Business

PMC બેન્કના પ્રકરણ બાદ રિઝર્વ બેન્ક દ્વારા યુસીબી માટે નવા ધિરાણ ધોરણો લાવવા દરખાસ્ત રજુ

By GS Team
31 Dec 20192 mins read
This article was originally published on 31 Dec 2019
PMC બેન્કના પ્રકરણ બાદ રિઝર્વ બેન્ક દ્વારા યુસીબી માટે નવા ધિરાણ ધોરણો લાવવા દરખાસ્ત રજુ

મુંબઈ, તા.31 ડિસેમ્બર 2019, મંગળવાર

શહેરી સહકારી બેન્કો (યુસીબી)ની સિંગલ અને ગુ્રપ બોરોઅર લિમિટસ ઘટાડવાની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે દરખાસ્ત રજુ કરી હતી. આ ઉપરાંત અગ્રીમ ક્ષેત્રો માટેના ધિરાણ ટાર્ગેટસમાં વધારો થવો જોઈએ એમ પણ રિઝર્વ બેન્ક માને છે. છૂટી કરાતી કુલ લોન્સમાંથી પચાસ ટકા લોન્સ રૂપિયા ૨૫ લાખથી વધુ ન હોવી જોઈએ એવો પણ કેન્દ્રીય બેન્ક મત ધરાવે છે. 

શહેરી સહકારી બેન્કો મારફત અગ્રીમ ક્ષેત્રને ધિરાણ મર્યાદા જે હાલમાં ૪૦ ટકા છે તે વધારીને ૭૫ ટકા કરવાની આરબીઆઈ દરખાસ્ત ધરાવે છે. આ ટાર્ગેટ તબક્કાવાર વધારાશે. માર્ચ ૨૦૨૧ સુધીમાં પચાસ ટકા, માર્ચ ૨૦૨૨ સુધીમાં ૬૦ ટકા અને માર્ચ ૨૦૨૩ સુધીમાં ૭૫ ટકા કરવાની યોજના તૈયાર કરાઈ છે. 

સિંગલ અને ગુ્રપ બોરોઅર મર્યાદા શહેરી સહકારી બેન્કની ટીઅર ૧ કેપિટલના અનુક્રમે ૧૦ ટકા અને ૨૫ ટકા રાખવા પણ દરખાસ્ત રજુ કરાઈ છે. હાલમાં યુસીબીને તેમના કેપિટલ ફન્ડસના અનુક્રમે ૧૫ ટકા અને ૪૦ ટકા પૂરા પાડવાની છૂટ છે. 

સ્મોલ ફાઈનાન્સ બેન્કસ માટે નિશ્ચિત કરાયા છે તેવા જ પ્રકારના ધોરણો યુસીબી માટે તૈયાર કરાયા હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા મુસદ્દામાં જણાવાયું છે. આ ધોરણો જો નિયમોમાં રૂપાંતરિત થશે તો, સહકારી ક્ષેત્રનો વિકાસ રૂંધાશે એમ જાણકારો જણાવી રહ્યા છે.

 રિઝર્વ બેન્કની આ દરખાસ્ત યુસીબીને સ્મોલ ફાઈનાન્સ બેન્કસ તરફ લઈ જવાનો પ્રયાસ છે. જો કે પંજાબ  મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્કના પ્રકરણને પગલે રિઝર્વ બેન્કની આ દરખાસ્ત આવી પડી હોવાનું પણ મનાય રહ્યું છે. 

મહારાષ્ટ્ર અરબન કોઓપરેટિવ બેન્કસ ફેડરેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કની આ દરખાસ્તથી જોખમમાં ઘટાડો થશે અને સહકાર ક્ષેત્ર મજબૂત બનશે. 

યુસીબીના લોન પોર્ટફોલિઓમાં ઓછામાં ઓછી ૫૦ ટકા લોન્સ એવી હોવી જોઈએ જેમાં પ્રતિ બોરોએર અથવા પાર્ટીને રૂપિયા ૨૫ લાખથી વધુની લોન્સ છૂટી કરાઈ ન હોય. રિઝર્વ બેન્કના આ મુસદ્દા પર ૨૦ જાન્યુઆરી સુધીમાં મતો મંગાવવામાં આવ્યા છે. 

આ ધોરણોને કારણે યુસીબીમાં જોખમો ઘટશે અને નાણાંકીય સર્વસમાવિષ્ટતાનો વધારો થશે એમ રિઝર્વ બેન્ક દાવો કરી રહી છે.

 એકસપોઝરની સુધારિત મર્યાદા નવી લોન્સને જ લાગુ થશે.