ |
૧૯૮૩ |
|
૨૦ |
૧૯૯૧ |
|
૩૦ |
૧૯૯૩* |
|
૪૦ |
૧૯૯૮ |
|
૫૦ |
૨૦૦૮ |
|
૬૦ |
૨૦૧૩ |
|
૭૦ |
૨૦૧૮ |
|
૮૦ |
૨૦૨૨ |
|
૯૦ |
૨૦૨૫ |
૧૯૯૩* = ભારતીય રૂપિયામાં ઈતિહાસનો સૌથી ઝડપી ઘટાડો
રૂપિયાની નબળાઈથી દેશમાં ઈલેકટ્રોનિક સાધનો તથા વિદેશ શિક્ષણ ખર્ચાળ બનશે
મુંબઈ : ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે અને બુધવારે તેણે ૯૦ની સપાટી તોડી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે ત્યારે રૂપિયામાં ઘટાડાની દેશના અનેક ક્ષેત્રો પર સીધી તથા આડકતરી અસરો જોવા મળવાની ચિંતા ઊભી થઈ છે. રૂપિયામાં નવી નીચી સપાટી ભારતના અર્થતંત્ર સામે નવો પડકાર ઊભો થયો છે. દેશમાં વપરાતી આયાતી ચીજવસ્તુઓ ખાસ કરીને ઈલેકટ્રોનિકસ માલસામાન તથા ક્રુડ ઓઈલના બિલમાં વધારો થશે અને વિદેશમાં શિક્ષણ પણ મોંઘુ પડશે.
અમેરિકા સાથે વેપાર કરાર સંબંધે અસ્પષ્ટતા, રિઝર્વ બેન્કની દરમિયાનગીરીનો અભાવ તથા ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની પીછેહટ રૂપિયાના તાજેતરના ઘટાડા માટેના કારણો રહેલા છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ડોલર સામે રૂપિયા ૧૩ ટકા જેટલો ગબડયો છે.
રૂપિયામાં ઘટાડો નિકાસકારો માટે સાનુકૂળ બની રહે છે, પરંતુ આયાતકારો માટે તે પ્રતિકૂળ બને છે. ડોલરની વેચવાલી ઘરઆંગણે લિક્વિડિટી પર દબાણ લાવી શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
હાલમાં રૂપિયો જે રીતે ઘટી રહ્યો છે તેને અટકાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તેની ત્રણ દિવસની બેઠકના અંતે શુક્રવારે કેવા પગલાં જાહેર કરે છે, તેના પર બજારની નજર રહેલી છે.
રૂપિયામાં જંગી ઘટાડાને પગલે આયાત મોંઘી થવા ઉપરાંત વિદેશમાં શિક્ષણ લેવાનું મોંઘુ બની ગયું છે. ભારત તેની જરૂરિયાતનું ૯૦ ટકા ક્રુડ આયાત મારફત પૂરું કરે છે ત્યારે રૂપિયામાં હાલનો ઘટાડો તેના આયાત બિલમાં જોરદાર વધારો કરાવશે.

