અમેરિકામાં વ્યાજ દર વધતા કંપનીઓ માટે ડોલર બોન્ડ જારી કરવાનું ખર્ચાળ બનશે

- ઊંચા ખર્ચને પગલે વર્તમાન નાણાં વર્ષમાં કંપનીઓ ડોલર બોન્ડનું એક પણ ભરણું નથી લાવી શકી

- કંપનીઓએ રુપી બોન્ડસ જારી કરવા તરફ વળવું પડશે


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આક્રમક વધારાની કવાયત શરૂ થઈ હોવાને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં ભારતની કંપનીઓએ   પ્રાઈમરી માર્કેટસમાંથી બોન્ડસ મારફત ડોલરના સ્વરૂપમાં નાણાં ઊભા કરવાથી દૂર રહેવું પડયું છે. વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી એકપણ ભારતીય કંપનીઓ  અથવા બેન્કોએ પ્રાઈમરી માર્કેટમાં બોન્ડસ મારફત ડોલરના સ્વરૂપમાં નાણાં ઊભા કર્યા નહીં હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. ડોલર મોંઘો બનતા કંપનીઓ માટે રિફાઈનાન્સિંગ કરવાનો ખર્ચ  પણ વધી ગયો છે.

નાણાં વર્ષ ૨૦૨૧માં ભારતની કંપનીઓ તથા બેન્કોએ ૮૯૮.૫૦ કરોડ ડોલર જ્યારે નાણાં વર્ષ ૨૦૨૨માં ૧૩૩૭ કરોડ ડોલર ઊભા કર્યા હતા. આ બે નાણાં વર્ષમાં અમેરિકામાં વ્યાજ દરો ઐતિહાસિક નીચી સપાટીએ હતા, જેને કારણે ડોલરના સ્વરૂપમાં બોન્ડસ જારી કરવાનું કંપનીઓને સસ્તુ પડતું હતું. 

હવે ડોલર ખર્ચાળ બની ગયો છે ત્યારે અગાઉ જે કંપનીઓએ ડોલરના સ્વરૂપમાં નાણાં ઊભા કર્યા છે અને હેજિંગ નથી કર્યું તેમની માટે બોન્ડસની ચૂકવણી કરવા રિફાઈનાન્સિંગ મોંઘુ સાબિત  થશે એમ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. 

કંપનીઓએ બોન્ડસ પેટેના નાણાં ચૂકવવા સેકન્ડરી બજારમાંથી ડોલર ખરીદવાની ફરજ પડી શકે છે, કારણ કે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થઈ રહ્યો છે અને ડોલર પણ મોંઘો બની રહ્યો છે. વર્તમાન વર્ષમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ત્રણ ટકા સુધીનો વધારો કર્યો છે.

ડોલર બોન્ડ એટલે અમેરિકન ડોલરના સ્વરૂપની સિક્યુરિટી જેમાં મૂળ રકમ અને વ્યાજ અમેરિકન ડોલરમાં ચૂકવવાના રહે છે. ડોલરના મૂલ્યમાં વધારા સાથે ડોલર બોન્ડ મારફત બજારમાંથી નાણાં ઊભા કરવાનું ખર્ચાળ સાબિત થાય છે. 

હાલની સ્થિતિમાં રોકાણકારો તથા ભરણાં લાવનારી કંપનીઓ બન્નેએ પોતાની યોજનાની નવેસરથી આકારણી કરવાનો વારો આવ્યો છે.  ડોલર ખર્ચાળ બનતા ભારતીય કંપનીઓએ હવે સ્થાનિક કરન્સીઝ એટલે કે રુપી બોન્ડસ જારી કરવા તરફ વળવું પડશે.


City News

Sports

RECENT NEWS