ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન
- વ્યક્તિ દીઠ આ સરેરાશ નુકશાની પણ પાછલા વર્ષના રૂ.૮૬,૭૨૮થી વધીને રૂ.૧.૧ લાખ પહોંચી
- ચાર વર્ષના સમયગાળામાં કુલ નુકશાની રૂ.૨,૮૬,૯૮૬ કરોડની થઈ
ફયુચર્સ એન્ડ ઓપ્શન્સનો 'કેસીનો' અનેકને બરબાદ કરતાં હોવાનો નવો રિપોર્ટ
મુંબઈ : દેશના મૂડી બજારમાં ખાસ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં ચાલી રહેલા ખેલો ઈન્ડિયા ખેલોના જુગારમાં અનેક લોકો નુકશાની કરીને બરબાદ થઈ રહ્યા છે અને એના પર લગામ તાણવાને બદલે નિયામક તંત્ર દ્વારા દર વખતે લોકોની બરબાદીના સર્વેના આંકડા જાહેર કરાતાં રહીને કેસીનોમાં રમવા મોકળું મેદાન અપાતું આવ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન થયું છે.
મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ તાજેતરમાં પણ ડેરિવેટીવ્ઝમાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મેનીપ્યુલેશન કરનારા મોટાગજાના ટ્રેડરો, હેજ ફંડો સામે પગલાં લેવાની ફરજ પડી છે. આ સાથે સેબીનો નવો અભ્યાસ પણ બહાર આવ્યો છે કે, નાણા વર્ષ ૨૦૨૫માં ડેરિવેટીવ્ઝમાં ખેલો કરીને એટલે કે ટ્રેડિંગની લત્તે ચઢીને રિટેલ ટ્રેડરોએ રૂ.એક લાખ કરોડથી પણ વધુ અધધ....નુકશાની કરી છે.
સોદા ખર્ચાને ગણતરીમાં લીધા બાદ વ્યક્તિગત ટ્રેડરોની ચોખ્ખી નુકશાની જે નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૭૪,૮૧૨ કરોડની થઈ હતી, એ નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૦૬ લાખ કરોડ પહોંચી છે. જે મુજબ વ્યક્તિ દીઠ આ સરેરાશ નુકશાની પણ પાછલા વર્ષના રૂ.૮૬,૭૨૮થી વધીને રૂ.૧.૧ લાખ પહોંચી છે.
એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ટ્રેડિંગ કરનારા યુનિક વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં નાણા વર્ષ ૨૦૨૫માં ૨૦ ટકા ઘટાડો થયો છે, પરંતુ બે વર્ષ અગાઉની તુલનાએ હજુ ૨૪ ટકા ઊંચી રહી છે. પ્રીમિયમની રીતે વ્યક્તિગત ટર્નઓવર વાર્ષિક ધોરણે ૧૧ ટકા ઘટયું છે, પરંતુ બે વર્ષના સમયગાળાને ધ્યાનમાં લેતા ૩૬ ટકા વધ્યું છે.
ઈન્ડેક્સ ઓપ્શન્સ જે એફ એન્ડ ઓ ટ્રેડિંગમાં બહુ પ્રચલિત છે, એના પ્રીમિયમ ટર્નઓવરમાં ૯ ટકાનો ઘટાડો થયો છે અને ગત વર્ષની તુલનાએ નોશનલ ટર્નઓવરમાં ૨૯ ટકાનો ઘટાડો થયો છે. જો કે બે વર્ષની તુલનાએ વોલ્યુમ હજુ ઊંચું રહ્યું છે. જે પ્રીમિયમના સંદર્ભમાં ૧૪ ટકા વધુ અને નોશનલ વેલ્યુની રીતે ૪૨ ટકા વધ્યું છે. સેબીએ જણાવ્યું છે કે, ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં ૯૧ ટકા વ્યક્તિગત ટ્રેડરોએ નાણા વર્ષ ૨૦૨૫માં ચોખ્ખી નુકશાની કરી છે.
જે છેલ્લા ચાર વર્ષમાં ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોએ એક્ત્રિત ધોરણે રૂ.૩ લાખ કરોડ જેટલી નુકશાની કરી હોવાનું સેબીના આંકડા દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૨માં ચોખ્ખી નુકશાની રૂ.૪૦,૮૨૪ કરોડની હતી, એ વધીને નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૭૪,૮૧૨ કરોડ અને નાણાવર્ષ ૨૦૨૪માં રૂ.૬૫,૭૪૭ કરોડથી નાણા વર્ષ ૨૦૨૫માં વધીને રૂ.૧,૦૫,૬૦૩ કરોડની થઈ છે. ચાર વર્ષના સમયગાળામાં કુલ નુકશાની રૂ.૨,૮૬,૯૮૬ કરોડની થઈ છે.
F&Oના ટર્નઓવરમાં ૨૬ ટકાનો ઘટાડો
યુએસ પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ ભારતમાં ડેરિવેટિવ ટ્રેડિંગ વોલ્યુમને અસર કરી રહ્યો છે. સોમવારે એનએસઈ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું ટર્નઓવર રૂ. ૯૧.૪ લાખ કરોડ હતું, જે છેલ્લા ૧૨ સોમવારના સરેરાશ ટર્નઓવર કરતા ૨૬ ટકા ઓછું છે. તેવી જ રીતે, શુક્રવારે ટર્નઓવર (જ્યારે સેબીનો પ્રતિબંધ અમલમાં આવ્યો) છેલ્લા ૧૨ શુક્રવારની તુલનામાં ૯ ટકા ઘટયું હતું. સપ્ટેમ્બરમાં રૂ. ૫૩૭ લાખ કરોડની ટોચથી જૂનમાં ઇક્વિટીમાં સરેરાશ દૈનિક ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટર્નઓવર ૩૫ ટકા ઘટીને રૂ. ૩૪૬ લાખ કરોડ થયું હતું.