Get The App

નિકાસ અંકૂશો દૂર કરાયા બાદ ગત વર્ષમાં ચોખાની નિકાસમાં 19 ટકા વધારો

- ચોખાની નિકાસ વધતા થાઈલેન્ડ સહિતના હરિફ દેશોને ફટકો

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
નિકાસ અંકૂશો દૂર કરાયા બાદ ગત વર્ષમાં ચોખાની નિકાસમાં 19 ટકા વધારો 1 - image

મુંબઈ : ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં ભારત ખાતેથી ચોખાની નિકાસ૧૯.૪૦ ટકા જેટલી વધી અત્યારસુધીની બીજી મોટી સપાટીએ રહી છે. ચોખાની નિકાસ પરના અંકૂશો દૂર થવાને કારણે નિકાસ બજારમાં ભારતના ચોખા સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ બની રહ્યા છે જેને પરિણામે નિકાસમાં વધારો શકય બન્યો છે એમ બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

વિશ્વમાં ચોખાના સૌથી મોટા નિકાસકાર ભારત ખાતેથી ચોખાની નિકાસમાં વધારો થતાં અન્ય નિકાસક દેશો વિયેતનામ તથા થાઈલેન્ડ ખાતેથી નિકાસમાં ઘટાડો થયો છે એટલું જ નહીં એશિયામાં ચોખાના ભાવ દાયકાની નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. 

ચોખાના ભાવમાં નરમાઈને પરિણામે એશિયાના કેટલાક દેશોને ચોખાનો આયાત ખર્ચ નીચો રાખવામાં સફળતા મળી હોવાનું પણ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.ગયા વર્ષના માર્ચમાં સરકારે ચોખાની નિકાસ પરના અંકૂશો દૂર કરતા નિકાસમાં ઝડપ આવી હતી, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ઘરઆંગણે માલભરાવો થવા સાથે સરકારે ૧૦૦ ટકા ટૂકડા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ  ઉઠાવી લેવાનો  ગયા માર્ચમાં નિર્ણય કર્યો હતો.  ટૂકડા ઉપરાંત અન્ય જાતિના ચોખાની નિકાસ પર પણ ભારતે પ્રતિબંધ મૂક્યા હતા જે અગાઉ જ ઉઠાવી લેવાયા હતા. 

૨૦૨૪માં ૧.૮૦ કરોડ ટનની સરખામણીએ ગયા વર્ષમાં ચોખાની નિકાસ વધી ૨.૧૫ કરોડ ટન સાથે ૨૦૨૨ના ૨.૨૩ કરોડ ટનના આંકની નજીક પહોંચી ગઈ હતી. નોનબાસમતિ ચોખાની નિકાસ ૨૫ ટકા વધી ૧.૫૦ કરોડ ટન જ્યારે બાસમતિની નિકાસ ૮ ટકા વધી ૬૫ લાખ ટન રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે.

વિશ્વમાં ચોખાના અન્ય ત્રણ નિકાસકાર દેશો એટલે કે થાઈલેન્ડ, પાકિસ્તાન તથા વિયેતનામની મળીને એકંદર નિકાસ કરતા ભારતની નિકાસ વધુ થાય છે.