એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની 'ભવિષ્યવાણી' સાચી પડી
Bitcoin Hits All Time High: એકબાજુ વિશ્વભરના શેરબજારોમાં અફરાતફરી જોવા મળી છે, ત્યારે બીજી બાજુ ક્રિપ્ટો માર્કેટમાં આકર્ષક તેજી આવી છે. સૌથી જૂની અને પ્રચલિત ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનો ભાવ આજે તમામ રેકોર્ડ તોડી 1,11,861.22 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ભારતીય ચલણમાં એક બિટકોઈનનો ભાવ રૂ. 96,27,596 થયો છે. જે એક કિગ્રા સોનાની કિંમત જેટલો છે. ઉલ્લેખનીય છે કે દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીએ એપ્રિલ 2024માં લોકોને સોનું, ચાંદી અને ખાસ કરીને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમની આ સલાહ બાદથી જો આજે આ ત્રણેયના ભાવ જોવામાં આવે તો ઓલ ટાઈમ હાઈની સપાટીને સ્પર્શી ગયા છે.
એક બિટકોઈનની કિંમત 1 કિગ્રા સોના જેટલી
બિટકોઈનની વર્તમાન સર્વોચ્ચ સપાટીને ધ્યાનમાં લેતાં એક બિટકોઈનની કિંમત એક કિગ્રા સોના જેટલી થઈ છે. હાલ MCX સોનાનો ભાવ રૂ. 96000 પ્રતિ 10 ગ્રામ છે. જેથી 96 લાખનો એક બિટકોઈન ખરીદવા એક કિગ્રા સોનું જોઈએ. દેશના સૌથી મોંઘા શેર એમઆરએફ ટાયર્સના 66 શેરને સમકક્ષ છે. હાલ એમઆરએફ શેરની કિંમત રૂ. 142300 છે.
ટ્રમ્પના આગમનથી ક્રિપ્ટો માર્કેટમાં તેજી
વર્ષ 2025ની શરૂઆતથી અત્યારસુધી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે. જેમાં બિટકોઈન ડિમાન્ડમાં રહ્યો છે. જે ચાલુ કેલેન્ડર વર્ષમાં 60 ટકા સુધી ઉછળ્યો છે. ટ્રમ્પ કોઈન આજે 6.28 ટકા ઉછાળા સાથે 15.16 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, તે તેની 19 જાન્યુઆરીની ઓલ ટાઈમ હાઈ 75.35 ડોલરની સપાટીએથી 80.14 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રમ્પ ક્રિપ્ટો ફ્રેન્ડલી હોવાથી ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે નરમ વલણ દર્શાવી રહ્યા છે.
અમેેરિકાની આર્થિક સ્થિતિ જવાબદાર
રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીના મતે અમેરિકાની કથળી રહેલી આર્થિક સ્થિતિના કારણે ક્રિપ્ટો માર્કેટમાં તેજી આવી છે. તેમણે અગાઉ 7 એપ્રિલે X પર ટ્વિટ કર્યું હતું કે, અમેરિકાનું દેવું દર 90 દિવસે 1 લાખ કરોડ ડોલર વધી રહ્યું છે. અમેરિકા બેન્કરપ્ટ થઈ રહ્યું છે. જેના લીધે સ્ટોક, બોન્ડ, રિયલ એસ્ટેટનો તેજીનો બબલ ફૂટશે. રોકાણકારો હવે ગોલ્ડ, સિલ્વર, અને બિટકોઈનની ખરીદી વધારો.