જૂનમાં રીટેલ ફુગાવો ઘટીને 2.1 ટકા : 6 વર્ષની નીચલી સપાટી
- જૂનમાં રીટેલ અને જથ્થાબંધ બંને પ્રકારના ફુગાવામાં ઘટાડો
- જૂનમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.13 ટકા : 19 મહિના પછી જથ્થાબંધ ફુગાવો નેગેટિવ ઝોનમાં
નવી દિલ્હી : શાકભાજી, દાળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય પર્દાથોની કીંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧ ટકા રહ્યો છે. જે છેલ્લા છ વર્ષની નીચલી સપાટી છે. ફુગાવાનો આ દર આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં છે.
કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે, ૨૦૨૫માં ૨.૮૨ ટકા અને જૂન, ૨૦૨૪માં ૫.૦૮ ટકા હતો. નવેમ્બર ૨૦૨૪ પછી ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૪ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૧ ટકા રહ્યો છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મે, ૨૦૨૫ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં કુલ ફુગાવામાં ૦.૭૨ ટકાનો ઘટાડો થયો છે. જે જાન્યુઆરી, ૨૦૧૯ પછી વાર્ષિક ધોરણે સૌથી ઓછું છે.
આ અગાઉ જાન્યુઆરી, ૨૦૧૯માં આ ફુગાવો ૧.૯૭ ટકા નોંધવામાં આવ્યો હતો. એનએસઓએ જણાવ્યું છે કે જૂન, ૨૦૨૫માં કુલ ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં ઉલ્લેખનીય ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવમાં ઘટાડો છે. બીજી તરફ આજે જથ્થાબંધ ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જૂનમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવમાં ઘટાડાને કારણે અને મેન્યુફેકચરિંગ વસ્તુઓની પડતરમાં ઘટાડો થવાને કારણે ડબ્લ્યુપીઆઇ જૂનમાં ઘટીને માઇનસ ૦.૧૩ ટકા રહ્યો છે. જે ૧૯ મહિના પછી નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુપીઆઇ ફુગાવો મેમાં ૦.૩૯ ટકા હતો. જ્યારે ગયા વર્ષે જૂનમાં આ ફુગાવો ૩.૪૩ ટકા હતો.
ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૫માં ફુગાવામા ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, મૂળ ધાતુઓનું નિર્માણ, ક્રૂડ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વગેરેની કીંમતોમાં ઘટાડો રહ્યો છે.