રોશની નાદર દેશના ત્રીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યાં, પિતાએ ગિફ્ટમાં આપ્યો 47 ટકા હિસ્સો
Roshni Nadar Becomes Third Richest Person: દેશના ત્રીજા ટોચના અબજોપતિ શિવ નાદરની દિકરી રોશની નાદર મલ્હોત્રાની રાતોરાત કિસ્મત ચમકી ઉઠી છે. એચસીએલ ગ્રૂપના ફાઉન્ડર શિવ નાદરે એચસીએલ કોર્પોરેશન અને વામા દિલ્હીમાં 47 ટકા હિસ્સો રોશની નાદરના નામે કરતાં રોશની નાદર દેશની ત્રીજા ક્રમની ધનિક વ્યક્તિ બની છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી 86.7 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે, ગૌતમ અદાણી 68.3 અબજ ડોલર સાથે બીજા ક્રમે અને શિવ નાદર 35.6 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. આ ગિફ્ટ ડીડ ટ્રાન્સફર થયા બાદ રોશની પ્રમોટર બનતાં તે ત્રીજી ટોચની ધનિક વ્યક્તિ બનશે.
ટોચની ત્રીજી ધનિક વ્યક્તિ બનશે
ફોર્બ્સની ભારતના 100 સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી 119.5 અબજ ડોલરની નેટવર્થ સાથે પ્રથમ ક્રમે, ગૌતમ અદાણી 116 અબજ ડોલર સાથે બીજા ક્રમે અને સાવિત્રી જિંદાલ એન્ડ ફેમિલી 43.7 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે શિવ નાદર 40.2 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. હવે રોશની નાદરને 47 ટકા સ્ટેક ગિફ્ટ પેટે સોંપાતા રોશનીની નેટવર્થ વધશે. જેથી તે દેશની ટોચની ત્રીજા ક્રમની ધનિક વ્યક્તિ બની શકે છે. એક અહેવાલ મુજબ, રોશની નાદર ઓક્ટોબર, 2024 સુધી 42 અબજ ડોલરની નેટવર્થ ધરાવતી હતી. જો કે, તેની પુષ્ટી થઈ નથી.
એચસીએલનું સંચાલન રોશનીના હાથમાં
શિવ નાદરે એચસીએલ કોર્પોરેશન અને વામા દિલ્હીમાં 47 ટકા હિસ્સો પોતાની પુત્રી રોશની નાદરને ગિફ્ટ ડીડ હેઠળ આપ્યો છે. આ ગિફ્ટ ડીડ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એચસીએલ કોર્પોરેશન અને વામાનો બહુમતી હિસ્સો રોશનીના નામે થશે. આ સાથે તે એચસીએલનું સંચાલન પોતાના હાથમાં લેશે. વધુમાં રોશનીને વામા દિલ્હીમાં 12.94 ટકા સ્ટેક સાથે વોટિંગ રાઈટ્સ તેમજ એચસીએલ ઈન્ફોસિસ્ટમમાં એચસીએલ કોર્પનો 49.94 ટકા હિસ્સો પણ હસ્તગત કરશે.
આઈટી કંપનીઓમાં વામા દિલ્હીનો સૌથી વધુ સ્ટેક
બીએસઈ ખાતે લિસ્ટેડ આઈટી કંપનીઓમાં એચસીએલ ટેક્નોલોજીસમાં પ્રમોટર હોલ્ડિંગની વેલ્યૂ સૌથી વધુ રૂ. 257148 કરોડ છે. એચસીએલ ટેક.ના ફાઉન્ડર શિવ નાદર ગિફ્ટ ડીડ રોશની નાદરને ટ્રાન્સફર કરાયા બાદ એચસીએલ ટેક્ના સૌથી વધુ શેર વેલ્યૂ રોશની નાદર મલ્હોત્રાના નામે થશે. વિપ્રોના અઝીમ પ્રેમજી 216924 કરોડનું પ્રમોટર હોલ્ડિંગ ધરાવે છે.
કોણ છે રોશની નાદર
રોશની નાદર દેશના ટોચના ત્રીજા અબજોપતિ શિવ નાદરની એકમાત્ર સંતાન છે. 2013થી તે એચસીએલ કોર્પના સીઈઓ તરીકે સેવા આપે છે. તેણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે. બાદમાં કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો.
રોશની નાદરે 2009માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. રોશની નાદર મલ્હોત્રા શિવ નાદર ફાઉન્ડેશનની ચેરપર્સન અને સીએસઆર બોર્ડની ચેરપર્સન પણ છે. તેની ટ્રસ્ટી પણ છે. આ સિવાય તે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ બોર્ડમાં જોડાયેલી છે. તે એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ છે.